આઈઝનહોવરે પોતે બીજા વિશ્વયુદ્ધનો એક કિસ્સો નોંધ્યો છે. આઈઝનહોવર મિત્રા રાજ્યોના સેનાપતિ હતા. જર્મની પર ચડાઈ કરનાર સૈન્યના સરસેનાપતિ હતા. તેના હાથ નીચે ચાલીસ લાખ સૈનિકો અને ડઝનબંધ જનરલો હતા. પેટન આમાંના એક મોવડી હતા. તે ટેંકદળના વડા અને નિષ્ણાત હતા. તે વખતે તેની બોલબાલા હતી. એક દિવસ પેટન ઘાયલોની હૉસ્પિટલમાં જઈ ચડયા. ત્યાં તેણે એક સૈનિકને જોયો. પૂછયું : “તમે તો ઘાયલ થયા નથી લાગતા. તમે કેમ અહીં છો ?” સૈનિક કહે : “મને બહુ બીક લાગે છે મોરચા પર.” પેટને તેને જોરથી તમાચો માર્યો : “બીકણ ! હૉસ્પિટલ તારે માટે નથી.”
એ વખતે દાક્તરો, નર્સો સાથે હતાં. પેલો સૈનિક રડવા લાગ્યો. પેટને તેની સામું જોયું નહિ અને ચાલતા થયા. દાક્તરોના વડા કહે : “જનરલ, તમારો વર્તાવ અણશોભતો હતો. એ દર્દી અમારી દેખરેખ નીચે હતો. એને માટે તો મારી જવાબદારી છે.” પેટન કહે : “બીકણ લોકોને મારા સૈન્યમાં સ્થાન નથી. તેના પર તો બરફના પાણીની ડોલો ઢોળવી જોઈએ, જેથી તેનું મગજ ઠેકાણે આવે.” પેટનની સામું તો કોઈ બોલી ન શકે. પણ આ પ્રસંગ ઘણાની રૂબરૂમાં જ બનેલો, એટલે વાત છાની ન રહે. યુદ્ધ-ખબરપત્રીઓએ તરત આ પ્રસંગના તાર- સંદેશા મોકલ્યા. પણ તે સેન્સરે રોક્યા. ખબરપત્રીઓએ સરસેનાપતિને ફરિયાદ કરી. આઈઝનહોવરે તેમને સમજાવ્યા : “ખબર મોકલાય તો પેટન સામે તપાસ કરવી પડે. તેને ઠપકો આપવો પડે. કદાચ હોદ્દો પણ છોડવો પડે. આ બધું ચાલુ યુદ્ધે આપણા લાભમાં નથી.”
પણ પેલા ખબરપત્રીઓને સંતોષ ન થયો. સમાચાર બીજી રીતે પણ પહોંચ્યા. અને અમેરિકન છાપાંઓમાં તેની સનસનાટી મચી ગઈ. પેટનને પણ પૂછવામાં આવ્યું.
પેટન મોટા જનરલ. ટેંકયુદ્ધના નિષ્ણાત. તેનું ટેંકદળ માર-માર કરતું જર્મન સરહદમાં ઘૂમતું હતું. પેટને ખોટું તો કર્યું જ હતું. પણ પેટન હઠીલા હતા. તુમાખીવાળા હતા. અમેરિકન દળોમાં તેની પ્રતિષ્ઠા પણ ઘણી હતી. એણે કહ્યું : “હું રાજીનામું આપી દઉં, પણ માફી નહીં માગું. એક સિપાઈને મેં બે લાફા માર્યા, એમાં શું થઈ ગયું ?”
આઈઝનહોવરે કહ્યું : “એ માત્ર સિપાઈ નથી, અમેરિકન નાગરિક છે. અમેરિકામાં કોઈ પણ માણસને ગમે તેવો મોટો માણસ પણ લાફો મારે, એ બની જ ન શકે.”
આઈઝનહોવરે મહામહેનતે પેટનને સમજાવ્યા. અને એ જ હૉસ્પિટલમાં, એ જ સિપાહી અને દાક્તર-નર્સોની રૂબરૂમાં દિલગીરી દર્શાવવાનું ગોઠવ્યું.
ક્યાં ટેંકદળોની મારમાર કૂચ. ક્યાં જર્મનીને ભિડાવી શરણે લાવનારી વ્યૂહરચના અને ક્યાં એક બીકણ સિપાહીને મારેલો તમાચો અને દર્શાવાયેલી દિલગીરી !
આઈઝનહોવરને કંઈ મંથન નહિ થયું હોય ? કે આ આવડો મોટો સેનાપતિ રાજીનામું આપશે તો શું થશે ? કયા જોર પર આ માણસે આ પગલું ભર્યું હશે ? અન્યાય તે અન્યાય; મોટો કરે કે નાનો કરે, તે ન જ ચલાવી લેવાય. આ પાયાની વાત.
પેટને માફી માગવી જ પડી.
**
આવો જ બીજો કિસ્સો છે ચર્ચીલનો.
ઇટલીમાં મિત્રારાજ્યો આગળ વધી રહ્યાં હતાં ત્યારે, ઉત્તર ઇટલીના શહેરમાં એ જમાનાના મોટા ચિંતક, ઇતિહાસવિદ્, તત્ત્વવેત્તા ક્રાઉચે રહેતા હતા. એણે ઇતિહાસ, સૌન્દર્યશાસ્ત્રા પર ગ્રંથો લખેલા છે. ચર્ચીલને સમાચાર મળ્યા કે જર્મનો વળતો હુમલો કરવાના છે અને ક્રાઉચેના ગામ આગળથી પસાર થવાના છે. એ વખતે જર્મનો એને પકડી જાય ને જેલમાં ગોંધી રાખે તો ? કદાચ જેલમાં જ એને મારી નાખે તો ? એણે તરત જ વાયરલેસથી સંદેશો મોકલાવી આપ્યો કે : “આ ગામ આપણા કબજામાં નથી. વિખ્યાત ફિલસૂફ ક્રાઉચે ત્યાં રહે છે. ને જર્મનો એને ઉપાડી જાય એવો સંભવ છે. તેથી ત્યાં બસો પેરેશુટિયા ઉતારો ને એ ગામનું રક્ષણ કરો. જરૂર લાગે તો ક્રાઉચેને બીજે લઈ જાવ.”
દુનિયાની આવડી મોટી લડાઈ ચલાવવાવાળો માણસ, જેને માથે કરોડો માણસોની વ્યવસ્થા છે, એ માણસને મન યુદ્ધની ભીષણતા એ બિનમહત્ત્વની વસ્તુ છે. રોજ હજારો માણસો મરતા હશે. માણસોના મરવાનો હિસાબ તો યુદ્ધમાં હોતો જ નથી. એ માણસ આટલું સૂક્ષ્મતાથી જુએ છે ! આવો એક માણસ પણ આપણે કેમ ખોઈ શકીએ ? આ એક ચિત્તની અવસ્થા છે. અનાસક્તિની અવસ્થા છે.
**
મહાભારતમાં પણ આવો જ પ્રસંગ આવે છે.
એક ટિટોડી રઘવાઈ થઈને આંટા મારતી હતી. ભગવાનનું ધ્યાન ગયું. પૂછયું : “કેમ અહીંયાં આવી છો ?”
પેલી કહે : “ભગવાન, મારાં ઈંડાં અહીં પડયાં છે. હમણાં બધા રથો ને હાથીઓ અહીં દોડશે અને મારાં ઈંડાં કચડાઈ જશે, તેથી આવી છું.”
ભગવાન કહે : “દિવસોથી અહીં યુદ્ધનાં પડઘમ વાગતાં હતાં તેની ખબર નો’તી ?”
પેલી કહે : “ખબર તો હતી.”
“પછી….?”
“મને એમ કે કાંઈ નહિ થાય. ભાઈઓ ભાઈઓ બાઝશે તો નહિ જ. વળી તમારા જેવા સલાહકાર છે, પછી તો ન જ બાઝે ને ? એમ મને થયું હતું.”
ભગવાન કહે : “ઠીક, ઠીક; અત્યારે તું જા. તારાં ઈંડાંને હું સાચવીશ.” અને ભગવાને એ જ વખતે હાથીની ડોકેથી ઘંટ લઈને ટિટોડીનાં ઈંડાં માથે મૂકી દીધો. ઘમસાણ લડાઈ ચાલી. પછી સાંજે ભગવાને અર્જુનને કહ્યું : “તું જરા થોભ અહીં. રથમાં જ બેસજે. નીચે ન ઊતરતો. હું હમણાં જ આવું છું.”
જે યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું તેમાં બોતેર લાખ માણસો મર્યાનો અંદાજ છે. એટલે રોજનાં ચાર લાખ માણસો મર્યા છે. એ યુદ્ધમાં કૃષ્ણ ભગવાનને શું ચિંતા છે ? આ ટિટોડીનાં ઈંડાં તો બચવાં જ જોઈએ.
સાંજે ઈંડાં હાથમાં લઈને ગયા. ટિટોડીને આપ્યાં ને કહ્યું : “લે, લઈ જા તારાં ઈંડાં.”
આ અનાસક્તિ છે.
જે મરવાને પાત્રા છે એ તો ભલે મર્યાં, પણ જેનો ગુનો નથી એ શું કામ મરે ? ‘ગીતા’માં વારે વારે કહે છે : ‘યુદ્ધ સ્વ વિગત જ્વર :’ – જ્વર ન ચડવો જોઈએ. ‘મારી નાખું – ખોખરો કરી નાખું !’ એવો જ્વર ચડે છે આપણને. તેવો જ્વર ચડવો ન જોઈએ ને લડવું જોઈએ. ‘મહાભારત’ના મર્મનો એક ભાગ આ છે.
મનુભાઈ પંચોળી