માનસિક કામ કરનારા આપણને બધાને એક જાતનું બેઠાડુ, બને ત્યાં સુધી પટાવાળા અને નોકરો પાસેથી કામ લેવાની આદતવાળું, જીવન જીવવાની ટેવ પડી ગઈ છે. અને આપણું શિક્ષણ પણ આપણને એ જ શીખવી રહ્યું છે. આપણે આપણી ઑફિસમાં પટાવાળાઓ પાસે તેમની ફરજના ક્ષેત્રમાં ન આવતું કામ પણ લઈએ છીએ. બહુ ઓછા શિક્ષિત માણસો આવા કર્મચારીઓનાં નામ જોડે ‘ભાઈ’ શબ્દ જોડીને તેમને સંબોધતા હશે. પટાવાળો આપણા કરતા ઉંમરમાં મોટો હોય તો પણ ‘તું’ જ રહે છે.
પશ્ચિમના સંપત્તિવાન દેશોમાં ઝાડુવાળો પોતાની મોટરમાં આવી સફાઈ કરી, જમવાના સમયે, તે જ ઑફિસના વડા સાથે એક ટેબલ પર ભોજન કરવા બેઠો હોય. માનવ સમાનતાનો આપણે ફક્ત વિચાર-સ્વીકાર જ કર્યો છે, એના અમલ વિષે આપણે ભાગ્યે જ સભાન રહીએ છીએ. સ્વિટ્ઝરલેન્ડમાં બાગમાં સુકાયલાં પાંદડાં વીણતા વૃદ્ધને એક પરદેશી મુસાફરે ત્યાંના પ્રમુખની ઑફિસ બતાવવા કહ્યું. વૃદ્ધ પેલાની જોડે ચાલ્યો. ઑફિસમાં આવ્યા પછી વૃદ્ધે કહ્યું : “બોલો, શું કામ છે ? હું જ પ્રમુખ છું.” આ સહજતા આપણા રાજકારણીઓમાં ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે દરજ્જાના ખ્યાલને આપણે ક્યારેય છોડયો નથી.
નરેશ ઉમરીગર
[‘ગુજરાતમિત્ર’ દૈનિક]