પાંખાળાં પુસ્તકો

                1934ની ગ્રીષ્મ તુ હતી. એલન લેન નામનો એક જુવાન બ્રિટિશ પ્રકાશક અપરાધકથાઓનાં પ્રખ્યાત લેખિકા એગથા ક્રિસ્ટીને ત્યાં થોડા વખત માટે આવ્યો હતો. તેની મુલાકાત પૂરી થઈ પછી લંડન પાછી જતી ટ્રેનની રાહ જોતો તે સ્ટેશને ઊભો હતો. મુસાફરી દરમ્યાન વાંચવા માટે કોઈ સસ્તું પુસ્તક ખરીદવા તે સ્ટેશનના બુકસ્ટોલ પર ગયો.

             સ્ટોલમાં અજાણ્યા લેખકોની ગણીગાંઠી નવલકથાઓ – રદ્દી પ્રેમકહાણીઓ કે અસંભવિત સાહસો – જ હતી. લખાણ તેમ જ રજૂઆત બંને ધૂળ જેવાં હતાં. લેને તે ઉઠાવી, તેમના પર નજર નાખી ને પાછી મૂકી દીધી. તેણે વિચાર્યું : “આ જાતનાં વાહિયાત પુસ્તકો વાંચવાની કોને પડી હોય ?”
16 વર્ષનો હતો ત્યારથી લેન એક નાની પ્રકાશન કંપની માટે કામ કરી રહ્યો હતો અને હવે 31 વર્ષની વયે તે મેનેજિંગ ડિરેક્ટર બન્યો હતો. ધંધામાં મંદી હતી અને તે નવી નવી યોજનાઓની તલાશમાં હતો. લંડન સુધીની મુસાફરી દરમ્યાન લેન સસ્તાં પુસ્તકોના હલકા પ્રકાર વિશે વિચારતો રહ્યો. પ્રકાશકો કેવળ પાકાં પૂંઠાંનાં પુસ્તકો પ્રસિદ્ધ કરતા હતા અને જાણીતા લેખકોનાં સારાં પુસ્તકોની કોઈ સસ્તી આવૃત્તિ તેઓ બહાર પાડતા નહોતા. લેને વિચાર્યું, “જે લોકો પાસે બહુ પૈસા નથી તેઓને પાકાં પૂંઠાંનાં પુસ્તકો ખરીદવાનું પરવડે નહીં.” તેના મનમાં વિચાર ઝબકી ગયો. તે મનમાં બોલ્યો : આ તો મારે માટે એક તક છે. હું સફળ પુસ્તકોની પેપરબેક (કાચાં પૂંઠાંની) આવૃત્તિઓ બહાર પાડીશ અને તે છ પેન્સમાં વેચીશ.

           પોતાની પ્રકાશન કંપનીના ડિરેક્ટરો આગળ તેણે ઉત્સાહપૂર્વક પોતાની યોજના મૂકી. “પેપરબેક આવૃત્તિની ભારે માંગ થશે,” તેણે કહ્યું. ડિરેક્ટરોએ યોજનાનો વિચાર કરવાની જ ના પાડી દીધી. તેઓએ કહ્યું, “નક્કી તારું ખસી ગયું છે ! છ પેન્સમાં આપણે પુસ્તકો તૈયાર ન કરી શકીએ. આપણે પૈસા ગુમાવીએ જ.”

             લેનને લાગ્યું કે ડિરેક્ટરો ઘરડા ઠચ્ચર છે; ભવિષ્યનો તો તેઓ વિચાર જ કરતા નથી. “બહુ સારું,” તેણે અકળાઈને કહ્યું, “તમને એમાં લાભ ન દેખાતો હોય તો હું પોતે એવાં પુસ્તકો પ્રગટ કરીશ અને તેને તૈયાર કરવાનું ખર્ચ મારા ખીસામાંથી આપીશ.”

            પોતાના ભાઈ જોન અને રિચર્ડને તેણે કહ્યું કે પોતે પેપરબેક પુસ્તકોનો ધંધો શરૂ કરવા માગે છે. તેમને તો પ્રકાશનના ધંધાનો કશો અનુભવ નહોતો; પણ એમાં રહેલી તક તેઓ તરત જોઈ શક્યા. બંનેએ પોતાનો કામધંધો છોડીને એલન સાથે જોડાવાનું નક્કી કર્યું.
“મને માલસામાન વેચવાનો થોડો અનુભવ છે,” જોને કહ્યું. “હું તારો સેલ્સ મેનેજર બનીશ.” “અને હું હિસાબ રાખીશ,” રિચર્ડ બોલ્યો. હસતાં હસતાં એણે ઉમેર્યું :  “પૈસાની બાબતમાં તારું કામ નહીં, એલન ! તારા આંકડા હંમેશાં ખોટા જ પડવાના !”

            યોજના ઘડવામાં ત્રણે ભાઈઓએ કેટલાંક અઠવાડિયાં ગાળ્યાં. તેમણે પેપરબેકનાં આકાર, કદ, છપાઈ અને સામાન્ય સ્વરૂપની રૂપરેખા નક્કી કરી, તે બહાર પાડવાના ખર્ચની ગણતરી કરી. પછી તેઓ જાણીતી પ્રકાશન સંસ્થાઓનાં સૂચિપત્રો ઝીણવટથી જોઈ ગયા અને પોતે જે પુસ્તકો પ્રગટ કરવા માગતા હતા તેની યાદી તૈયાર કરી.

          એલન પ્રકાશકોને મળવા ગયો અને તેમનાં પુસ્તકોની પેપરબેક આવૃત્તિ પ્રગટ કરવાની મંજૂરી મેળવવાનો પ્રયત્ન તેણે કર્યો. બધા જ પ્રકાશકોએ પેપરબેક આવૃત્તિના હકો વેચવાની ના પાડી. પ્રકાશકો પોતાનો વિચાર બદલે તે માટે એલન ફરી ફરીને તેમની મુલાકાતે ગયો અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

            આખરે એ બાબતનો વિચાર કરવા પ્રકાશકોએ એક સભા ભરી. એલને પોતાની યોજના સમજાવી અને તેમાંથી તેમને કેવા લાભો મળવાનો સંભવ હતો તે પ્રકાશકોને બતાવવાનો પ્રયત્ન કર્યો. “મારી પેપરબેક આવૃત્તિઓ તમારાં પુસ્તકો માટે નવું બજાર પૂરું પાડશે,” તેણે પ્રકાશકોને કહ્યું. “આજે તો મોટા ભાગના લોકો પુસ્તકો માગી લાવીને વાંચે છે, કેમ કે તેઓ તે ખરીદી શકે એમ નથી. પાકાં પૂંઠાંનાં પુસ્તકો માટે તેઓ પૈસા ફાજલ પાડી શકે એમ નથી, પણ પેપરબેકની નકલ માટે તેઓ છ પેન્સ જરૂર આપશે. પુસ્તકો માગી લાવીને વાંચનારા હજારો લોકો મારી પેપરબેક આવૃત્તિઓ ખરીદશે – અને આમ તમને વધારાના વેચાણનો લાભ મળશે.”

             પ્રકાશકોને લાગ્યું કે એલન વાહિયાત વાત કરી રહ્યો છે.

             “જો લોકો છ પેન્સમાં પેપરબેક આવૃત્તિઓ ખરીદી શકે તો પછી તે પાકા પૂંઠાંનાં પુસ્તકો ખરીદશે નહીં. આમ અમારું વેચાણ વધશે તો નહીં પણ ઘટશે.” એક પ્રકાશકે કહ્યું.

               એલન એ વાત સાથે સંમત ન થયો. “ના, ના,” તેણે કહ્યું, “જે લોકો પાકાં પૂંઠાંનાં પુસ્તકો ખરીદી શકે એમ છે તેઓ તો તે ખરીદવાનું ચાલુ રાખશે.”
“તમે છ પેન્સમાં સારું પુસ્તક તૈયાર જ ન કરી શકો,” એક બીજો પ્રકાશક બોલ્યો. “અમારે સસ્તી પેપરબેક આવૃત્તિઓ ન જોઈએ. એ પુસ્તકોના ધંધાની પ્રતિષ્ઠા પર પાણી ફેરવશે.”

          “સાહેબ !” એલને ગર્વપૂર્વક જવાબ આપ્યો, “મારાં પુસ્તકોની ગુણવત્તા બહુ ઊંચી – ઉત્તમ રહેશે. કેવળ તેની કિંમત જ નીચી રહેશે.”
દરેકે દરેક જણ એલનની વિરુદ્ધ હોય એમ લાગ્યું. પણ તે પોતાની વાત કહેતો રહ્યો અને દલીલ કરતો રહ્યો… અને આખરે જીતી ગયો.

             એક પ્રતિષ્ઠિત પ્રકાશક, જોનાથન કેપ, પોતાનાં કેટલાંક પુસ્તકોના પેપરબેક હકો વેચવાને સંમત થયો. “તારો ધંધો ભાંગી પડવાનો છે,” તેણે કહ્યું, “પણ જો તું તારા પૈસા ગુમાવવા જ માગતો હોય તો તેમાંથી થોડાક લઈ લેવા હું તૈયાર છું !”

          પછીથી બેત્રણ બીજા પ્રકાશકો પણ પોતાના હકો વેચવા તૈયાર થયા. અર્નેસ્ટ હેમિંગ્વે, કોમ્પટન મકેન્ઝી, આન્દ્રે મોરવા અને અપરાધકથાઓનાં
લેખિકા એગથા ક્રિસ્ટી તેમ જ ડોરથી સેયર્સ – એ વિશ્વવિખ્યાત લેખકોનાં દસ પુસ્તકોની પેપરબેક આવૃત્તિઓથી શરૂઆત કરવાનું એલન અને તેના ભાઈઓએ નક્કી કર્યું.

           “હવે,” એલને કહ્યું, “આપણે આપણી પેપરબેક માટે કોઈ નામ નક્કી કરવું જોઈએ – એવું નામ કે જે લોકોને યાદ રહી જાય.”
કોઈ ખાસ કારણ વગર જ તેના સેક્રેટરીએ સૂચવ્યું કે, આપણે એ પુસ્તકોનું નામ ‘પેંગ્વીન’ (એક દરિયાઈ પક્ષી જે પાણીમાં હલેસાંની જેમ પોતાની પાંખ વાપરી શકે છે) રાખીએ.

              “એ સારો વિચાર છે. પેંગ્વીન બધાને ગમે છે.” એલન બોલ્યો, “લોકોનું ધ્યાન ખેંચવા આપણે એ પુસ્તકોનાં પૂંઠાં પર પેંગ્વીનનું ચિત્ર છાપીશું.” તેણે પોતાના પટાવાળાને બોલાવ્યો અને કહ્યું, “તને ચીતરતાં સારું આવડે છે. તું પ્રાણીઘરમાં જા અને પેંગ્વીનનું ચિત્ર ચીતરી લાવ.” મીઠાઈ લેવા તેણે પટાવાળાને બે પેન્સ આપ્યા.

           એલન ભાઈઓએ દરેક પુસ્તકની 20,000 નકલ છાપવાનું નક્કી કર્યું. કાંઈ નફો મળવા માંડે તે પહેલાં, પુસ્તકો તૈયાર કરવામાં થયેલો ખર્ચ કાઢવા માટે દરેકની 17,000 નકલો વેચવાની જરૂર હતી.

         હવે પોતાનાં પુસ્તકો ખરીદવા માટે તેમણે બુકસેલરોને સમજાવવાના હતા – એક બીજી ભારે લડત લડવાની હતી. પેપરબેકનાં કદ, આકાર અને સામાન્ય દેખાવનો ખ્યાલ આપવા માટે એમણે એક પુસ્તકની ‘ડમી’ નકલ તૈયાર કરી. ડમીમાં 256 છાપેલાં પાન હતાં. પેંગ્વીનના પુસ્તકની એ સરાસરી લંબાઈ હતી.

          પોતાની બૅગમાં ડમી પેક કરીને એલન બુકસ્ટોલોની મુલાકાતે ઊપડયો. બ્રિટનમાં ચોતરફ મુસાફરી કરી, સેંકડો બુકસ્ટોલની તેણે મુલાકાત લીધી – પણ ખાસ કંઈ વળ્યું નહીં.

          બુકસેલરો ડમી જોઈને પોતાનું ડોકું ધુણાવતા. તેઓ કહેતા, “કાચાં પૂંઠાંનાં પુસ્તકોનો અમે સ્ટોક રાખી શકીએ નહીં. તે ગંદાં થઈ જાય અને પૂંઠાં ફાટી જાય. પેપરબેક કોઈ ખરીદશે નહીં; લોકો તો સારી સ્થિતિમાં જળવાઈ રહે એવાં મજબૂત પાકાં પૂંઠાંનાં પુસ્તકો જ માગે છે.”

           એલન દલીલ કરતો : “ઘણા લોકો પાકાં પૂંઠાંનાં પુસ્તકો ખરીદી શકે એમ નથી. પેપરબેકની નકલો છ પેન્સમાં ખરીદવાની તક મળતાં તેઓ રાજી થશે. અત્યારે જે લોકો પુસ્તકો ખરીદતા નથી તેઓ તમારા સ્ટોલ પર આવશે ને મારાં પેંગ્વીન ખરીદશે. તમે થોકબંધ વધારાનાં પુસ્તકો વેચશો અને તમારો નફો વધશે.” પ્રકાશકોને કહેલી બધી વાત તે તેમની આગળ ફરીથી બોલી જતો – પરંતુ બુકસેલરો તેની વાત ધ્યાન પર લેતા નહીં.
દરેક પુસ્તકની ફક્ત 7,000 જેટલી નકલોનો ઓર્ડર મેળવી એલન ઘેર પાછો ફર્યો.

           “બુકસેલર ખરીદે જ નહીં તો આપણે પુસ્તકો પ્રસિદ્ધ કરી શકીએ નહીં,” ભાઈઓએ કહ્યું.
એલને મક્કમતાપૂર્વક જણાવ્યું : “ના, ના, હું હારીશ નહીં ! પુસ્તકો માટે હું બીજાં બજાર શોધીશ.”

           દેશના બધા ભાગનાં કસબાઓ અને શહેરોમાં શાખાઓ ધરાવતા એક મોટા સ્ટોર વુલવર્થની મુલાકાત લેવાનું એલને નક્કી કર્યું. વુલવર્થનો સ્ટોર પસંદ કરવાનું કારણ એ હતું કે તે અરસામાં એ સ્ટોરની બધી વસ્તુઓની કિંમત 6 પેન્સની મર્યાદામાં હતી. સ્ટોરના ખરીદી વિભાગના વડા પ્રેસ્કટને એલન મળ્યો અને તેને ડમી તેમ જ પોતે જે પુસ્તકો પ્રસિદ્ધ કરવા માગતો હતો તેની યાદી બતાવી.

           “કીમતના પ્રમાણમાં પુસ્તકો ઘણાં મૂલ્યવાન છે, પણ હું તે વેચી શકીશ કે નહીં તે બાબત મને શંકા છે,” પ્રેસ્કટે કહ્યું. “કિંમત બરાબર છે, પણ પુસ્તકો અનુકૂળ નથી. વુલવર્થના ગ્રાહકો કેવળ હળવી નવલકથાઓ જ વાંચે છે. આવાં સારાં પુસ્તકો તેઓ નહીં ખરીદે.”

            નસીબ અજમાવવા અને એના પેપરબેક માટે પ્રયત્ન કરી જોવા પ્રેસ્કટને સમજાવવા એલને પ્રયાસ કર્યો. પ્રેસ્કટ આ બાબતનો વિચાર કરી રહ્યો હતો ત્યાં તેની પત્ની, જે પુસ્તકોનું ભારે જ્ઞાન ધરાવતી હતી, આવી ચડી. પ્રેસ્કટે તેને ડમી બતાવી, “તને લાગે છે કે આ પુસ્તકો આપણે આપણા સ્ટોરમાં વેચી શકીશું ?” પત્નીને તેણે પૂછયું.

       મિસિસ પ્રેસ્કટને એ વિશે જરાયે શંકા નહોતી. “હા – તમે હજારો નકલો વેચી શકશો. આવાં પેપરબેક પુસ્તકોની ભારે જરૂર છે.” તે બોલી. પત્નીથી પ્રભાવિત થઈને પ્રેસ્કટે દરેક પુસ્તકની 10,000 નકલોનો ઓર્ડર મૂક્યો.

           કૂદકો મારીને એલન એક બસમાં ચડી ગયો અને પોતાના ભાઈઓને આ શુભ સમાચાર આપવા પાછો ઘેર દોડી ગયો.
“આપણે બચી ગયા છીએ !” તેણે તેમને કહ્યું, “આપણા પ્રકાશન-ખર્ચને પહોંચી વળીએ એટલા ઓર્ડરો હવે આપણી પાસે છે. આપણે પુસ્તકો પ્રસિદ્ધ કરી શકીશું.”

            લેન બંધુઓએ 100 પાઉન્ડની મૂડી સાથે એક પ્રકાશન કંપની – ‘પેંગ્વીન બુક્સ’ – ઊભી કરી. તેમણે 12 માણસોને રોક્યા. એક મોટરની દુકાનની ઉપરનો નાનો રૂમ તેમણે ઑફિસ માટે ભાડે રાખ્યો અને એક ચર્ચનું ભોંયરું તેમના સ્ટોર અને પેકિંગ વિભાગ માટે વાપરવાની મંજૂરી મેળવી. એ ભોંયરાની ભીંતોમાં પથ્થરની કબરોમાં મરેલાં માણસોનાં મડદાં રહેતાં. બે કબરો ખાલી હતી. એકમાં પુસ્તકો અને કાગળો મૂક્યાં અને બીજીમાં પૈસા.

             પેંગ્વીનનાં પહેલાં દસ પેપરબેક જુલાઈ 1935માં પ્રસિદ્ધ થયાં. તે બહુ સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં હતાં. પુસ્તકોનાં પૂંઠાં મજબૂત હતાં. જુદા જુદા વિષયો માટે જુદા જુદા રંગનાં પૂંઠાં હતાં. દા.ત. નવલકથાઓનાં પૂંઠાં નારંગી ને સફેદ રંગનાં અને અપરાધકથાઓનાં લીલા તેમજ સફેદ રંગનાં હતાં. પેલા પટાવાળાએ દોરેલું પેંગ્વીનનું ચિત્ર પૂંઠાં પર છાપવામાં આવ્યું હતું અને પુસ્તકોનો સામાન્ય દેખાવ આકર્ષક હતો.

          તરત જ લોકો તરફથી પેપરબેકની ભારે માગ થવા માંડી. પ્રખ્યાત લેખકોનાં સારાં સારાં પુસ્તકોની નકલ ફક્ત 6 પેન્સની કિંમતે મેળવવાની તકથી લોકો રાજી રાજી થઈ ગયા. હજી તો એક અઠવાડિયું નહોતું થયું ત્યાં તો વુલવર્થે પેંગ્વીનનાં બધાં પુસ્તકો વેચી નાખ્યાં અને વધારાની હજારો નકલો માટે ઓર્ડર મૂક્યો. બુકસેલરોએ પણ તેમનાં બધાં પેપરબેક વેચી નાખ્યાં. સ્ટોરો અને બુકસ્ટોલોના ઑર્ડરો પૂરા પાડવા માટે તરત જ એ પુસ્તકોનું પુનર્મુદ્રણ કરવું પડયું. માગ વધતી અને ફેલાતી ચાલી. થોડા વખતમાં જ લગભગ બધા જ બુકસ્ટોલો પેંગ્વીનનાં પુસ્તકો વેચતા થઈ ગયા.

           બ્રિટનના દરેક ભાગમાંથી બુકસેલરોએ એલન એલનને કાગળો લખ્યા અને તેનાં વખાણ કર્યાં. તેમણે લખ્યું : “જે લોકોએ અગાઉ કદી પુસ્તકો ખરીદ્યાં નથી તેઓ અમારી દુકાને આવે છે અને તમારાં પેપરબેક ખરીદે છે.” થોડાં વધુ પુસ્તકો છાપવા તેમણે વિનંતી કરી.

          પ્રકાશકોએ પણ પોતાનો અભિપ્રાય બદલ્યો હતો. હવે તેઓ તેમના પેપરબેકના હક્કો વેચવાને રાજી અને આતુર હતા.
બીજા જાણીતા લેખકોનાં દસ વધુ પુસ્તકોની પેપરબેક આવૃત્તિઓ લેન બંધુઓએ બહાર પાડી. તેની પણ એટલી જ ભારે માગ રહી.

            લેખકોને નકલ દીઠ ફક્ત 1/4 પેની ‘રોયલ્ટી’ ચૂકવવામાં આવી હતી. આમ લેખકોને 20,000 નકલોની પહેલી આવૃત્તિની રોયલ્ટી પેટે 20 પાઉંડથી થોડી જ વધારે રકમ મળી. પણ એ પુસ્તકોનું વારંવાર પુનર્મુદ્રણ થવા માંડયું, એટલે વર્ષો જતાં લેખકોને તેમની વધારાની પેપરબેક આવૃત્તિઓની રોયલ્ટી પેટે અઢળક નાણાં મળ્યાં.

             લગભગ બે વરસ પછી લેન બંધુઓએ અને તેમના બાર કર્મચારીઓએ કોઈ પણ જાતની સગવડ વગરની તેમની નાનકડી ઑફિસનો અને ચર્ચના ભોંયરાનો ત્યાગ કર્યો અને સારી અદ્યતન ઑફિસમાં ગયા.

         પોતાના ધંધાનો વિકાસ કરવા આતુર એલને કયાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાં તે અંગે પોતાને સલાહ આપવા હવે સંખ્યાબંધ ‘સાહિત્યપ્રેમી સલાહકારો’ની નિમણૂક કરી.

          અત્યાર સુધી એલને કેવળ બીજા પ્રકાશકોએ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોની જ પેપરબેક આવૃત્તિઓ છાપી હતી. “તમારે હવે થોડાં નવાં અને મૌલિક પેપરબેક પુસ્તકો પ્રસિદ્ધ કરવાં જોઈએ,” સાહિત્યપ્રેમી સલાહકારોમાંના એકે સૂચવ્યું.

           એ સૂચનથી એલન ઉમંગમાં આવી ગયો. “અદ્ભુત વિચાર !” તેણે કહ્યું. “હું અનેક નવાં પુસ્તકો બહાર પાડીશ અને તેમનું નામ ‘પેલિકન’ (લાંબી ચાંચ નીચે કોથળી જેવા અવયવવાળું એક જળચર પક્ષી) રાખીશ.” વિજ્ઞાન, કેળવણી અને બીજા કેટલાક મહત્ત્વના વિષયો પર પુસ્તકો લખવા તેણે કેટલાક વિદ્વાન માણસોને વિલંબ વગર નીમ્યા.

           બીજા વિશ્વયુદ્ધનાં કાળાં વાદળો હવે ઘેરાઈ રહ્યાં હતાં અને યુરોપમાં જે જોખમો વધતાં જતાં હતાં તેનાથી લોકો ભારે ચિંતિત હતા. એલને બીજી ગ્રંથમાળા ‘પેંગ્વીન સ્પેશિયલ’ શરૂ કરી અને યુરોપ તથા દુનિયામાં બની રહેલા બનાવો બાબત તેમ જ યુરોપના કેટલાક દેશોના ઇતિહાસ વિશે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. એ બંને પ્રકારનાં પુસ્તકોનું પણ ભારે વેચાણ થયું.

           1939માં જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એલનના ભાઈઓ જોન તથા રિચર્ડ લશ્કરમાં ભરતી થયા અને પાછળથી જોન માર્યો ગયો.

           યુદ્ધ દરમ્યાન એલન બહુ પુસ્તકો પ્રસિદ્ધ ન કરી શક્યો કેમ કે કાગળની તંગી હતી. ફરી શાંતિ સ્થપાતાં એણે તરત જ પોતાના ધંધાને જમાવ્યો. ઇતિહાસ, કળા, સંગીત અને પ્રખ્યાત ઇમારતો જેવા ખાસ વિષયો પર તેણે કેટલીક નવી ગ્રંથમાળાઓ પ્રગટ કરી. અમુક વસ્તુઓ કેમ કરવી કે બનાવવી તે લોકોને શીખવવા તેણે પુસ્તકો પ્રગટ કર્યાં. પછી તેણે ખાસ બાળકો માટે પેપરબેક પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. એનું નામ એણે ‘પફિન’ (મોટી ચાંચવાળું એક દરિયાઈ પક્ષી) રાખ્યું હતું. એલન તેની યાદીમાં વર્ષોવર્ષ વધુ ને વધુ પુસ્તકો ઉમેરતો ગયો.

          એલને એક વિશ્વવ્યાપી વિદેશી બજાર પણ ઊભું કર્યું. સંખ્યાબંધ દેશોમાં તેણે એજન્ટો નીમ્યા અને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા ને ન્યૂઝીલેન્ડમાં શાખાઓ ખોલી. થોડા જ વખતમાં એલનનાં પેપરબેક પુસ્તકોનું વિદેશોમાં પણ લગભગ બ્રિટનના જેટલું જ ભારે વેચાણ થવા લાગ્યું.

          ધંધો બહુ ઝડપથી વિકસી રહ્યો હતો. 1956માં કંપનીને 21 વર્ષ થયાં ત્યાં સુધીમાં એલને એક કરોડ જેટલાં પેપરબેક છાપ્યાં અને વેચ્યાં હતાં. ચાર વર્ષ પછી વેચાણનો આંકડો દોઢ કરોડ સુધી પહોંચી ગયો.

       પુસ્તકો માટે નવા નવા વિચારોની ખોજમાં એલન વારંવાર પાર્ટીઓમાં જતો, લોકોની સાથે વાતચીત કરતો અને તેમને ખાસ ગમતા હોય તેવા વિષયો ખોળી કાઢવા પ્રયત્ન કરતો. તે એક સારો શ્રોતા હતો, એટલે આવાં સામાજિક સંમેલનોમાંથી તે પુસ્તકો માટે ઉપયોગી વિચારો મેળવતો.

        અમુક પુસ્તકનું વેચાણ સારું થશે કે કેમ એનો નિર્ણય કરવામાં જોકે સામાન્યપણે એલન કાબેલ હતો, છતાં ક્યારેક તે ભૂલો કરી બેસતો. એના મુખ્ય સંપાદકને એક વખત કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ કરવાની ઇચ્છા થઈ. એલનના સાહિત્યપ્રેમી સલાહકારોને કેટલાંક કાર્ટૂનો ખૂબ અશિષ્ટ લાગ્યાં. તેમણે સલાહ આપી : “તમે એ ચિત્રો છાપી ન શકો. લોકોને એનાથી આઘાત લાગશે.”

        એલને તેમની સલાહની અવગણના કરી એ પુસ્તક પ્રગટ કર્યું. અને સાચે જ લોકોને આઘાત લાગ્યો. બહુ થોડા લોકોએ એ પુસ્તક ખરીદ્યું અને બ્રિટનના બધા ભાગમાંથી ગુસ્સે ભરાયેલા બુકસેલરોએ ફરિયાદ કરતા કાગળો લખ્યા.

        એ પુસ્તકોની લપમાંથી છૂટવાનું એલને નક્કી કર્યું. એક શનિવારે પાછલા પહોરે, જ્યારે એની ઑફિસો બંધ થઈ ગઈ હતી ત્યારે એલન અને એનો એક મિત્ર એક લોરીમાં બેસીને લંડન તરફ હંકારી ગયા. સ્ટોરમાંથી બધી નકલો તેમણે ‘ચોરી’ લીધી, તે લોરીમાં ભરી દીધી અને દૂર લઈ જઈને બાળી મૂકી !

       એલન 1970માં મરણ પામ્યો. તેણે જાતજાતનાં લગભગ દસ હજાર પુસ્તકો પ્રસિદ્ધ કરેલાં. તેના જીવનકાળ દરમ્યાન તેની કંપનીની મૂડીનું મૂલ્ય 100 પાઉન્ડથી વધીને એક કરોડ પાઉન્ડ જેટલું થયું.

        એનાં પુસ્તકોની સફળતા દ્વારા એલને એક વિશ્વવ્યાપી ‘પેપરબેક ક્રાંતિ’ની શરૂઆત કરી. હવે બ્રિટિશ પ્રકાશકો પોતાની જ પેપરબેક આવૃત્તિઓ બહાર પાડવા લાગ્યા અને તેમાંથી ઘણીનું વેચાણ પાકાં પૂંઠાંનાં પુસ્તકો કરતાં વધારે થવા લાગ્યું. એલનની અમેરિકન કંપનીના બે ડિરેક્ટરો પેંગ્વિનમાંથી છૂટા થયા અને તેમની પોતાની કંપનીઓ – ‘બેન્ટમ બુક્સ’ અને ‘ન્યૂ અમેરિકન લાઇબ્રેરી’ – ઊભી કરી. થોડા જ વખતમાં અમેરિકામાં પેપરબેક પ્રકાશકોની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ. પછી યુરોપના બીજા દેશોએ પેપરબેક પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. થોડા જ વખતમાં આ ‘ક્રાંતિ’ દુનિયાના બધા જ ભાગમાં ફેલાઈ ગઈ.

 (અનુ. ચંદ્રકાન્ત કાજી)
[અંગ્રેજી પુસ્તિકા ‘પિક અપ એ પેંગ્વિન – ધ સ્ટોરી ઓફ એલન લેન’]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.