પોષની સવારે – મનોહર ત્રાવેદી

પાદરમાં લીમડાની છાંયડીઓ તડકાની વાટ જોઈ ઊભી છે ધ્રૂજતી…
વણઝારી દંગાની જેમ પણે ધુમ્મસમાં ટેકરીઓ લાગે છે ઊંઘતી….

જળની વચાળ હશે સૂતું તળાવ અને ઝાડ ઉપર ઝૂલે ના ડાળખી,
પાળ ઉપર મોરના ન રંગ હજી ઊડતા કે સીમ નથી પીંછાથી આળખી;
ગામને તો ઠીક ઓલા સૂરજનાં કિરણોને એની દિશાય નથી સૂઝતી…

વણઝારી દંગાની જેમ પણે ધુમ્મસમાં ટેકરીઓ લાગે છે ઊંઘતી…
પાદરમાં લીમડાની છાંયડીઓ તડકાની વાટ જોઈ ઊભી છે ધ્રૂજતી…

મનોહર ત્રાવેદી
[‘નવનીત’ માસિક : 1978]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.