વસ્તુપાલ-તેજપાલ માટે તમારી સુભગ અને સુંદર કલમનો ઉપયોગ કરવા ઇચ્છો છો એ જાણી બહુ જ આનંદ થયો. એમાં શંકા નથી જ કે એ ભાઈઓ આપણી પ્રજાના મહાન આદર્શ પુરુષો હતા. મેં એમના ચરિત્રાનો ઠીક ઠીક અભ્યાસ કર્યો છે અને કર્યા જ કરું છું અને જેમ વધારે વિચાર કરું છું તેમ તેમ મને એ ભારતના ઇતિહાસમાં અદ્ભુત વ્યક્તિ તરીકે તરી આવે છે. સદ્ભાગ્યે એમને વખાણનારા અને અમર કરનારા સોમેશ્વર જેવા ઘણા સમર્થ કવિઓ મળી આવ્યા, છતાં એમની મહત્તા તો એ કવિઓએ ગાઈ છે તેના કરતાં ઘણી વધારે વ્યાપક અને અદ્ભુત હતી. તમારા જેવો કુશલ અને સહૃદય લેખક એમનાં પુણ્યકીર્તન કરે એ દેશ માટે અને આપના પોતાના માટે ખરેખર પુણ્યકાર્ય છે. એમાં સાંપ્રદાયિક કે ધાર્મિક પક્ષપાત નથી પણ વ્યક્તિની મહત્તાનો પક્ષપાત છે. આપણા ગુજરાતના લેખકોમાં, મારી દૃષ્ટિએ તમારા કરતાં વધારે લાયક મનુષ્ય નથી જે આ પુણ્યપુરુષોનાં અદ્ભુત ચરિત્રાનું સત્ય અને સાત્ત્વિક ભાવે સ્પષ્ટ સાક્ષાત્કાર કરી શકે. મારી સેવા આપવામાં મને કૃતાર્થતા જ અનુભવાશે.
જિનવિજય
[‘ગુજરાતનો જય’ નવલકથા લખી રહેલા ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં : 1940]