“તેથી દીકરા મટી જતા નથી !” – દિલખુશ દીવાનજી

               ઘણાં વરસો પહેલાંની વાત છે. દેવી ડોશી દાંડીનાં વતની. ડોશીના ત્રણ જુવાન પુત્ર છે. બે દક્ષિણ આફ્રિકામાં વેપાર ખેડે, એક જમશેદપુરમાં સારું કમાય. ત્રણ પુત્રોની વહુઓ દેવી ડોશીના ઘરમાં જ રહે છે. પરદેશ કમાતા દીકરાઓ પત્નીઓને નિયમિત રકમ મોકલે છે. પણ એમાંથી દેવી ડોશીને કશું મળતું નથી – એમને તો રેંટિયો જ મદદ કરે છે. ડોશીના હાથમાંથી ઘંટી નથી છૂટી. ચોખા છડવાનું ચાલે છે. બળતણ લીલાં હોય તો ફૂંકવાં પડે, આંખમાંથી પાણી નીતરે.
               દાંડીમાં પરદેશથી ગરીબો માટે મફત અનાજ આપવાની યોજના થઈ. દેવી ડોશીને પણ એ યોજનામાં નામ લખાવવા જણાવ્યું. ડોશી નામ લખાવતાં નથી.
               “ડોશીમા ! તમે આ મદદ કેમ લેતાં નથી ?”
               “દીકરા ! મારાથી એ ન લેવાય. હું ગરીબોમાં મારું નામ લખાવું તો મારા દીકરાઓની આબરૂ જાય.”
               “પરંતુ એ દીકરા તમને કશું જ આપતા તો નથી !”
               “તેથી શું થઈ ગયું ? તેથી એ મારા દીકરા મટી નથી જતા – મારા દીકરાની આબરૂ હું ન સાચવું તો કોણ સાચવે ?”

દિલખુશ દીવાનજી
[‘લોકજીવન’ પખવાડિક : 1978]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.