ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે….
રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ, કોઈને નહીં કહેજે….
કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્હેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે….
બાળાશંકર કંથારિયા
**
કોઈ કવિતાની કડીઓ લોકોના રોજબરોજના વ્યવહારમાં ચલણી સિક્કાની જેમ વપરાતી થાય, એવું વારંવાર નથી બનતું. બાળાશંકર કંથારિયાની આ કૃતિની કંઈ નહીં તો કેટલીક કડીઓની બાબતમાં તો આમ બન્યું છે. એક જમાનામાં આપણા શિક્ષિત લોકો આ કાવ્યની કેટલીક કડીઓનો ઉપયોગ પોતાની વાતચીતમાં છૂટથી કરતા. આ કાવ્યમાંનો વિચાર, કાવ્યનું કથયિત્વ, કંઈ નવું નથી. વાતચીતમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે : ‘ભગવાન જે કરે તે સારા માટે’ એનો જ અર્થવિસ્તાર છે આ કૃતિમાં. તેમ નથી અહીં ભાષાનો ભપકો કે નથી પદાવલિની અવનવી અલંકૃતતા. ભાષા-શૈલી અહીં સાદી છે. પણ ભાવની વ્યાપકતા અને ભાષાની સરળતા એ બેને કારણે જ કદાચ આ કાવ્યની કેટલીક કડીઓ લોકજીભે ચડી હશે.
આપણે માથે જે કંઈ આફતો આવે છે તે ઈશ્વરની ઇચ્છાનું પરિણામ હોય છે. અને ઈશ્વર જો આપણને પ્યારો હોય તો એની ઇચ્છા આપણને અતિ પ્યારી હોવી ઘટે. માટે એ આફતોને આપણે અતિ પ્યારી ગણી એનો સ્વીકાર કરવો જોઈએ – આ સીધીસાદી વાત કૃતિના કેન્દ્રમાં રહી છે.
બાળાશંકરનો જન્મ 1858માં, અવસાન 1898માં. એટલે કે આયુષ્ય માત્ર ચાલીસ વર્ષનું. હયાતી દરમ્યાન એકે કાવ્યસંગ્રહ પ્રગટ થયો નહોતો. અવસાન પછી નવ વર્ષે એક સંચય પ્રગટ થયો ખરો, પણ કવિ તરીકે બાળાશંકર પ્રકાશમાં આવ્યા તે તો 1942માં ઉમાશંકર જોશીએ તેમનાં કાવ્યો સંપાદિત કરીને પ્રગટ કર્યાં તે પછી. અને છતાં ઓગણીસમી સદીના અંત સુધીમાં બાળાશંકરની આ એક કૃતિ તો લોકજીભે ચડેલી હતી જ. ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’માંની ગઝલ ‘સુખી હું તેથી કોને શું’ (1887) અને મણિલાલ નભુભાઈની ગઝલ ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (1898) જેટલી જ લોકપ્રિયતા 1893માં રચાયેલી બાળાશંકરની આ કૃતિને પણ મળી હતી. અને ચોથી આવી કૃતિ તે 1903 પછી રચાયેલી કલાપીની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે.’
લાગે છે કે ‘ગુજારે જે શિરે તારે’ ગાનાર બાળાશંકરની પ્રાર્થના જગતના નાથે ધ્યાનપૂર્વક સાંભળી હશે, કારણ તેણે બાળાશંકર પર ગુજારવામાં મણા રાખી નહોતી. નડિયાદના ગર્ભશ્રીમંત નાગર ઉલ્લાસરામને ઘરે જન્મેલા એ એકના એક દીકરા પર મૃત્યુ પછી તેમની અંતિમવિધિ માટે તેમની ઘરવખરી વેચવી પડી તેવી દશા થઈ હતી. અને મૃત્યુ પણ ચાલીસ વર્ષની વયે મરકીના રોગથી. કિશોરવયથી કુછંદ અને વ્યસનોને રવાડે ચડેલા. સરકારી નોકરી છોડી, વેપારમાં પડયા અને જબરી ખોટ ખાધી. ખળખળ વહેતી નદીને કિનારે લીલીછમ વાટિકામાં કવિલોક સ્થાપવાની આદર્શઘેલછાથી તેમણે બીડનાં કારખાનાં કાઢયાં, પણ તેમાંય નિષ્ફળ ગયા. જુદેજુદે વખતે ‘ભારતીભૂષણ’, ‘સાહિત્યસિંધુ’, ‘ઇતિહાસમાળા’, ‘કૃષ્ણમહોદય’ જેવાં સામયિકો કાઢયાં કે તેની સાથે સંકળાયા, પણ પોતાની હયાતીમાં પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ થતો જોઈ શક્યા નહીં. ચાલીસ વર્ષમાં એટલું વેઠયું કે ‘કલાન્ત કવિ’ ઉપનામ સાર્થક થાય.
દીપક મહેતા