ઇન્દુને પત્રો : ‘લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટર’ નામની લેખકની પહેલી ચોપડી મૂળ અંગ્રેજીમાં 1929માં બહાર પડી. પુત્રી ઇન્દિરા દસ વરસની હતી ત્યારે, 1928માં, શ્રી નેહરુએ તેને લખેલા એકત્રીસ પત્રો તેમાં છે અને જગતના આદિકાળની કથા એમાં કિશોરો માટે કહેલી છે. “જે બાળકોને એ પત્રો વાંચવાના મળશે તે બધાં આપણી આ દુનિયાને જુદી જુદી પ્રજાઓના બનેલા એક મોટા કુટુંબરૂપે ઓળખતાં શીખશે,” એવી ઉમેદ લેખકે દર્શાવેલી છે. તેનો આ ગુજરાતી અનુવાદ 1944માં પ્રગટ થયો હતો, તેમાં અનુવાદકનું નામ જણાવેલું નથી.
જગતના ઇતિહાસનું રેખાદર્શન : ‘ગ્લીમ્પસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરી’ નામનો અંગ્રેજી ગ્રંથ 1934માં બહાર પડયો. તેમાં પણ લેખકે ‘ઇન્દુને પત્રો’ની માફક પોતાની કિશોર પુત્રીને ઉદ્દેશીને લખેલા, “આપણી દુનિયા વિશે કાંઈક વિશેષ કહેવાનો પ્રયત્ન” કરતા, મનુષ્યની શાણી તથા ગાંડીઘેલી જીવનયાત્રાનું નિરૂપણ કરતા પત્રો છે. 1930-33 દરમ્યાન શ્રી નેહરુ નૈની, બરેલી અને દેહરાદુનની જેલોમાં કેદી હતા ત્યાંથી તેમણે આ પત્રો લખેલા. પછી 1939 અને 1945ની આવૃત્તિઓ વેળા તેમણે પુસ્તકમાં ઠીક ઠીક સુધારાવધારા કરેલા. તેનો શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો અનુવાદ 1945માં બહાર પડયો. લગભગ 1200 પાનાંના એ દળદાર ગ્રંથના અરધા જેટલા કદનો સંક્ષેપ પણ પાછળથી પ્રગટ થયેલો.
મારી જીવનકથા : 1934-35 દરમિયાન અલ્મોડાની જેલમાં લખાયેલું અંગ્રેજી પુસ્તક ‘એન ઓટોબાયોગ્રાફી’ 1936માં બહાર પડયું. શ્રી મહાદેવ દેસાઈએ કરેલો તેનો આ અનુવાદ પણ તે જ વરસે પ્રગટ થઈ ગયો. જવાહરલાલજીનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદોમાંથી સહુથી વધુ નકલો આ પુસ્તકની છપાઈ છે. શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો તેનો સંક્ષેપ પણ 1954માં બહાર પડેલો.
મારું હિંદનું દર્શન : 1942-45માં અહમદનગરના કિલ્લામાં શ્રી નેહરુએ ભોગવેલા છેલ્લા કારાવાસ દરમ્યાન પાંચ જ મહિનામાં તેમણે ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ નામનું અંગ્રેજી પુસ્તક લખેલું તે 1946માં બહાર પડયું. હિંદના ઇતિહાસ તથા હિંદની સંસ્કૃતિનાં ભિન્ન ભિન્ન પાસાં અંગેના પોતાના વિચારો લેખકે તેમાં રજૂ કરેલા છે. શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો તેનો આ ગુજરાતી અનુવાદ 1951માં પ્રગટ થયો.
આઝાદી કે સત્રાહ કદમ : 1947થી 1963 સુધીનાં સત્તર વર્ષો દરમિયાન 15મી ઑગસ્ટના દરેક સ્વાતંત્રા-દિને દિલ્લીમાં લાલ કિલ્લા પરથી આપેલાં હિન્દી ભાષણોનો સંગ્રહ.