તો ખરા ! – ‘પથિક’ પરમાર

ઝાંઝવાંને બાથ ભીડો, તો ખરા;
પેટમાં અજગરને પાળો, તો ખરા.

દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારોને ઉલેચો, તો ખરા.

પાનખરને આમ હડસેલો નહીં;
શક્યતાને આવકારો, તો ખરા.

સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસરવા નિહાળો, તો ખરા.

ચાર પળનો ચટકો ક્યાંથી પાલવે ?
શ્વાસના સંબંધ રાખો, તો ખરા.

એક હોઠે સ્મિત ફરકાવો અને
એક આંખે ગમ વહાવો, તો ખરા.

દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.

‘પથિક’ પરમાર
[‘વિશ્વમાનવ’ માસિક : 1977]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.