દુનિયાના સાહિત્ય-ઇતિહાસોમાં સ્વભાષા સિવાયની ભાષાના સાહિત્યમાં અમર સ્થાન મેળવનારાઓનાં ગણ્યાંગાંઠયાં દૃષ્ટાંતો મળે છે. કાકાસાહેબ તેમાંનું એક છે. જન્મે મરાઠીભાષી કાકા કાલેલકર ગુજરાતી ભાષામાં અમર રહેશે. એમનાં લખાણો ન વાંચ્યાં હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્યપ્રેમી હશે. એમનાં હિમાલય અને બ્રહ્મદેશના પ્રવાસનાં વર્ણનો, હિંદની નદીઓનું ઉપસ્થાન કરતો ‘લોકમાતા’ નામે રસપ્રવાહ, કીડી-મંકોડા ને કાગડા-બિલાડા, ઝાડ-પાંદડાં ને વાદળ-તારા જોડેની ગોઠડી વર્ણવતી ‘ઓતરાતી દીવાલો’, શૈશવકાળનાં બહુરંગી પરાક્રમો અને તોફાનો સુરેખપણે રજૂ કરતી ‘સ્મરણયાત્રા’ – એ બધાં પુસ્તકો ગુજરાતીપ્રેમીઓનાં માનીતાં થઈ પડયાં છે. કાકાસાહેબનો સર્વાનુમતે ગૌરવગ્રંથ ‘જીવનનો આનંદ’ પ્રકૃતિ વિશેના લઘુનિબંધોનો સંગ્રહ છે. એમનું કેટલુંક લખાણ અત્યંત સમૃદ્ધ એવા ગુજરાતી ગદ્યના એક સુચારુ શિખર સમું દીપી રહેશે. ‘આપણી કવિતા-સમૃદ્ધિ’ના પ્રવેશકમાં નર્મદથી શરૂ થતા અર્વાચીન ગુજરાતી સાહિત્યના દસ ઉત્તમ ગદ્યકારોનાં નામ બ. ક. ઠાકોર 1930માં ગણાવે છે. એમણે મહાન સાક્ષર ગદ્યકારોનો ઉલ્લેખ તો કર્યો જ, પણ તે સાથે મહાત્મા ગાંધી ઉપરાંત એમના સાથીઓમાંથી કાકા કાલેલકર અને કિશોરલાલ ઘ. મશરૂવાળાનાં નામ આપ્યાં.
**
કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં અપૂર્વ સર્જકતાથી ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેક વાર કાવ્યની કોટિએ પહોંચે છે.
આપણા સાહિત્યમાં કાકાસાહેબનું નામ ચિરંજીવ રહેશે. ગુજરાતી ગદ્યનો જે અદ્ભુત વિકાસ થયો છે, તેમાં કાકાસાહેબનો ફાળો ગુણવત્તા અને ગ્રંથસંખ્યાની દૃષ્ટિએ વિપુલ છે. ગુજરાતી ભાષાનો એકનો એક જોડણીકોશ તૈયાર કરવા પાછળ વપરાયેલી એમની શક્તિ અવિસ્મરણીય રહેશે. ગુજરાતીઓ એમને એક જંગમ વિદ્યાપીઠ તરીકે ઓળખે છે.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરી, 1915માં ગુજરાતમાં આશ્રમ સ્થાપીને રાષ્ટ્રમુક્તિની લડતને વેગ આપવા માંડયો, ત્યાં દેશમાંથી અનેક તેજસ્વી યુવકો આવીને એમની સાથે જોડાયા. ત્રીસ વરસના દત્તાત્રોય બા. કાલેલકર કવિવર રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્ય કરતા હતા. ત્યાં જ એમને ગાંધીજીનો ભેટો થયો અને એમની પ્રત્યે તેઓ આકર્ષાયા, અને પછીથી અમદાવાદ જઈને રહ્યા. ગાંધીજીના નિકટના અંતેવાસી અને રાષ્ટ્રીય શિક્ષણના એક મુખ્ય સાથી એ બની રહ્યા.
ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં નાનાં બાળકોને ભણાવવા માંડયું, એટલે કાકાસાહેબની સરસ્વતી ગુજરાતી દ્વારા વહેવા માંડી. ‘હિમાલયનો પ્રવાસ’ બાળકો આગળ અનેક વાર કહેવાયો, પછી શબ્દબદ્ધ થયો. ‘સ્મરણયાત્રા’ના પ્રસંગોના પણ પહેલા આસ્વાદકો આશ્રમશાળાના નાના વિદ્યાર્થીઓ. આશ્રમની ઉત્તરે આવેલી સાબરમતી જેલની મહેમાનગતિ પછી ‘ઓતરાતી દીવાલો’ની આનંદકહાણી લખી, એ તો ગાંધીજીની પ્રિય થઈ પડી. ગુજરાતી પોતાની માતૃભાષા ન હોવા છતાં તેની સુંદરતા અપૂર્વ રીતે બહાર લાવતા અને પોતાની સારસ્વત મોહિનીથી ગુજરાતના સંસ્કારજીવન ઉપર છાઈ જતા કાકા કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે બિરદાવ્યા.
**
જુવાનીમાં હિમાલયમાં સ્વામી આનંદ, અનંત બુવા મરઢેકર અને (વચ્ચે વચ્ચે જોડાતા) જીવતરામ કૃપાલાની જેવા સાથીઓ સાથે બે હજાર કરતાં વધુ માઈલો પર્યટન કરી જાણે કે ભારતીય સંસ્કૃતિના મંદિરના ગર્ભગૃહમાં એકધ્યાન રહ્યા.
કેળવણીકાર અને સ્વાતંત્રય-યોદ્ધા તરીકે પોતે આપણા આ વિશાળ દેશના અઠંગ પ્રવાસી હોવા છતાં, સ્વરાજ ન મળે ત્યાં સુધી વિદેશયાત્રાનો સ્વેચ્છાથી નિષેધ પાળ્યો. પણ સ્વરાજ મળ્યા પછી દુનિયાના ખૂણેખૂણે ઘૂમ્યા.
કાકાસાહેબે લખ્યું ખૂબ, છતાં પૂછો તો કહેશે કે પોતે સાહિત્યકાર થવા કશું કરતા નથી, જીવવાના ભાગરૂપે સહજપણે લખવાનું આવે તો તે લખે છે. એમને સાહિત્યના બે સહજ પ્રકારો – પત્રાલેખન અને વાસરી – માટે સવિશેષ આસ્થા હતી. પત્રા એ અન્ય માનવબંધુ સાથેનો અપ્રત્યક્ષ વાર્તાલાપ છે, તો વાસરી એ અંતર્યામી સાથેની પ્રત્યક્ષ વાતચીત છે. બંને પ્રકાર કાકાસાહેબના હાથે અઢળક ખેડાયા. હજારો પત્રો એમણે લખ્યા.
એક શિક્ષક અને ચિંતક તરીકે કેળવણી, સમાજ, સંસ્કૃતિ અને ધર્મનાં વિવિધ પાસાં ઉપર સતત એ લખતા રહ્યા. આ સદીના ત્રીજાથી પાંચમા દસકામાં કેટલી તો પ્રસ્તાવનાઓ એમણે લખી !
એક સાહિત્યકાર – ગદ્યકાર તરીકેની એમની બે લાક્ષણિકતાઓ ધ્યાન ખેંચે છે : એક તો સૂત્રાત્મક સુક્તિઓ સહજપણે ઉદ્ગારવાની અને બીજી નવા શબ્દો ઉપજાવવાની.
નવા શબ્દો નિપજાવવાની તો કાકાસાહેબે કહો કે ટંકશાળ ખોલી હતી. શબ્દોનો એમને સ્વાદ હતો. નામો પાડવાની કાકાસાહેબને ફાવટ હતી.
પારિભાષિક શબ્દો યોજવામાં કાકાસાહેબ એક્કા ગણાય છે. Printer’s Devil માટે ‘મુદ્રારાક્ષસ’, એવા તો એમને નામે સહેજે હજારેક શબ્દો થઈ ગયા હશે. ગુજરાતીઓએ એમાંના ઘણાખરા તો ચલણી બનાવી દીધા છે, એ જ એની યોગ્ય કદર છે.
**
કાકાસાહેબ માણસભૂખ્યા, ગોષ્ઠિના માણસ, કાકાસાહેબનું ઉત્તમ વાતચીતમાં પ્રગટ થતું. અખૂટ જીવનરસ, અત્યંત કુશાગ્ર બુદ્ધિ, અદમ્ય વિનોદવૃત્તિ, વસ્તુને વિશાળ સંદર્ભમાં જોવાની ફાવટ – આ બધાંને લીધે કાકાસાહેબનું સભર વ્યક્તિત્વ વાર્તાલાપમાં અપૂર્વ રમણીયતાથી ઊઘડતું.
આવું ભર્યું ભર્યું અસ્તિત્વ – પંચાણું વરસ ચાલેલું વીર, આર્ષ જીવન ગુજરાતી ભાષા દ્વારા તેજસ્વી રીતે અભિવ્યક્ત થતું રહ્યું. ગાંધીજીના અવતારકાર્યના એક સહયોગી, રાષ્ટ્રીય ઉત્થાનના કર્મઠ લડવૈયા, દેશના ખૂણેખૂણાના અનેક જીવનસાધકોના અને સંસ્થાઓના પ્રેરણામૂ„ત, દેશવિદેશમાં અનેક કુટુંબો, સમાજોમાં ઉષ્મા અને પ્રકાશની લહાણ કરતા વત્સલ ગુરુજન – કાકાસાહેબ કાલેલકરનાં આ વિવિધ પાસાં સમય જતાં સ્મૃતિશેષ થશે. રહેશે એમનો લેખનરાશિ અને એની દ્વારા પમરતું એમનું અનોખું માનવવ્યક્તિત્વ.
ઉમાશંકર જોશી
[‘સર્જકપ્રતિભા’(2) પુસ્તક]