ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને;
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને….
આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા !
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને….
છે એક મશ્કરી એની ‘કુરાન’ હો કે ‘ગીતા’,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.
હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’,
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.
**
…પીતો રહ્યો સુરા કે ન બદનામ કોઈ હો,
લોકો કહે ખુવાર થયો છે શરાબમાં.
એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં….
**
પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ;
પછી લખાય તો એનું છે એક નામ ગઝલ !…
ન ધર્મભેદ છે એમાં, ન એની જાત ‘મરીઝ’,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ !
**
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે !…
**
કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે….
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે !…
‘મરીઝ’