થોડાં આંસુ, થોડાં ફૂલ-જયશંકર ભોજક, ‘સુંદરી’

            મારે રંગભૂમિના નટ થવું હતું. એનું આકર્ષણ, કોણ જાણે કેમ, મને બાળપણથી હતું.
મારો જન્મ થાય એ પહેલાં, 1853માં, ગુજરાતી રંગભૂમિની શરૂઆત થઈ ચૂકી હતી. રંગભૂમિની સ્થાપના મુંબઈના શિક્ષિત પારસીઓએ કરી હતી. આ શોખીન કલાકારોએ પારસી ગુજરાતીમાં નાટક ભજવવાની પહેલ કરી. એમને જોઈ શોખીન હિન્દુઓ પણ શુદ્ધ ગુજરાતીમાં નાટક ભજવવા બહાર પડયા હતા. 1889માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીનો જન્મ થયો. મારો જન્મ પણ આ જ સાલમાં થયો હતો.

        મારા દાદા ત્રાભુવનદાસે સંગીતની સાધના કરી કી„ત વધારી હતી. અમારી જ્ઞાતિમાં, રાજ્યમાં અને ખાસ કરીને જૈનોમાં તેઓ જાણીતા ગવૈયા હતા. એમના પિતા મનસુખ ઠાકોર, પ્રદાદા જગન્નાથ ઠાકોર એ એમના સમયમાં વિખ્યાત ગાયકો હતા. ઉપરાંત જૈન શાસ્ત્રો ભણેલા, જૈન કથાઓ અને રાસોના ગાયકો તેમ જ લહિયા હતા. મારા દાદાના સંગીતની સૂરાવલિમાં ઊછરી મારો અંતરનટ તૈયાર થતો હતો પા પા…પગલીએ….

          શૈશવની ઘણી સવારો દાદાના સુમધુર સંગીતના આલાપ સાંભળવામાં પસાર થતી. દાદા જ્યારે આનંદધનજીનાં પદો ગાતા ત્યારે ભક્તિના વાતાવરણથી ઘર ભરાઈ જતું. મારા પિતા પણ કોઈક વાર તાનપૂરાનો સાથ આપતા. આ વખતે અમારું ઘર જાણે સંગીતનો અખાડો બની જતું. રોજના આવા અભ્યાસને લઈને ઘરના નાનામોટા સૌના કાન સારા-નરસા ગવાતા સંગીતને પારખતા થઈ ગયા હતા.

           નિશાળ મને કેદખાના જેવી લાગતી હતી. પરિણામે ઘણી વાર ઘેરથી નિશાળે જવાનું કહી દેળિયા તળાવના સામા કિનારે ગરનાળાં છે ત્યાં છુપાઈ રહેતો. પાસેના મંદિરમાં અવારનવાર ઊતરતા બાવાઓની દિનચર્યા જોયા કરતો. તેઓની સ્નાન, પૂજા અને સેવાવિધિ બારીકાઈથી નિહાળવામાં મને આનંદ આવતો. તેઓ ઘણી વાર ‘રામાયણ’ વાંચતા, ત્યારે એમની સામે બેસીને ધ્યાનપૂર્વક શ્રવણ કરતો. આ વખતે મનમાં એવા તરંગો આવતા કે આપણે પણ બાવા હોઈએ તો કેવું સારું ! આ સમયમાં મને કથાવાર્તા સાંભળવાનો સારો જેવો શોખ હતો. આમાંથી નાટક- ભવાઈ તરફ આકર્ષાયો હતો. સંગીતનું મને જ્ઞાન ન હતું, છતાં કર્ણપ્રિય અને તાલબદ્ધ સંગીત મને આકર્ષતું. મારી ઉંમરના બીજા છોકરાઓ કરતાં આની અસર મારી ઉપર તીવ્ર થતી હતી.

         આવા જલસા મારી પડોશમાં વારંવાર થતા હતા. અમારા ઘરની પાસે ભોજક મોહનલાલ વૈદ્ય રહેતા હતા. કોઈ પણ જ્ઞાતિભાઈ નાટકમાંથી રજા ઉપર આવ્યો હોય, સંગીત, નૃત્ય કે કથકી અદાકારી જાણતો હોય તો જ્ઞાતિભાઈઓને આમંત્રણ આપી તે એનો જલસો ગોઠવતા. આમાં હું હાજર રહેતો હતો. એવી જ રીતે અમારા ગોવિંદ ચકલાના ચોકમાં ભવાઈ થતી ત્યાં પણ જતો હતો. અને ગામમાં રામલીલા આવે ત્યારે તો મારા આનંદનો પાર રહેતો ન હતો. રામલીલાના પડદા પરનાં મહેલો, જંગલો, પર્વતો, નદીઓ અને બીજાં અનેક પ્રાકૃતિક દૃશ્યો ઉપરાંત વિવિધ વેશપરિધાન કરી આવેલાં રાજા, રાણી, રાજકુંવર, રાજકુંવરી આ બધાં મને સાચાં લાગતાં હતાં. બીજા કોઈએ એનો સ્વાંગ લીધો છે એમ લાગતું ન હતું.

         શાળામાં બેઠો હોઉં ત્યારે વાજતેગાજતે રાત્રે ભજવવાના નાટકની જાહેરાત માટે ફરતા વિદૂષકને જોઈ મને કંઈ ને કંઈ થઈ જતું. પાણી પીવા જવાનું બહાનું કાઢી શાળામાંથી છટકી જતો. વિદૂષક પાછળ ગામમાં રખડતો અને રામલીલાના માંડવા સામે આસન જમાવતો. એમની રાતની તૈયારી જોવામાં નિશાળ, ઘર, ભૂખ- તરસ બધું ભૂલી જતો. અને ક્યારે રાત પડે અને ખેલ જોવા મળે એની ઉત્સુકતામાં દિવસ ઝડપથી પસાર થઈ જતો.

          આ ઉપરાંત દાદાની લાગવગથી મેં બેચાર નાટકો જોયાં હતાં. અને આ પછી મારા પાડોશી માળીની ઓસરીમાં નાનો માંડવો બાંધી કપડાંના પડદા લટકાવી જાડા કાગળનાં રાજારાણી બનાવી, જોયેલા ખેલનાં પાત્રોનું અનુકરણ કરતો. એનો સંચાલક, દિગ્દર્શક અને પ્રેક્ષક પણ હું પોતે જ હતો.
મારા અંતરનટને તૈયાર કરવામાં બહુરૂપીના વેશ, નળદમયંતીની કથા, ઇલાચીકુમારનું ચિત્ર, હરિશ્ચંદ્રનું નાટક વગેરેએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એકધારી રીતે વહેતા જીવનને નાવીન્ય બક્ષનાર મનોરંજન પ્રત્યેક યુગ પોતાની આગવી રીતે મેળવી લે છે. મારા બાલ્યકાળમાં મારા ગામમાં પણ બહુરૂપી આવતા. તેઓ વિવિધ વેશપરિધાન કરી વાચિક તેમ જ આંગિક અભિનય દ્વારા પાત્રાને સજીવ બનાવતા. એમની વેશભૂષા અને અભિનય ઘણી વાર એવાં તો સચોટ લાગતાં કે બાળમનને આ બધું અવલોકવાની સ્વાભાવિક રીતે જ મઝા આવતી.

          મારા મન ઉપર કથાવાર્તાની તીવ્ર અસર થતી હતી અને લાગણીના પૂરમાં હું ઝડપથી ખેંચાઈ જતો હતો. આવું એક આખ્યાન સાંભળવાનો બનાવ મારા મોસાળમાં ઊંઢાઈ ગામમાં બન્યો હતો. રોજ વાળુપાણી પતાવ્યા પછી મારા પિતા અમને કંઈક વાંચી સંભળાવતા. તે ચાંદની રાતે પિતા દીવીના અજવાળે મહાકવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’ સંભળાવતા હતા. આખ્યાનમાં નળને દમયંતી ઉપર શંકા આવવાનો પ્રસંગ આવતાં એને છોડીને નળ ચાલ્યો જાય છે, દમયંતી વનમાં હૃદયદ્રાવક કલ્પાંત કરે છે – આ કડવાં વંચાતાં હતાં :

વૈદર્ભિ વનમાં વલવલે, ઘોર અંધારી રાત,
ભામિની ભય પામે ઘણું એકલડી રે જાત…

        આ કડવાં સાંભળી મારી ધીરજ ખૂટી ગઈ. નળ-દમયંતીનો આ પ્રસંગ મારી નજર સામે ખડો થતાં હું ચીસ પાડીને રોવા લાગ્યો. અચાનક જ ચીસભર્યા રુદનને કારણે વહેમ અને ગભરાટથી મારાં બાએ મને છાતી સરસો ચાંપી દીધો અને “શું થયું ? શું થયું, ભાઈ ?” આમ પૂછવા લાગ્યાં. કડવાં સંભારી હીબકી હીબકી હું રોવા લાગ્યો. આથી બધાં ગભરાઈ ગયાં. મારા મામા, મને કંઈક કરડયું હશે એમ માની દીવાને અજવાળે ઉપરનીચે શોધવા લાગ્યા. પિતા સફાળા ઊભા થઈ મારા હાથપગ તપાસવા લાગ્યા. ઝેરી ડંખની કલ્પનાથી બાના હોશકોશ ઊડી ગયા. આમ રંગમાં ભંગ પડયો. અંતે મારો ડૂમો બેસતાં હું શાંત થયો. ત્યાર પછી મેં જણાવ્યું કે, કશું કરડયું નથી; એ તો નળરાજાએ દમયંતીને છોડી દીધી એના દુઃખથી હું રોતો હતો !

           પિતાની આખ્યાનગાન સમયની લાક્ષણિક મુદ્રાઓ, ભાવવાહી ગાન, પ્રસંગને તાદાત્મ્યભરી રીતે રજૂ કરવાની સચોટ શૈલી, આ બધાંની મારા ઉપર અસર થઈ હશે. દમયંતીની વિરહવેદના હું કદાચ તે સમયે નહિ સમજ્યો હોઉં. પણ “હો નળ, હો નળ બોલતી, બીજો નહિ ઉચ્ચાર”ના ગાન સમયે પિતાની આંખનાં આંસુએ મને લાગણીવિભોર બનાવ્યો હશે. નટને ઉપયોગી અને આવશ્યક એવી રજૂઆત કરવાની શક્તિ આવા પ્રસંગો દ્વારા મને મળી હશે એમ આજે લાગે છે.

             આવો જ વાર્તા સાંભળવાનો પણ મને શોખ હતો. એના છપ્પા, કવિત, આપમેળે કંઠે થઈ જતા હતા. વાર્તાનો પ્રવાહ મને રસમાં તરબોળ કરી નાખતો હતો.

          મારી આ અવસ્થા દરમિયાન ‘હરિશ્ચંદ્ર’, ‘માનટુક માનવતી’ અને કેશવલાલ અધ્યાપકકૃત ‘સંગીત લીલાવતી’ નાટક જોવાનો મોકો મળ્યો હતો.

           આમ મારી નવ વર્ષની ઉંમર દરમિયાન હું નાટકના મંડપોની સામે જઈ બેસી રહેતો, દિવસ દરમિયાન થતી રંગીન તાલીમ જોયા કરતો. નટોનો પહેરવેશ, એમની ચાલ, એમની છટા – આ બધું મારા બાળમાનસને ખૂબ ગમવા લાગ્યું.

જયશંકર ભોજક, ‘સુંદરી’
[‘થોડાં આંસુ, થોડાં ફૂલ’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.