પૂર્વજોનો સાહિત્યરસ – આનંદશંકર ધ્રુવ

આપણો ગ્રેજ્યુએટવર્ગ શાળા છોડે છે તેની જ સાથે ઉચ્ચ મનોભાવના સમાગમનો પ્રદેશ પણ છોડે છે ! કેટલા નવીન કેળવણી પામેલા સજ્જનોને ત્યાં નાનોસરખો પણ પુસ્તક-સંગ્રહ જોવામાં આવે છે ? આપણા કરતાં તો આપણા પૂર્વજોને સાહિત્યનો વધારે ખરો શોખ હતો એમ કહીએ તો ચાલે. ઘેરઘેર ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘ભાગવત’ની આખ્યાયિકાઓ વંચાતી, અને તે ધર્મ કરતાં પણ વિશેષ સાહિત્યદૃષ્ટિએ. પ્રેમાનંદની લોકપ્રિયતા એ કારણથી જ છે. વળી વિશેષતઃ સુશિક્ષિત કુટુંબમાં ‘ઓખાહરણ’, ‘નળાખ્યાન’, ‘મામેરું’ વગેરે કાવ્યો હાથે ઉતારી લેવાનો શ્રમ હોંશભેર કરવામાં આવતો એટલું જ નહિ, સામાન્ય લોકો પણ આ કાવ્યોનું પ્રેમ અને રસપૂર્વક વારંવાર શ્રવણ કરતા. અર્વાચીન સમયમાં ક્યાં સાહિત્યનાં પુસ્તકો પ્રત્યે આપણા ગ્રેજ્યુએટ વર્ગનો આટલો પ્રેમ છે એમ કહી શકાશે ? આપણું વર્તમાન જીવન શુષ્ક થઈ ગયું છે, ધર્મ-સાહિત્ય-કલાની ભાવના એમાંથી ઊડી ગઈ છે, ગરીબ સ્થિતિમાં પણ એ ભાવના ઉચ્ચ રીતે કેળવી શકાય છે એ સ્મરણ જતું રહ્યું છે.

આનંદશંકર ધ્રુવ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.