વસ્તુ એની એ જ છે, કેવળ જુદાં સ્થળ થઈ ગયાં,
જળ સમંદરમાં જો શોષાયાં તો વાદળ થઈ ગયાં….
ફૂલ જેવા ફૂલનોયે ભાર ઊંચકાતો નથી,
એટલા કાંટા ઉપર ચાલ્યા કે નિર્બળ થઈ ગયા.
તારી મહેફિલની મજાની લાજ રાખી છે અમે,
કોઈને ના જાણવા દીધું કે વિહ્વળ થઈ ગયા….
જીવતાં પણ કોઈએ જાણ્યા નહીં ‘બેફામ’ને,
મોતની પહેલાં જ એ તો એક અટકળ થઈ ગયા.
બરકત વીરાણી, ‘બેફામ’
[‘નવનીત’ માસિક : 1977]