ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે

મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઇન્સાનની,
ચાલો, દોસ્તો ! ખૂંદી વળીએ ધરતી હિન્દુસ્તાનની.

સતલજનાં બંધાયાં પાણી, બાંધ્યા કોશીના વિસ્તાર,
દામોદર ને હીરાકુંડના શા સરજાયા જલભંડાર !
દુર્ગમ સૂકા મારગ ભેદી વહેતી નહેરો અપરંપાર,
ધરતીમાં નવજીવન જાગે, સોહે હરિયાળા અંબાર.
લાખો હાથે બદલે સૂરત આ ઉજ્જડ વેરાનની. -ચાલો.

કોના દિલમાં હજી નિરાશા ? કોણ હજી ફરિયાદ કરે ?
કોણ એવો બુઝદિલ હજી અંધારી રાતો યાદ કરે ?
અંગ્રેજીના આશક બેઠા માધ્યમ કેરા વાદ કરે,
છોડો એને; ચાલો સાથી ! ખુલ્લાં ખેતર સાદ કરે.
દિશેદિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની. -ચાલો.

નવીન આશા, નવા ઉમંગો, નવાં તેજ રેલાય છે,
ખંડે ખંડે પંચશીલનો શાંતિમંત્રા લહેરાય છે.
પ્રજા પ્રજાનાં ભવ્ય મિલન ! શી પ્રીતગાંઠ બંધાય છે !
આજ અખિલ સંસાર તણું શું ભાગ્ય અહીં પલટાય છે !
હજાર વરસે આવી અનુપમ ઘડી નવાં નિર્માણની. -ચાલો.

અમર રહો ભારત જેની અરવિંદે કીધી સાધના,
ને અણમોલાં કાવ્યકુસુમથી કરી રવીન્દ્રે અર્ચના,
ગાંધી, જેને પુણ્ય પગલે પાવન આ પૃથ્વી બની,
જીવન કેરા યજ્ઞ રચી જેની કીધી આરાધના.
જિંદગી સાટે રક્ષા કરીએ ભારતના એ પ્રાણની. -ચાલો.

નાથાલાલ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.