કોઈ કહેતું નથી-મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મહોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.

પૂછું છું બારને-બારીને-ભીંતને-લાલ નળિયાં-છજાંને વળી ગોખને,
રાત દિ’ ટોડલે બેસીને મ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.

કૈં જ ખૂટયું નથી, કૈં ગયું પણ નથી, જર-ઝવેરાત સહુ એમનું એમ છે,
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.

સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી,
આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી.

કેટલાં વર્ષથી સાવ કોરાં પડયાં ઘરનાં નેવાં ચૂવાનું ય ભૂલી ગયાં;
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી….

પાછલી રાતની ખટઘડી એ હજી, એ તળેટી ને એ દામોદર કુંડ પણ –
ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી.

મનોજ ખંડેરિયા

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.