અખંડ પહાડમાં જ કૈં વર્ષો પૂર્વે કોરી કાઢેલી પચાસ-સાઠ સરસ ગુફાઓ તથા મોતી જેવાં નિર્મળ મીઠા પાણીનાં મોટાં ટાંકાં, અંદરના ખંડમાં ઊભેલો બૌદ્ધ ધર્મનો સ્તૂપ વગેરેનો બનેલો સુંદર બૌદ્ધ વિહાર વીસરાતો નથી. શબ્દોમાં ગૂંથેલું નહીં પણ પથ્થરોમાં કંડારેલું મહાકાવ્ય : ચારણી ગીત-છંદો કરતાં યે શતકો જૂનું એ કાવ્ય; સૌરાષ્ટ્રીય તવારીખના સુયશકાળનો એ અબોલ સાક્ષી; બૌદ્ધ વિહાર. દૂરદૂરથી એ કાળા ડુંગરની ગુફાઓ દેખાઈ અને દિલ જાણે ઊંટ પરથી કૂદકો મારીને મોખરે દોડવા લાગ્યું. નાનીશી નદીને કાંઠે ગીરના તમામ ડુંગરાથી નિરાળો એકલ ઊભેલો સાણો શિહોરના ડુંગરાથી યે નીચેરો અને નાજુક છે. વચ્ચે વિશાળ ચોગાન છે અને બંને બાજુથી જાણે કોઈ રાજમહેલની અટારીઓ ચઢી છે. ગુફાઓ ! ગુફાઓ ! નજર કરો ત્યાં ગુફાઓ ! નીચેથી તે ટોચ સુધી ! સંપૂર્ણ હવા-પ્રકાશ આવી શકે તેવી બાંધણીના એમાં ઓરડા ઉતાર્યા છે. ઠેકઠેકાણે ઓરડાની બાજુમાં પાણીનાં મોટાં મોટાં ટાંકાં કોરી કાઢેલાં છે. ડુંગર પરનું પાણી ખાસ કોતરેલી સરવાણીઓ વાટે ચોમાસે ટાંકાંમાં ચાલ્યું આવતું હશે. કદી કોઈએ એ ટાંકાં ઉલેચ્યાં નહીં હોય છતાં પાણીમાં નથી દુર્ગંધ કે નથી કુસ્વાદ. ચડવા-ઊતરવાનાં પગથિયાં, સ્તંભોવાળી રૂપાળી ગુફાઓના કારીગરીવાળા ઘાટ, એવી પચાસ ગુફાઓ અને એ બધું નક્કર કઠોર પાષાણમાંથી જ કોતરી કાઢયું છે, જાણે મીણના પીંડામાં કરેલી એ કરામત છે.
ઝવેરચંદ મેઘાણી
[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ પુસ્તક : 1928]