બડા જાદુગર આયા
હમ બડા જાદુગર આયા
હમ ખેલ ઇલમકા લાયા.
અચ્છા મૈયા, આજ દિખાવો,
ક્યાં પેંડાકા ડબરા ?
પલભરમેં છૂમંતર કર દેં,
હમ જાદુગર જબરા !
લ્યો હસવામાં શું પાયા ?
હમ બડા જાદુગર આયા.
ચૉકલેટ, પીપરસે મૈયા,
ભરો હમારી મુઠ્ઠી;
ફૂંક મારકે ખાલી દેખો,
જાદુઈ લકડી જુઠ્ઠી ?
લ્યો હમને તો નહીં ખાયા !
હમ બડા જાદુગર આયા.
ખોટા ખોટા હમકો ખીજવી,
હસો હસો મત બબલી,
હવે બોલી તો ચપટીમેં હમ,
કર દેવેંગે ચકલી !
હાં, ઐસા બોત બનાયા !
હમ બડા જાદુગર આયા.
આંખ મીંચકે ઊભી બજારે,
સાઇકલ સોત ચલાવે,
દો આના તો દે દો મૈયા,
હમ ભાડે લઈ આવે.
લ્યો ના પાડી નવડાયા !
હમ બડા જાદુગર આયા.
અડધો તારો ભાગ બરાબર,
સમજી બબલી બેના !
તને સાથ સવારીમાં પણ
સાઇકલ ઉપર લેના.
બસ અબ તો જાદુ ભાયા ?
હમ બડા જાદુગર આયા.
તેરા કહ્યા કરેંગે મૈયા,
દે પીપર ને પૈસા,
બબલી બીચમેં ક્યોં કરતી હૈ,
મુખડા બંદર જૈસા ?
બા તેરા દીકરા ડાયા,
હમ બડા જાદુગર આયા.
મકરન્દ દવે