પારિસના ફૂટપાથ પરના રેસ્ટોરાંમાં બેસી મધરાતે કૉફી પીવાની મજા અનેરી હોય. તેમાંયે એફિલ ટાવરની પેલી કોરના રેસ્તોરાંમાં બેસો, તો જગતના ભાતીગળ લોક જોતા રહો ને ચિંતન કર્યા કરો. કોઈ અલગારી મજા મળે. બેઠો’તો 1974ના માર્ચમાં ત્યાં. ઓર્ડર આપ્યો, વેઇટ્રેસને કૉફીનો. પાસે ભાતીગળ લોકો હતા. બધાં જ ઓળખ્યા વિના વાત કરતા બેસી જાય. ન નામ, ન ઠામ, ન રંગ, ન દેશ જુએ; ‘માણસ’ છો એટલું પૂરતું. જેને જિંદગીમાં પહેલી વાર જોયાં, ને પછી જોવાના નથી, તે વાતો કરે, ગીતો ગાય, ઘડી બે ઘડી બેસે ને પછી અલવિદા ! વિચારું છું, ત્યાં કૉફી આવી.
વેઇટ્રેસ અર્ધું અંગ્રેજી જાણે.
કૉફી જોડે કેક ને વેફર પણ હતાં.
મધરાતે કેક ખાવાની ઇચ્છા નહિ.
મેં કહ્યું : “માત્ર કૉફી જોઈએ, કેક ન જોઈએ.”
વેઇટ્રેસ જોતી રહી. કહે, “પણ એ તો એની સાથે જ હોય. કૉફીની સાથે હંમેશાં કેક લેવાય.”
ભારે વાત કહી ગઈ. પારિસનાં બહેન બેઠેલાં. સમજાવે મને કે એકલી કૉફી પીવાથી અલ્સર થાય, કેક લેવાથી નુકસાન ન થાય. પારિસમાં – અરે, આખા ફ્રાન્સમાં – યુરોપમાં સામાન્ય રિવાજ કૉફીનો ઓર્ડર આપો એટલે કૉફી જોડે કશુંક ખાદ્ય આપવાનો.
તે રાતે વિચાર મનમાં ઘોળાયા. પ્રવાસની ડાયરીમાં નોંધાયું : “એ તો એની સાથે હોય જ.” હજી સુધી એ વાક્ય ‘ઉપનિષદ’ની ઋચા જેવું લાગે છે.
એક જણે ગુલાબ ચૂંટતાં અસંતોષ વ્યક્ત કર્યો : “આ કેવું ! આટલું સારું ફૂલ, ને તે છોડને કાંટા કેમ કર્યા ?” તો કો’કે ફરિયાદ કરી : “નાળિયેર આટલું સારું ફળ, પણ છોતરાં કેવાં કઠણ ?”
એના ઉત્તર રૂપે પડઘો પડે : “એ તો એની સાથે હોય જ.”
દોલતભાઈ દેસાઈ
[‘પ્રબુદ્ધ જીવન’ પખવાડિક : 1977]
**
જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે –
મરણ આવે તો એને કહી શકું : “મિલ્કત પરાઈ છે.”
‘શૂન્ય’ પાલનપુરી