કળિયુગની ગાંધારી

               યવતમાળ જિલ્લાના સાયખેડે ગામે ભાઉજી તુળજાપુરે રહેતા હતા. ઘરની સ્થિતિ ઘણી સારી હતી. બાળબચ્ચાંથી ઘર ભર્યું ભર્યું હતું. ગાયો, ભેંસો અને બળદની જોડીઓનો કોઈ તોટો નહોતો. નોકરચાકરોની અવરજવર સતત ચાલ્યા કરતી. આવી જાહોજલાલી સાથે શ્રી તુળજાપુરે વરાડના એક સુખી અને સમૃદ્ધ ખેડુનું જીવન ગુજારતા હતા. માબાપ ખૂબ પ્રેમાળ. ઘરવ્યવહાર સરખાઈથી ચલાવી શકાય, બજારની સારી માહિતગારી રહે, દુનિયામાં શી શી નવાજૂની થયા કરે છે એનો પણ પરિચય રહ્યા કરે એવા ઇરાદાથી, પોતે સાવ નિરક્ષર હોવા છતાં, પિતાએ ભાઉજીને જરૂરી શિક્ષણ આપ્યું હતું. ગામમાં ઉપસ્થિત થતા નાનામોટા ઝઘડાઓ તેમ જ ભાઈ-ભાઈ વચ્ચેની તકરારો ભાઉજી બહુ ડહાપણથી પતાવતા. તેમના નિષ્પક્ષપાતીપણાને લીધે લોકોમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી, અને ગામમાં તેઓ લોકપ્રિય બન્યા હતા.
               આ બધું જોઈ પિતાને જીવન ધન્ય થયું લાગતું. જતે દહાડે પુત્ર શક્તિશાળી નીવડશે અને કુળનું નામ ઉજાળશે, એવાં સુખસ્વપ્નોમાં ડોસા રાચતા હતા. યોગ્ય સમયે ભાઉજીનાં ઠાઠમાઠથી લગ્ન થયાં. જાનમાં સો-સો તો ગાડાં જોડાયાં હતાં. દારૂખાનું, પાનસોપારી, જમણવાર વગેરેની ધામધૂમ સાથે મંજુલાબાઈએ ગૃહલક્ષ્મી તરીકે ઘરમાં પગ દીધો.
               પણ તુલસીદાસજીનું અમર વાક્ય છે –
               કરમ ગતિ રાહે ના રહે !
પરિણીત જીવનનાં ત્રણ-ચાર વર્ષો ભાગ્યે જ પસાર થયાં હશે ત્યાં તો ભાઉજીને મહારોગે ઝડપ્યા. શરૂઆતમાં વ્યાધિ મહારોગ એટલે પતનો છે, એવું એનું નિદાન થયું નહિ. સામાન્ય ત્વચારોગ છે, ચામડી બહેરી પડી જવાનો વ્યાધિ છે, એવી માન્યતામાં ઠીક ઠીક સમય વીત્યો. પણ આ બધાં ચિહ્નો તો પતનાં છે એવો અભિપ્રાય યવતમાળના ડૉક્ટરોએ જાહેર કરતાં જ તમામ દૃશ્ય પલટાઈ ગયું ! ગામનાં મોટેરાંઓ બીતાં બીતાં સૂચવતાં હતાં કે ભાઉજીએ કોઈક અન્ય સ્થળે જઈને ઉપચાર કરાવવા. ભાઉજીના કાને આ વાત પહોંચી.
               ભાઉજી આમ તો મૂળે પોતે ખૂબ શ્રદ્ધાવાળા હતા. તેમણે સાંભળ્યું કે અંગૂલ બાજુએ એક સિદ્ધ પુરુષ બાળસ્વરૂપે પ્રગટ થયા હોઈ તેઓ સિદ્ધૌષધિ આપી બધી જાતના રોગો મટાડે છે અને રોગોથી ત્રાસી ઊઠેલાં વરાડનાં સંખ્યાબંધ દરદીઓની કતાર અંગૂલ તરફ મંડાઈ ગઈ છે ! ભાઉજી પણ ત્યાં ગયા, અને જે દશા બધાંની થઈ તે જ તેમની પણ થઈ : તેઓ ત્યાંથી પાછા આવ્યા ત્યારે ઊલટાનો રોગ વધી ગયો હતો; આખે શરીરે પત ફૂટી નીકળ્યું હતું !
               કોઈએ કહ્યું કે ઉનકેશ્વરમાં ગરમ પાણીના ઝરા છે. ત્યાં નાહવાથી તમામ જાતના ચામડીના રોગો નાશ પામે છે. આખા શરીર પર રોગ ફૂટી નીકળ્યો હોઈ એવી દશામાં એકલા જવું જોખમભર્યું હતું. ભણતરની દૃષ્ટિએ ગણીએ તો અભણ ગણાય એવાં, પણ દૃઢ મનોબળવાળાં, મંજુલાબાઈ, અનેકનો વિરોધ હોવા છતાં, સાથે ગયાં. પતના જંતુઓને કારણે શરીર આખું દાહ અનુભવી રહ્યું હોય – તેમાં વળી ઝરાના ગરમ પાણીથી નાહવાનું ! સતત એક મહિનો સ્નાન કરવા છતાં રોગ મટયો તો નહિ જ; ઊલટાનાં હાથે-પગે નવાં વ્રણ સાથે ભાઉજી પાછા સાયખેડે આવ્યા.
               પણ સાયખેડેમાં રહેવું હવે મુશ્કેલ બન્યું. લોકો તો ઘૃણા કરતાં જ હતાં. પરંતુ જન્મ આપનાર પિતા અને પ્રેમમૂ„ત ગણાય એવી માતા પણ ઘૃણા દાખવવા લાગ્યાં. મંજુલાબાઈથી એ બધું સહન થયું નહિ. ભાઉજીનાં બે ખેતરો પીંપરી ગામે પણ હતાં. ભાઉજી સાથે ત્યાં જઈને રહેવાનું પોતાનું માનસ મંજુલાબાઈએ સાસુ- સસરાને જણાવ્યું. સાસુ-સસરા તેમ જ મંજુલાબાઈના માબાપે પણ તેમને આ નિશ્ચયમાંથી ફરવાને ઘણું ઘણું સમજાવ્યું. જ્ઞાતિ-ધર્મ અનુસાર પતવાળા પતિથી છૂટાછેડા લઈ ભાવિ જીવન સુખી કરવાની સલાહ પણ પિયેરનાં લોકોએ આપી. સહુને મંજુલાબાઈએ એક જ જવાબ આપ્યો : “પરમાત્માએ મારો ણાનુબંધ તેમની સાથે જોડયો છે; હું તેમની જ સેવા કરતી રહીશ. તમે મને મારા સતીધર્મમાંથી ચળી જવાનું કહેશો નહિ.” ખુદ ભાઉજીએ પણ તેમને પોતાથી અલગ રહેવાનો આગ્રહ કર્યો. પરંતુ મંજુલાબાઈએ પોતાનો નિશ્ચય ફેરવ્યો નહિ અને પીંપરીમાં એક નાનકડું નવું ઘર બાંધીને પોતે ભાઉજી સાથે ત્યાં રહેવા લાગ્યાં.
               સવારમાં મંજુલાબાઈ ભાઉજીના બધા વ્રણ પોતે જાતે ધોતાં. રાંધી ખવરાવવાનું પણ તેઓ કરતાં. ઉપરાંત, ખેતરમાં મજૂર-દાડિયાં કામ કરતાં હોય તેમના પર દેખરેખ પણ પોતે જ રાખતાં. ભાઉજી તો જરા પણ ચાલી શકતા નહિ. નાનપણથી તેમને હનુમાનજી પ્રત્યે સારો ભક્તિભાવ હતો. તેમણે મનમાં મનમાં પ્રાર્થના કરી અને બાધા લીધી : “હે હનુમાનજી બાપા ! જો હું જાતે ચાલતો થઈશ તો તમારે માટે એક મંદિર બંધાવીશ.”
               પતિવ્રતા મંજુલાબાઈની સેવા-ચાકરીને પરિણામે તેમના વ્રણ સહેજ રુઝાયા, અને લાકડીને ટેકે ચાલી શકે તેટલા સાજા તેઓ થયા. પોતાની માનતા ફળી છે એમ માનીને ભાઉજીએ પોતાના ઘરની સામે જ એક સુંદર નવી એવી હનુમાનજીની દેરી બંધાવી, અને તેમાં મૂ„તની પ્રતિષ્ઠા કરાવી.
               તે પછી થોડાએક દિવસ સારું રહ્યું, પણ એમાં એક વાર ભાઉજીને મેલેરિયાનો સખત તાવ આવ્યો અને ફરી પાછું આખા શરીરે પત ફૂટી નીકળ્યું. હવે તો તેમાંથી નીકળતું સડેલું, રોગી લોહી ગંધ મારવા લાગ્યું. તેમણે તે વેળા ફરી મંજુલાબાઈને સમજાવ્યાં : “તમે મારી ચાકરીનું વેન લઈને જાતનું નુકસાન ન વેઠો. તમે પાછાં ઘેર જાઓ, સુખશાંતિથી રહો; હું તો હવે પરમાત્માનાં ચરણોમાં જ શાંતિ શોધીશ.”
               મંજુલાબાઈને આ અસહ્ય લાગ્યું; તેમની આંખે ચોધાર આંસુ વહેવા લાગ્યાં. તેમણે કહ્યું : “પતિદેવ ! તમે મને નરકમાં શા માટે ધકેલો છો ? તમારી સેવા કરવી એ તો મારો ધર્મ છે, ને આખર સુધી હું એ ધર્મ આચરવાની છું. નસીબે જે માંડયું હશે તે ભોગવવા હું તૈયાર છું. હું જ ફૂટેલ કરમની છું કે તમારા ઘરમાં મેં પગ દીધો ને તમને આવી માંદગી લાગુ પડી !”
               ભાઉજી તો એ જવાબથી સ્તબ્ધ જ થઈ ગયા !
               વળી થોડો સમય પસાર થયો.
               વ્રણની વેદના વધવા લાગી. ભાઉજી આર્તસ્વરે ભજન કરતા : “મારુતીરાયા બલભીમા, હો બલભીમા !” અને પાસે બેસી મંજુલાબાઈ વ્રણ ઉપર હાથ ફેરવતાં. આવી તો અનેક રાતો વીતી.
               એક દહાડો વેદના એવી અસહ્ય થઈ પડી કે મંજુલાબાઈથી પણ જોયું ગયું નહિ. ઓરડીમાંથી એ બહાર ઓસરીમાં આવ્યાં અને હનુમાનજીની મૂ„ત સામે બે હાથ જોડી કરુણભાવે ગદ્ગદ સ્વરે વિનંતી કરવા લાગ્યાં : “હે ભગવાન ! તું એમને હવે આવી યાતનામાં કેટલા દિવસ ખેંચાવીશ ?”
               ભાઉજીને કાને મંજુલાબાઈના આ ઉદ્ગારો અકસ્માત સંભળાયા, વીજળીનો આંચકો લાગે તેમ તેમનું હૃદય હલી ઊઠયું. કોઈ માનસિક ચમત્કાર થયો – અને ભાઉજીની વેદના એકાએક અટકી ગઈ ! તેમને સહેજ ઊંઘ પણ આવી ગઈ.
               બીજે દિવસે સવાર પડતાં જ ભાઉજીએ મંજુલાબાઈને આગ્રહ કરી કહેવા માંડયું : “ઘણા દિવસો થયા તમે ખેતરે મજૂરોનું કામ જોવા ગયાં જ નથી. આજે મને જરા આરામ છે, તો બપોરના ખેતરે જજો ને બધાંનું કામકાજ જોઈ આવજો.”
               મંજુલાબાઈને પણ થયું કે તેમને આરામ છે તો આંટો મારી આવવામાં હરકત નથી. પણ વળી મનમાં કાંઈ આશંકાઓ ઊઠી એટલે કહે : “આજે તો નહિ, પણ આવતી કાલે તમને જરા વધારે આરામ જણાશે પછી હું જઈ આવીશ.”
               પણ ભાઉજીએ ફરી દબાણભર્યો આગ્રહ કર્યો, એટલે તેમણે રાંધીને ભાઉજીને જમાડયા અને પોતે પણ થોડું જમી લઈને ખેતરે ગયાં.
               મંજુલાબાઈ દૂર ગયાં, દેખાતાં બંધ થયાં, એટલે ભાઉજીએ પથારીમાં બેઠાં બેઠાં જ હનુમાનજીની મૂ„ત ભણી મોં ફેરવી હાથ જોડયા, અને ગદ્ગદ સ્વરે ઉદ્ગાર કાઢયા : “હે મહાવીર ! હવે તમારે આ દેવી જેવી બાઈને કેટલા દિવસ ત્રાસ આપવો છે ? મારી ખાતર એણે મા-બાપને છોડયાં, પણ મારી આ પતિયાની દશામાં પણ એણે મને ત્યજ્યો નથી ! કાલે મારી યાતનાઓથી બેજાર બની એ કેવા દીનભાવે તમારી પ્રાર્થના કરતી હતી ! કહેતી હતી : ‘હે ભગવાન ! તું એમને હવે આવી યાતનામાં કેટલા દિવસ ખેંચાવીશ ?’ મારે હવે મારી અને એની પણ યાતનાઓનો અંત આણવો જ જોઈએ.”
               આમ વિચારી ભાઉજી પથારીમાંથી ઊભા થયા. લોકો બધાં ખેતરમાં કામે ગયાં હતાં. સર્વત્રા શાંતિ હતી. થરથરતે હાથે તેમણે એક કાચલી લીધી : બાજુના ગોખલામાંથી તેમાં કપૂર મૂક્યું, અને કાંપતા હાથે દીવાસળી ધરી કપૂર પ્રગટાવ્યું : બેઠા હતા ત્યાંથી જ હનુમાનજીની આરતી ઉતારી. ઓશીકે એક જાડી દોરી હતી; ખાટલાની ઉપરની આડીએ તે બાંધી, અને ગળે ફાંસો નાખ્યો : મંજુલાબાઈ ખેતરે ગયાં હતાં એ બાજુએ એક વાર નજર નાખી લીધી – અને આવેલું ડૂસકું મહામહેનતે રોક્યું : પછી ગળે નાખેલા ફાંસાને બે આંચકા મારી પોતે પરલોક સિધાવ્યા !
               સાંજે મંજુલાબાઈ ઘેર આવ્યાં. ઉંબરામાં પગ દેતાં જ સામેનું દૃશ્ય જોઈ, “પતિદેવ ! તમે આ શું કર્યું ?” એવો જોસભેર ચિત્કાર કર્યો – અને નિષ્પ્રાણ બનેલા ભાઉજીના દેહને બાથ ભરી લીધી; બેભાન બની ગયાં.

ગ. મા. પિંપરકર (અનુ. ગોપાળરાવ ગ. વિદ્વાંસ)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.