આ વાલો !-જયંતીલાલ માલધારી

            એક સવારે હું મારી દીકરીને ‘ગીતાજી’નો બારમો અધ્યાય શીખવવાની કડાકૂટ કરતો હતો, ત્યાં વાલો મહેતર આવ્યો.
“આવો, વાલાભાઈ, રામ રામ !” મેં કહ્યું.
“એ રામ રામ. હમણાં તો બહુ દિવસે જોયા !”
“કહો, કેમ છો ?”
“છે તો ઠીક. આ એક નાથિયાના ઉધામા થકવી દે છે.” નાથિયો વાલા મહેતરનો મોટો દીકરો. છોકરો ઘડી ઘડી નોખો થાય ને પાછો ભેળો થાય.
“હું તમને કહું છું કે એને એક નોખું ખોરડું જ બાંધી દ્યો ને – નકામા બળાપા કરવા મટે !” મેં સલાહ આપી.
“હું ઈ જ વિચારમાં છું. શું કરશું ? ઘડીક થાય છે કે અગાસીવાળું બાંધું કે વિલાયતી નળિયાં ચડાવું ? ભાઈ, મને તો લાગે છે કે પતરાંવાળું જ કરું, એટલે પછી ઉપાધિ જ નહિ.”

              આ વાલો વીડી રાખી ઘાસ વેચવાનો ધંધો કરે. આજુબાજુનાં ગામડાંમાંથી સૂકાં છોડાં, ચામડાં લાવે ને એય વેચે. વ્યાજવટાવ પણ કરે. ભારે હૈયાવાળો આદમી.

               પછી અમે ખોરડું કેમ બાંધવું એના વિચારે ચડયા. વાલાએ ચલમ સળગાવીને બે દમ માર્યા ત્યાં લગીમાં તો અમે બ્રહ્મદેશના જંગલમાંથી પાકો સાગ લેવા સુધી પહોંચી ગયા. ખૂણેમોહકે કઈ ખાણનાં બેલાં વાપરવા અને કયા મિસ્ત્રીને બોલાવવો, એ બધું લગભગ નક્કી કરી નાખ્યું. આમ વાલા મહેતરના નાથિયા માટે ખોરડું બાંધવાનો પાકો નકશો થઈ ગયો.

               “ઠીક ત્યારે, વાલા બાપા, હવે ઊઠશું ?”
“હા હા, લ્યો તયેં,” કરતાકને ઊઠયા.
“હમણાં કેની કોર ઝપટું દ્યો છો ?” ઊઠતાં ઊઠતાં મેં પૂછયું.
“વીડીમાં જ છું. ગંઠા બંધાય છે ….હં – પણ ભાઈ, એક પાટિયાનું બટકું
જોઈએ છે. આપણા ઓલ્યા ખેરીચામાં હશે કે ?”
“શું કરશો ?”
“આ ગંઠા બાંધવામાં એક ખૂટયું છે.”

             હવે હું સમજ્યો કે આ વાલો મહેતર એક પાટિયાના બટકા સારુ છોકરા માટે ખોરડું ને બ્રહ્મદેશના જંગલ સુધી આંટો જઈ આવ્યો ! ને એ હૈયાવાળો આદમી એને જોઈતું પાટિયું અમારા જૂના સામાનમાંથી લઈને પોતાના કામે ઉપાડી ગયો.

                   ઉછીના લઈને વ્યાજે આપે એવો વાલો એક વાર તો મારા મનને હલાવી ગયો. મને થયું કે આ વાલો !

              વાલાના વીડમાં ખડ વઢાઈને કુંદવાં થઈ ગયેલાં. સાઠ વરસનો એ ફરતિયાળ આદમી ગામથી ચાર ગાઉ દૂર એના વીડમાં રોજ આંટો જઈ આવતો. એની ભારે સાવચેતી છતાં રોજ કોક ખડનો ભારો બાંધી ઉઠાવી જતું હતું. એક વાર એણે વાતવાતમાં કહેલું, “ભાઈ, કોઈ પાકો આદમી લાગે છે, નકર મારી નજર ન ચૂકી જાય.” પણ એક દી વાલાએ ચોરને પકડી પાડયો.

            “કોણ હતો ઈ ?” મેં પૂછયું.

              “બરાબર સૂરજ મેર બેઠા ને હું ઘર ભણી વળતો હતો, એમાં મને વિચાર આવ્યો ને હું પાછો વળ્યો. ઓલી રાફડાવાળી કટકી દેમનો હાલ્યો. ઊંચે ચડીને જોઉં તો કોક આદમી ભારો બાંધી ઊભો’તો. હત તારી ! પણ હવે તો પકડયો જ સમજ, એવો વિચાર કરી હું પેલાની નજર ચૂકવીને પગલાં ભરું ત્યાં તો સામેથી જ સાદ આવ્યો : ‘એ વાલા બાપા, જરા ઓરા આવો તો !’ ઓળખ્યો : આ તો ઓલ્યો કાનિયો. કેવો મારો બેટો પાકો ચોર ! હું ત્યાં પહોંચ્યો એટલે મને કહે, ‘લ્યો બાપા, ભારો ચડાવો !’

               ‘લે હવે શરમા, કાનિયા ! મારા જ ઘરમાં ચોરી કરે ને પાછો હું તને ભારો ચડાવું ?’
‘બોલશો મા, બાપા ! ચડાવી દ્યો ઝટ – હજી આઘું જાવું છે.’
‘હવે કાલો થા મા, કાલો ! છોડી નાખ ભારો.’ મેં કહ્યું.

            ‘જો બાપા, લાંબી વાતનું ટાણું નથી. ઘરમાં સુવાવડ આવી છે, ટંકનાય દાણા નથી; અને હું એકલો બધે પહોંચું એમ નથી. એટલે જ આ કામો કરવો પડે છે.’

             વાલા મહેતરની વાત હું એકધ્યાનથી સાંભળી રહ્યો હતો. હું બોલ્યો, “શી દુનિયા છે ! એક તો ચોરી ને માથે પાછી ચાલાકી !”
“ચાલાકી નો’તી, ભાઈ; એની વહુને સુવાવડ આવી’તી ને ઘરમાં ટંકનાય દાણા નો’તા, ઈ વાત સાચી હતી.”
“પણ એટલે કાંઈ વીડમાંથી ચોરીના ભારા બંધાય ?”
“બંધાય જ ને, ભાઈ – શું થાય ?”
“શું કહો છો, વાલાભાઈ ! પણ પછી તમે શું કર્યું ?”
“શું કરે ? એને ભારો ચડાવ્યો – ને માથે દસ રૂપિયા રોકડા આપ્યા.” વાલાએ કહ્યું.
આ વાલો !

જયંતીલાલ માલધારી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.