અંધારા કો અતિશય ઊંડા વારિધિની ગુફામાં
મોંઘેરાં ને ઝળહળ થતાં મૌક્તિકો કૈં પડયાં રહે;
ને પુષ્પો કૈં નિરજનવને ખૂબ ખીલી રહીને
પેંકી દે છે નિજ સુરભિ; હા ! દૈવનો દુર્વિપાક !
અંગ્રેજ કવિ ટોમસ ગ્રેના આ શબ્દો શ્રી દા. ખુ. બોટાદકરને કેટલેક અંશે લાગુ પડી શકે છે. એમનાં કાવ્યકુસુમો ગુજરાતને ઘણા સમયથી સુવાસ આપી રહ્યાં છે, પણ તેના ભોક્તાઓ વિરલ છે. શ્રી બોટાદકર પોતે પણ રત્નાકરની ગુફામાં સંતાઈ રહેલ રત્નની જેમ ભાવનગર રાજ્યના એક નાના ગામડામાં શિક્ષકનું કામ કરી રહેલ છે. પણ આર્યસંસારના સંસ્કારથી ઓપતું તેમનું હૃદય, કેમ જાણે આ કાવ્યનો જવાબ આપતું હોય તેમ કહે છે :
સહજ સુરભિ સમર્પીને કુસુમ કર્તવ્યતા સેવે,
ભ્રમર મકરંદના ભોગી મળે કે ના મળે તોએ;
સુગંધી પુષ્પ પ્રકટાવી મનોહર માલતી રાચે,
સમયને સાચવી માળી ચૂંટે કે ના ચૂંટે તોએ.
આપણા સંસારમાં દુઃખ ક્યાં છે તે તો ઘણાએ બતાવ્યું છે, પણ જેવા છે તેવા આપણા સંસારમાં પણ કેવું સૌરભ ભર્યું છે તે બહુ થોડાએ બતાવ્યું છે. તે થોડાઓમાંના શ્રી બોટાદર એક છે.
નવલરામ જ. ત્રિવેદી
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : 1922]