[વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ-પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે : “હે પક્ષીઓ ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.” ત્યારે બંને પક્ષી બોલે છે : “હે વડરાજ ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકકલ્પનાની જૂની વાત છે. એનો એક દુહો છે કે:
‘પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;
તુમ જલો અમે ઊડીએ, જીવન કા ફલ નાંય.’ ]
ઊડી જાઓ પંખી ! પાંખુવાળા…જી,
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.
આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી;
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડા ને રસવાળા જી;
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા….
આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી;
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળાં.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;
‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા.
દુલા ભાયા ‘કાગ’