આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. 1923માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી.
સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય – ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ – સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો.
સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી.
આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું :
ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ;
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો !
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ.
વિઠ્ઠલદાસ કોઠારી
**
પરીક્ષિતભાઈ કદી નવરા બેસતા નહિ. તહેવાર હોય કે રવિવાર, એમણે બધા વારને સરખા માન્યા. હસતાં હસતાં તેઓ કહેતા : “તહેવારના કે રવિવારના દિવસે આપણે ખાતાં નથી ? તો પછી કામ કેમ બંધ રખાય ?” સવારના પાંચથી રાતના દસ અને છેલ્લે તો અગિયાર સુધી તેઓ સતત કામમાં રોકાયેલા રહેતા. ગામડાંનાં મેલાંઘેલાં મુલાકાતીઓ એમની આજુબાજુ વીંટળાયેલાં રહેતાં. ઑફિસમાં હોય કે સૂવાની ઓરડીમાં, પ્રવાસમાં કે ગાડીમાં, મુલાકાતીઓની હારમાળા ચાલુ જ રહેતી. “આવો, કેમ આવ્યા છો, ભાઈ !” કહીને તે સહુને આવકારતા.
આશ્રમમાં હોય ત્યારે હરિજન સેવક સંઘની ઑફિસમાં સવારના સાતથી સાંજના પાંચ સુધી, સાતેય દિવસ, તેઓ બેસતા. એક દિવસ વાતમાંથી વાત નીકળી અને તેમણે પૂછયું, “આપણે અહીં હોળીની રજા રાખવામાં આવે છે ?” રજાની યાદી જોઈને મેં કહ્યું : “હોળી ને ધૂળેટી, એમ બે રજા છે.” “એમ ? બે દિવસની રજા હોય છે ?” તેમણે આશ્ચર્યથી પૂછયું. પછી, ઑફિસના સહુ કાર્યકર્તાઓને સંભળાય તેમ એક પ્રસંગ કહ્યો :
“બાપુએ ક્યારેય તહેવાર કે રવિવાર પાળ્યા નથી. તેઓ યરવડા જેલમાં હતા ત્યાં પણ પોતાની હંમેશની ટેવ મુજબ વહેલા ઊઠે, પ્રાર્થના કરે, કાંતે, અધ્યયન કરે. તેમનો એક ચોકીદાર એડનવાસી સોમાલી હતો, તે ન અંગ્રેજી જાણે, ન હિન્દી. અવારનવાર બાપુ પાસે પ્રાર્થનામાં બેસે, બાપુ કાંતે તે જોઈ રહે.
“એ અરસામાં બાપુને ખૂબ શરદી થઈ. તેમ છતાં રોજના નિયત કાર્યક્રમ મુજબ બાપુ વહેલા ઊઠે ને બધું કામ કરે. સોમાલીએ આ જોયું. બાપુ પાસે જઈને એ પોતાની ભાષામાં કાંઈક કહેવા લાગ્યો. પણ બાપુ તે ભાષા જાણતા નહોતા. છેવટે સોમાલીએ ઇશારા વડે આરામ કરવાનું કહ્યું. બાપુ સમજી ગયા. તેથી તેમણે પણ માથે તપતા સૂરજ તરફ આંગળી કરી કહ્યું : આફતાબ, આફતાબ. ચકોર સોમાલી બાપુનું કહેવું ઇશારામાં સમજી ગયો – સૂરજ જેમ આરામ કરતો નથી, તેમ માણસે પણ કામ કરવું જોઈએ.”
પ્રસંગ પૂરો થયો એટલે પરીક્ષિતભાઈ હસતા હસતા પોતાના કામમાં પરોવાઈ ગયા.
રવિવારને પણ કામનો જ દિવસ ગણનારા પરીક્ષિતભાઈનું અવસાન પણ એક રવિવારે જ થયું. છેલ્લી મિનિટ સુધી એમણે શરીર પાસેથી કામ લીધું. દવાખાનામાં લઈ ગયા, તો આજુબાજુ ઊભેલા સાથીઓને “તમારાં કામ બગડશે” કહી જવાનું કહ્યું. પણ “આજે રવિવાર છે, મોટાભાઈ ! અમારે રજા છે,” એવો સાથીઓનો ઉત્તર એમને જાણે કે અસુખ કરાવી ગયો.
હવે એમનું સ્મરણ કરીએ ત્યારે અંતરમાંથી કોઈક અવાજ સંભળાતો લાગે છે : રવિવાર એ રજાનો વાર નથી. રવિવારે અનેક બાળકો આ વિશ્વમાં જન્મ લે છે. રવિવારે અનેક રોગીઓ અને વૃદ્ધો મૃત્યુ પામે છે. રવિવારે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, દેહની અન્ય ક્રિયાઓ કરીએ છીએ. છતાં રવિવારને રજાનો વાર, આરામનો વાર કેમ ગણીએ છીએ ?
જગદીશ ચાવડા