જમીન પર પથરાયેલી
વૃક્ષની ઠંડીલીલી છાયાને
ભેગી કરી લઈ લઉં…
બારીના કાચ પર ઘડીભર જંપેલા
તેજભર્યા સૂરજને
હળવેથી ઊંચકી લઉં
ને
અગાશી ભરીને લેટેલા
હૂંફાળા તડકાની મેંદીને
ગુપચુપ ભરી લઉં હથેળીમાં
અને પછી
ગુલબાસની ફોરમને
પગલે પગલે ભીતર પ્રવેશી
પૂછી આવું ખબરઅંતર મૂળિયાના
અને
સોંપી દઉં સૌને
થોડી થોડી છાયા, થોડો થોડો તડકો
થોડો થોડો સૂરજ.
જયા મહેતા
[‘સંસ્કૃતિ’ માસિક : 1977]
**
સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખૂંદી વળીએ તોપણ હાથ લાગશે નહીં – જો તે આપણી જ અંદર રહેલી નહીં હોય.