જંગલની મંજરી – મકરન્દ દવે

મુંબઈ નગરીમાં કોઈ આંબો મ્હોરે તો
એની મંજરીને રામ રામ કે’જો !
એનાં મીઠાં ઓવારણાં લેજો.

ઊંચા સિમેન્ટના ડુંગરની ધારે ને
કાળી ડામરની તળેટીએ,
જંગલની મંજરી આ આવી ચડી છે અહીં
પાણા તે ફોડવાને પેટિયે;
ઊઘડતી આંખ એની બિડાતી જાય તો
અમરતનાં છાંટણાં દેજો !

ભમરાનો ઘેરો ગુંજાર નથી ઘેરતો ને
કોયલની કૂક નથી ઘેલી,
ભૂંગળાંના ઘોંઘોંમાં હરખાતો જાય અહીં
ભોંયતેલ વેચતો તેલી;
ઝેરી ધુમાડામાં મંજરીના મુખ પરે
ઝરણું બનીને કોઈ વ્હેજો !

કયા રે જનમનાં પાપ આજ પાંગર્યાં ને
પથ્થર બનવાની આવી વેળા,
આના કરતાં તો ભલી જંગલની ઝાળ,
ભલે અંગ અંગ ઊઠતા ઝળેળા;
મુંબઈ નગરીમાં આજ છડેચોક ઊડે છે,
રાન રાન છોરીનો રેજો.

મકરન્દ દવે

**

કવિતા લખવામાં જેટલું ગૌરવ છે,
એટલું જ ગૌરવ ખેતર ખેડવામાં પણ રહેલું છે.

બુકર ટી. વોશીંગ્ટન

**

પોતે જે બધાં મહાન સત્યો ઉચ્ચારે છે,
તે કવિઓ પોતે પણ સમજતા હોતા નથી.

પ્લેટો

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.