બોલકા અને સંગઠિતોની માગણીઓ સંતોષવા પાછળ સરકારોએ કરોડો રૂપિયાનો ખર્ચ વધાર્યો હશે. છતાં માગણીઓનો અંત નથી; સાત સંતોષી ત્યાં સત્તર જન્મી : પગાર વધ્યો, પણ કામનો બોજ ક્યાં ઘટયો છે ? માટે વધુ માણસોનો સ્ટાફ આપો. વધુ સગવડો આપો. આપો, આપો ને આપો.
અને એ માગણીઓ માટેનાં આંદોલનો કેવાં હતાં ? કોઈએ ધમકી આપી – અમે દર્દીઓની સારવાર બંધ કરીશું. કોઈએ કહ્યું – અમે પરીક્ષા નહીં લઈએ. બીજા વળી દેશમાં ઊંચામાં ઊંચું પગારધોરણ મેળવવા છતાં કહે છે કે ચેકોનું ક્લીયરિંગ થંભાવી દેશના વ્યાપારવણજ ખોરવી નાખીશું. કેટલાક રેલનાં પૈડાં જામ કરી દઈ દેશના જનજીવનને જ થંભાવી દેવાની ધમકી દે છે. કેટલાક કહે છે, વીજળીની વ્યવસ્થા ખોરવી અમે દેશ આખાને અંધારામાં નાખશું. કોનો છે આ અવાજ ? સંગઠિત, શિક્ષિત અને પોતાના અધિકારો માટે સજાગ એવા લોકોનો…જેમને ભણાવવા માટે સરકારે ગંજાવર ખર્ચ કર્યા છે અને આજે પણ દેશની શાળા-કૉલેજો તથા શિક્ષણની અન્ય સગવડોનો લાભ એમનાં જ બાળકોને મહદ્ અંશે મળી રહ્યો છે. આવા લોકો સારી રીતે પોતાનું કામ બજાવી શકે તે માટે ભૂખે મરતી જનતાએ પેટે પાટા બાંધી એમને પાકાં મકાનો, પાણી, વીજળીની સગવડો, એમનાં કુટુંબીજનો માટે દવાદારૂની સગવડો અને ભવિષ્યમાં કામ છોડે ત્યારે પણ આગળ ઉપરના જીવનનિર્વાહ માટેની વ્યવસ્થાઓ આપી છે.
આ બધું જેના પેટે પાટા બાંધીને અપાયું, તે ગરીબ જનતાને શું મળ્યું ? ચોમાસાના ચાર મહિનાની બેકારી બાદ માલિકોના ખેતરમાં કેડનો કાંટો વાળીને કામ કરનાર એ સ્ત્રી-પુરુષ મજૂરોને શું મળ્યું ? રોજ લૂખોસૂકો રોટલાનો ટુકડો ચાવતાં ચાવતાં એના દિલમાં અરમાન જાગે છે, તો એટલા જ જાગે છે કે ભગવાન કરે ને આવો જ ટુકડો કાલ પણ મળી રહે ! એમાંના મોટા ભાગનાને નથી માથે છાપરું કે નથી લાજ ઢાંકવા તન પર કપડું; દવાદારૂની વાત તો દૂર જ રહી – પીવાનું ચોખ્ખું પાણી પણ નથી. એમનો બેલી કોણ થશે ? એમનો અવાજ કોણ સાંભળશે ?
ભોગીલાલ ગાંધી
[‘નિરીક્ષક’ પખવાડિક]
**
સારા કાયદાઓ કરતાં સારા ન્યાયાધીશોની વધુ જરૂર છે.
ક્ષણને કાબૂમાં લીધી, એટલે જિંદગીને કાબૂમાં લીધી.