1931માં તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના – તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી” ઉદ્ગાર નીકળ્યો. માર્ક્સવાદી ઉદ્ગાર “ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે” કાંઈક વહેલો, આપણી ભાષાઓ માટે ગણાય. એનો ખરો આનંદ તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતો હતો ત્યારે મળ્યો. અમારા કર્મચારી બંધુઓ એક વાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : “ભૂખ્યાં જનોનો, જઠરાગ્નિ….” આખું મંડળ એક અવાજે ત્યાં બોલતું હતું : “જાગશે !”
ઉમાશંકર જોશી
**
માણસ કઈ રીતે રમત ખેલે છે તેમાંથી એના ચારિત્રયનો એક અંશ દેખાય છે. રમતમાં એ હાર કેવી રીતે સ્વીકારે છે તે એનું સમગ્ર ચારિત્રય છતું કરે છે.