‘કૈસરે હિંદ’નાં કટિંગ મળ્યાં. વાંચીને મારા મન પર તમારી સરળતાની છાપ પડી છે, પરંતુ આ પ્રસંગને જાહેરમાં ફરી ચર્ચવાનું મહત્ત્વ આપવા જેવું જણાતું નથી. આથી આપ દિલગીર થશો નહીં અને મારી નીડરતા કે નિષ્પક્ષપાતીપણા વિશે શંકા લાવશો નહીં. આપણે તો પ્રમાણબુદ્ધિ અને ઔચિત્યબુદ્ધિ રાખવાની જરૂર છે, એટલે કેટલીક વસ્તુઓની ઉપેક્ષા કરતાં શીખવું જ જોઈશે. તમે પોતે પણ આવા પ્રસંગને વધુ વખત દિલ પર ન રાખતાં તમારી કવિતા તેમ જ વિવેચનાની ઉપાસનામાં જ આગળ વધશો એવું ઇચ્છુ છું. મને તમારામાં ઘણી આશા દેખાય છે.
ઝવેરચંદ મેઘાણી
[મીનુ દેસાઈ પર પત્ર : 1940]