યુનિવર્સિટીની મુત્સદ્દીગીરી વિશે જેમ જેમ સાંભળું છું તેમ તેમ મારા ક્રોધનો ને ખેદનો પાર નથી રહેતો. યુનિ.નું જ શા માટે ? આપણા ગુજરાતી સમાજના અંગેઅંગમાં એ મુત્સદ્દીગીરી ખદબદી રહી છે. ખુશામત અને ખટપટ તો જાણે આપણો સ્વભાવ જ બની ગયાં છે. કોઈને મહેનત કરવી નથી. નક્કર અભ્યાસ કે સંગીન સાહિત્યસેવા કરીને કોઈને યશપ્રાપ્તિનો સાચો પણ લાંબો અને ધીરજ ખૂટે તેવો માર્ગ લેવો નથી. લેખકોની સાથે પરિચય રાખીને જ પોતે પણ લેખક ગણાઈ જાય તેવો લોભ સહુ રાખીને ફર્યા કરે, પરસ્પર પંપાળીને સહુ પોતપોતાના મનમાં મોટા બનીને ફુલાયા કરે અને નાના નાના વાડાઓ રચીને ‘અહો રૂપં, અહો ધ્વનિઃ’ કર્યા કરે !
મનસુખલાલ મ. ઝવેરી
[ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં : 1939]