ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે –
ઓતરાદા વાયરા, ઊઠો !…
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ
સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ :
ઝંઝાના વીર, તમે ઊઠો !
કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ !
કરમાતી કળીઓને ચૂંટો;…
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,
ચીરો ચમકાટ એનો જૂઠો !
(કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તર-દક્ષિણ વહે છે, વિશુધ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ.)
ઝવેરચંદ મેઘાણી