દલો તરવાડી

દલા તરવાડીએ રીંગણાં તોડતાં વાડીને પૂછેલું કે, બોલ ભાઈ, રીંગણું એક લઉં કે બે-પાંચ ? અને વાડી વતી પોતે જ જવાબ આપેલો કે, લેને ભાઈ પાંચ- પચાસ ! પરિણામે એને કૂવામાં કેટલીક ડૂબકીઓ ખાવી પડેલી.
દલા નામનો કોઈ તરવાડી હતો કે કેમ, તે કોઈ જાણતું નથી. પણ તે હતો જ અને અત્યારે પણ છે એમ કહેવામાં અસત્ય નથી.
સાહેબ પોતાને પૂછે છે કે, “પટાવાળા પાસે ઘરકામ કરાવું કે નહીં ?” અને પોતે જ જવાબ આપે છે, “અરે, કરાવને પૂરા ચૌદ કલાક !”
કોન્ટ્રાક્ટર પોતાને જ પૂછે છે : “સિમેંટમાં પાંચ ટકા કાંકરી વધારે નાખું કે નહીં ?” અને પોતે જ જવાબ આપે છે, “અરે, નાખને પંદર-પચીસ ટકા !”
ગામડાનો માસ્તર પોતાને જ પૂછે છે કે, “છોકરાને એકાદ સોટી મારું કે ?” અને પોતે જ જવાબ આપે છે, “અરે, મારને એક સાથે બે-પાંચ સોટી !”
વેપારી પોતાને પૂછે છે, “માલની અછત છે – નફો પચ્ચીસ ટકા લઉં કે પાંત્રીસ ટકા ?” અને પોતે જ જવાબ આપે છે, “અરે, મળતો હોય તો લેને પચાસ- પોણોસો ટકા !”
કારકુન કહે છે, “આ પતરાંની અરજી કરનારને એક ધક્કો ખવાડું કે બે- પાંચ ?” અને પોતે જ જવાબ આપે છે, “અરે, ખવાડને પચાસ ધક્કા – કયો કાકો ના પાડે છે !”
ભિખારી પોતાને પૂછે છે, “શેઠ પાસે પૈસો માગું કે આનો ?” અને પોતે જ બેધડક જવાબ આપે છે, “અરે, માગ ને પૂરી પાવલી જ ! માગવામાં શું જાય છે ?”
સુધરાઈ પોતાને જ પૂછે છે, “સરકાર પાસે હજારની ગ્રાંટ માંગવી કે દસ હજારની ?” અને પોતે જ નક્કી કરે છે, “અરે, માગોને પૂરા અર્ધા લાખની ! માગવામાં શું જાય છે ?”
મહાસત્તાઓના મોવડીઓ પોતાને જ પૂછે છે, “વિશ્વશાંતિ માટે એટમ બૉમ્બ બનાવીએ કે હાઇડ્રોજન બૉમ્બ ?” અને જાણે પોતે જ પોતાને જવાબ આપતા જણાય છે, “અરે, ત્રોવડ હોય તો બસો-પાંચસો હાઇડ્રોજન બૉમ્બ જ બનાવી નાખોને !”

‘કલ્કી’
**
કોરાટી ધરતીયે ફાટ પડે, હમજ્યા;
‘લ્યા ! આભલે તિરાડ ક્યાંય જોણી ?
ડુંગરડા કોરા ’લ્યા હોય કાંક હમજ્યા,
પણ હેમાળે ઝાળ કાંઉ કરીયે ?!
કનુભાઈ જાની

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.