“મારું જે કંઈ છે તે આ ‘કુમાર’ જ.” આમ કહેનાર બચુભાઈ રાવત માટે
‘કુમાર’ એક સ્વપ્નસિદ્ધિસમ હતું.
ગોંડળમાં હતા ત્યારે બચુભાઈ જાણે સ્વપ્નસિદ્ધિની શોધમાં હતા. 1914માં મૅટ્રિક થયા બાદ પૂના જઈ ફરગ્યુસન કૉલેજમાં અભ્યાસ કરવાનો મનસૂબો ઘડયો. પરંતુ કૌટુંબિક પરિસ્થિતિને કારણે યુવાન બચુભાઈનાં અરમાનોની ઇમારત તૂટી પડેલી.
1915થી 1919 એમણે ગોંડળની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. આ દરમિયાન એમણે ચિત્રશાળામાં વર્ગો ભરી પ્રાથમિક પરીક્ષાઓ પસાર કરેલી. શાળાના પુસ્તકાલયનું કામ કરી સાહિત્યિક સજ્જતા કેળવવાનો પ્રયાસ કર્યો. એમાં ‘ધૂમકેતુ’, દેશળજી પરમાર જેવા સાહિત્યકાર તથા રવિશંકર પંડિત જેવા ચિત્રકાર મિત્રો મળ્યા અને એક વાતાવરણ ઊભું થયું. ત્યાં કવિ ‘વિહારી’નો પણ સાહિત્યસંપર્ક રહ્યા કર્યો.
ગામથી દૂર ચારપાંચ અંગ્રેજ કુટુંબોનો ઘરોબો. ત્યારે ત્યાં ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ મિ. મેરડ સાથે મૈત્રી સધાઈ. એમને ત્યાં અંગ્રેજી સાહિત્યનું સાપ્તાહિક ‘બુકમેન’ આવતું. તેના વાચને એમની સાહિત્યિક રુચિ બલવત્તર બનાવી. પછી તો અમદાવાદ આવ્યા ત્યારે ‘જ્હોન ઓવ લંડન્સ વીકલી’ના ગ્રાહક બનેલા. એ બે પત્રોના તંત્રીઓ બચુભાઈના જાણે ગુરુઓ બન્યા. આ ઉપરાંત ‘લિટરરી ડાયજેસ્ટ’, ‘પોએટ્રી રિવ્યૂ’ વગેરે વિદેશી સામયિકોમાંનાં અંગ્રેજી કાવ્યોના સેવનથી બચુભાઈની કાવ્યપ્રીતિ પોરસાઈ હતી. આ બધાં સામયિકો અને તેમના તંત્રીઓ એમના સાહિત્યિક પત્રકારત્વના આદર્શ નમૂના રહ્યા.
લગભગ આ ગાળા દરમિયાન હાજીમહંમદ અલારખિયાએ સાહિત્ય અને કલાનું સચિત્ર ને સુરુચિપૂર્ણ સામયિક ‘વીસમી સદી’ મુંબઈથી શરૂ કર્યું. યુવાન બચુભાઈને એ ગમી ગયું. એમાંથી પ્રેરણા લઈને એમણે ‘જ્ઞાનાંજલિ’ નામે હસ્તલિખિત શરૂ કર્યું. રચનાઓ મિત્રોની અને એકધારા મરોડદાર અક્ષરો બચુભાઈના. એ હસ્તલિખિત પત્રનો પમરાટ મુંબઈમાં રવિશંકર રાવળ સુધી પહોંચ્યો.
એ અરસામાં સ્વામી અખંડાનંદ અમદાવાદ ખાતેનું પોતાનું સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય બંધ કરવાનું વિચારી રહ્યા હતા. ગોંડળના કવિ ‘વિહારી’ના પુત્ર ચંદુભાઈ પટેલે એ સદ્પ્રવૃત્તિનો સંકેલો ન કરવા માટે એમને સમજાવ્યા. કોઈ ભાવનાશાળી યુવાનની સહાય મળે તો ‘સસ્તું સાહિત્ય’ ચાલુ રાખવા સ્વામીજી તૈયાર થયા. ચંદુભાઈએ આ વાતની જાણ બચુભાઈને કરી. પરિણામે 1919ના નવેમ્બરમાં બચુભાઈ અમદાવાદ આવીને વસ્યા. અહીં દોઢેક વરસ રહ્યા એ દરમિયાન પ્રકાશન અને મુદ્રણ વ્યવસાયનાં વિવિધ પાસાંનો અનુભવ મેળવી શક્યા.
આ દરમિયાન રવિશંકર રાવળ મુંબઈ છોડીને અમદાવાદમાં સ્થાયી થયેલા. હવે બચુભાઈ એમના વિશેષ સંપર્કમાં આવ્યા. એ વેળા હાજીમહમ્મદના ‘વીસમી સદી’ની આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી. તેના સંચાલન-સંપાદનમાં સહાયરૂપ થાય તેવા માણસની માગણી હાજીમહમ્મદ રવિશંકર રાવળ પાસે કરતા રહ્યા હતા. રવિભાઈએ એમને બચુભાઈનો પરિચય કરાવ્યો. બચુભાઈએ આ તક વધાવી લીધી અને ‘સસ્તું સાહિત્ય’માંથી રાજીનામું આપ્યું.
બચુભાઈ ‘વીસમી સદી’નું કામકાજ સંભાળી લે એ પહેલાં જ હાજીમહમ્મદનું અવસાન થયું. પરંતુ રવિશંકર રાવળે ‘હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ’ના સંપાદનકાર્યમાં એમને ગોઠવી દીધા.
એ કામ પૂરું થતાં, તરતમાં સ્થપાયેલા નવજીવન પ્રકાશન મંદિરમાં બચુભાઈ જોડાયા. દોઢેક વર્ષ ત્યાં કામ કર્યું તે દરમ્યાન સ્વામી આનંદ જેવા કર્મયોગીના સાંનિધ્યનો લાભ એમને મળ્યો.