1991થી શરૂ થયેલી ‘ગુજરાતી કવિતાચયન’ની યાત્રામાં સંપાદકોનાં તારણો લગભગ એક જ કુળગોત્રાનાં બની રહે છે. 1991માં હર્ષદ ત્રિવેદી કહે છે કે, “જૂજ અપવાદો બાદ કરતાં ક્યાંય કોઈ કવિના નિજી શ્વાસોચ્છ્વાસની કવિતા સંભળાતી નથી.” 1992માં રમેશ ર. દવે “અપવાદોનું જ આશ્વાસન” પામે છે. ચંદ્રકાન્ત ટોપીવાળા 1993ની કવિતાનું નિદાન કરતાં લખે છે : “ગુજરાતી સાહિત્યકારોએ જાણે કે ઓછી મૂડીએ ઝાઝું રળવાનું શરૂ કર્યું છે.” તો એમના એવા નિદાનને સ્વીકારતા હોય તેમ હરિકૃષ્ણ પાઠકને [1994માં] “અગાઉના સંપાદકો કરતાં કશો વિશેષ સંતોષ લેવા સરખું લાગ્યું નથી.” 1995માં રમણ સોની “આપણે ત્યાં મધ્યમબરની કવિતાનું પ્રમાણ ઘણું મોટું છે, એવી સર્વસામાન્ય છાપ છે. પરંતુ કાવ્યનામી એકએક કૃતિની સાથે ઘસાઈને ચાલવાનું થયું ત્યારે લાગ્યું કે સ્થિતિ એથી ય વધુ ચિંતાજનક છે.”
અલબત્ત, વાસ્તવિકતા એવી હોવા છતાં રમણભાઈએ એમના સંપાદકીય લેખનું બાંધેલું મથાળું ‘કેટલીક રૂપેરી રેખાઓ’ આશ્વાસક નીવડે છે !
માધવ રામાનુજ
[‘ગુજરાતી કવિતાચયન’ પુસ્તક : 1995]