છાશી વરસના આયુષ્યમાંથી આર્નોલ્ડ ટોયન્બીએ 54 વરસ ઇતિહાસના લેખન અને નિદિધ્યાસનમાં આપ્યાં. માતા ઇતિહાસકાર હતાં, એમની પ્રેરણા તો ગળથૂથીમાંથી મળી હતી. પણ વાલ્મીકિનું હૃદય ક્રૌંચપંખીની સાથોસાથ વીંધાયું હતું અને પરિણામે એમનું પ્રતિભા-લોચન ખૂલ્યું હતું, તેવું ટોયન્બીને અંગે બન્યું. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ઓક્સફર્ડમાં પોતે ગ્રીસનો પ્રાચીન ઇતિહાસ ભણાવતા હતા. ઈ. પૂ. 431માં ગ્રીસમાં બંધુરાજ્યો વચ્ચે લડાઈ ફાટી નીકળી ત્યારે ઇતિહાસકાર થ્યુસીડીડિસે આંચકો અનુભવ્યો હતો તેવો ટોયન્બીએ અનુભવ્યો. એક ઝબકારે એમને તે વખતના ગ્રીસમાં અને પોતાના સમયના યુરોપમાં અત્યંત મળતાપણું નજરે પડયું. થ્યુસીડીડિસને ગ્રીસના યુદ્ધનું દૂરગામી પરિણામ આવવાનું એ તરત વરતાઈ ગયું હતું. એના શબ્દોને પછીના બનાવોએ અને સમગ્ર ઇતિહાસવહેણે સાચા ઠેરવ્યા હતા. ટોયન્બીને પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામોનો પણ એવો જ અણસાર દેખાયો. ઈ. પૂ. 431 એ મહાન ગ્રીક સંસ્કૃતિના પતનની આદિ ક્ષણ હતી. ટોયન્બી ચોંકી ઊઠયા : 1914 પણ વર્તમાન પાશ્ચાત્ય સંસ્કૃતિની એવી ક્ષણ તો નહીં હોય ?
‘એ સ્ટડી ઓફ હિસ્ટરી’ [‘ઇતિહાસ-અધ્યયન’]ની મૂળ પ્રેરણા, આ રીતે, પ્રથમ વિશ્વયુદ્ધની મહાઘટનામાં હતી. યુદ્ધમાં પોતાના અડધા કરતાં વધુ મિત્રો મરાયા, એ વહેતો જખમ એમને વળી વળીને ઇતિહાસચિંતન તરફ લઈ જતો. 1921માં એક વાર આખો યુરોપ વીંધીને ઇસ્તંબુલથી કેલે આવતા હતા ત્યારે એમણે એ યાત્રામાં ‘ઇતિહાસ-અધ્યયન’ના મહાગ્રંથનાં પ્રકરણોનાં મથાળાં ટપકાવી લઈ આખી રૂપરેખા બાંધી દીધી. પહેલા ત્રણ ભાગ 1934માં પ્રગટ થયા. ઉત્તમ આવકાર મળ્યો. ઓક્સફર્ડે એમનું સન્માન કર્યું. વળી ત્રણ ભાગ બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં પ્રગટ થયા. 1947માં એ છ ગ્રંથોનો સમરવેલે કરેલો સુંદર સંક્ષેપ બહાર પડતાં ટોયન્બીના પરિશ્રમનું સુફલ ઘણા બહોળા વાચકવર્ગને મળ્યું. છેલ્લા ચાર ભાગ 1954માં પ્રગટ થયા. 1961માં નકશાઓ આદિનો અગિયારમો ભાગ અને છેલ્લો બારમો, અનેક ટીકાઓ ચર્ચાઓ ઊપડેલાં તેના પ્રતિભાવરૂપે, ‘રીકન્સિડરેશન્સ’ [‘ફેરવિચારણા’] પ્રગટ થતાં 27 વરસને અંતે બાર ભાગમાં ‘ઇતિહાસ-અધ્યયન’નો બૃહત ગ્રંથ પૂરો થયો.
ભૂતકાળના વ્યાસંગે ભાગ્યે જ કોઈ ઇતિહાસકારને ટોયન્બી જેટલા ભવિષ્ય- રસિયા બનાવ્યા હોય. ટોયન્બીની મોટી સિદ્ધિ હોય તો તે છે માનવજાતિના ભવિષ્યની એમણે કરેલી માવજત. માનવીના ભાવિની ચિંતા અને ચિંતન કરનારા કદાચ મળી રહે. પણ ટોયન્બીમાં એક જાતનું વાત્સલ્ય અને શું કરું તો બાળકને સારું થાય, એ જાતની ક્ષણેક્ષણની માતાની કાળજી જોવા મળે છે.
મનુષ્ય ભલે પૃથ્વી ઉપર દસવીસ લાખ વરસથી હોય. ખેતી, ઢોરઉછેર, માટીકામ, વણાટ આદિ અંગેની કુશળતા ત્રીસેક હજાર વરસથી એણે મેળવી છે અને સંસ્કૃતિઓ ખીલી તે તો બધી છેલ્લાં પાંચ-સાત હજાર વરસની વાત. પોતે આત્મહત્યા ન કરે તો બીજાં બે અબજ વર્ષ સુધી તો આ પૃથ્વી એનું નિવાસસ્થાન બની શકે એમ છે. પણ છેલ્લા બે સૈકામાં માણસ યંત્રવૈજ્ઞાનિક વિકાસ એટલો બધો સાધી બેઠો છે કે અત્યારે સર્વનાશને આરે આવીને એ ઊભો છે.
છેલ્લી પચીસીની દુનિયામાં જે થોડાક મહાનુભાવોએ ઊંચા બાહુ કરીને માનવને આત્મનાશના માર્ગેથી પાછા વળવા માટે મા„મક હૃદયસ્પર્શી વિનંતીઓ કરી છે તેમાંના ટોયન્બી એક છે. એ કહે છે, જીવનનું ધ્યેય છે ચાહવું, સમજવું, સર્જવું. પોતાનાં કુડીબંધ પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓને નજરમાં ભરી એ કહે છે કે આવાં કરોડો નિર્દોષ ભૂલકાં યુદ્ધનો ભોગ ન બને એવી દુનિયાનું નિર્માણ થવું જોઈએ. ભવિષ્ય અંગેના વાર્તાલાપને અંતે યુવાનોને ખાસ ઉદ્દેશીને એ કહે છે કે રખે હિંસાનો રસ્તો અખત્યાર કરતા. તમે પથ્થર મારશો, બાýબ કે ગોળી વરસાવશો, પણ આજના વ્યવસ્થિત શાસનની પ્રતિહિંસક શક્તિ તમારી હિંસાશક્તિ કરતાં અનેકગણી વધારે હશે. ઊલટા તમે વધુ પ્રત્યાઘાતી શાસનના સકંજામાં સપડાશો. હા, તમે વિરોધ જરૂર કરજો, પણ તે ધિક્કારની લાગણી વગર, મહાત્મા ગાંધીની જેમ.
વિશ્વરાજ્ય, વિશ્વશાંતિ – તેને માટે પાયાની જરૂરિયાત ધર્મ અંગેની ક્રાન્તિ છે, એમ ટોયન્બી ગાઈ વગાડીને કહે છે. કેન્દ્રમાં ભગવાનને મૂક્યા વગર છૂટકો નથી એમ એ માને છે.
ટોયન્બીના જીવનની ફલશ્રુતિ ? ટોયન્બી જીવશે પ્રાસાદિક ઊ„જત શૈલીના કેટલાક ફકરાઓ દ્વારા, અનેક ભિન્ન ભિન્ન વિગતોનાં કરેલાં સંયોજનો દ્વારા, માનવજીવન ઉપર અજવાળું પાથરતાં, ઐતિહાસિક હકીકતોની મદદથી કરેલાં નિરીક્ષણો દ્વારા; પણ મુખ્યત્વે તો ઇતિહાસ વિષયને – સમગ્ર સંસ્કૃતિસંભારને બાથમાં લેવાના બુદ્ધિના વિરાટ ઉપક્રમ દ્વારા, ઇતિહાસના અમૃત તરીકે ધર્મને આગળ ધરી પોતે એનું સતત પાન કરતાં રહી મનુષ્યબંધુઓને – મનુષ્યજાતિને એ સંજીવની ભાળવવાના વાત્સલ્ય દ્વારા, એક મરમી ઇતિહાસવિદ તરીકે.
ક્વચિત્ એ કાવ્યો રચતા લેટિન, ગ્રીક અને અંગ્રેજીમાં. બે અંગ્રેજી લીટીઓ આપણી આસપાસના પદાર્થોને માણવા અંગેની ઈશાવાસ્ય દૃષ્ટિ આપી જાય છે : પ્રભુની પ્યારી કૃતિઓ, તમને સદાયે હું ચાહીશ,
પણ હવે પછી તમને ચાહવાનો તે તમને સરજનારાને ખાતર.
ઉમાશંકર જોશી
[‘સંસ્કૃતિ’ માસિક : 1975]