ઝાઝાં છે મંદિરો ને ઝાઝાં જુગારખાનાં,
એ દેશમાં ઉપાયો ક્યાં છે ઉગારવાના ?
ઝાઝા છે મુખર વક્તા, ઝાઝા છે મૂઢ શ્રોતા,
એ દેશમાં છે મેલાં કથણી તણાં મસોતાં.
ઝાઝા છે પ્રેક્ષકો ને ઝાઝા છે અદાકારો,
એ દેશમાં છે નકલી વેશો તણો વધારો.
ઝાઝા છે ગુરુજીઓ, ઝાઝા છે વળી ચેલા,
એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા.
ઝાઝા છે પક્ષકારો, ઝાઝા છે દેશનેતા,
એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા.
ઝાઝા છે બંધ, ઝાઝી હડતાળની બજારો,
એ દેશમાં હંમેશાં હડધૂત છે હજારો.
ઝાઝા છે ખાસ દિવસો, ઝાઝી વળી રજાઓ,
એ દેશમાં ફળે છે સદીઓ તણી સજાઓ.
તેજીના ટકોરાથી જાગે ન દેશ હમણાં,
એ દેશમાં રહ્યાં છે સૌ લોક સારુ ડફણાં.
મકરન્દ દવે
[‘કવિતા’ દ્વિમાસિક : 1999]
**
We come nearest to the great
when we are great in humility.
આપણે મહાનતાની વધુમાં વધુ સમીપ
ત્યારે પહોંચીએ છીએ,
જ્યારે આપણી નમ્રતા મહાન બને છે.
રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. નગીનદાસ પારેખ)