સમાજ અને સાહિત્યને મળતાં મળે એવા સર્જક ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’ પુસ્તકમાં વાંચવા મળે છે. બે ખંડમાં થઈને કુલ 1366 પાનાંમાં વિસ્તરતા આ ગ્રંથનું સંપાદન મેઘાણીના ચિરંજીવી વિનોદ મેઘાણી અને વાર્તાકાર હિમાંશી શેલતે કર્યું છે. મેઘાણીએ 1910થી 1947નાં વર્ષો દરમિયાન લખેલા કે તેમને મળેલા અઢીથી ત્રણ હજાર કુલ પત્રોમાંથી અહીં 1292 પત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. તેમાંથી 649 પત્રો મેઘાણીએ લખેલા છે, અને 643 પત્રો અન્યોએ મેઘાણી પર લખેલા છે. સંપાદકોનાં ઉત્કટ ઊ„મ અને ઉમદા ઉદ્યમથી તૈયાર થયેલો આ પત્રસંચય અનેક રીતે અજોડ છે. સંપાદકીય દૃષ્ટિ, વિદ્યાકીય નિષ્ઠા, અથક પરિશ્રમ અને ઉત્તમને ઉત્તમ રીતે લોકો સુધી પહોંચાડવાની વૃત્તિ જેવી અનેક ગુણવત્તાઓ તેને એક સીમાચિહ્ન બનાવે છે. તદુપરાંત આ પત્રો મેઘાણીના ઘટનાપૂર્ણ અને સંઘર્ષમય જીવનના અંતરતમ ભાવો પર પ્રકાશ પાડે છે, તેમજ તેમની એક દેદીપ્યમાન માનવછબી આપણી સામે મૂકે છે.
ચૌદ વર્ષની ઉંમરે લખાયેલા પહેલા પત્રથી જીવનના છેલ્લા દિવસ સુધીના પત્રો મેઘાણીની ત્રણ તપની પરકમ્માને જાણે સ્લો-મોશનમાં બતાવે છે. તેમાં વાત્સલ્યમૂર્તિ બાપુજી, પરિવારપ્રેમી વડીલ, ઉત્કટ સંવેદનશીલતા ધરાવતા પતિ, નિષ્ઠાવાન સંશોધક, પ્રખર પત્રકાર, ઈમાની સર્જક એવા મેઘાણીના પ્રાણવાન વ્યક્તિત્વની રેખાઓ એકબીજામાં ભળતી રહે છે.
બે ખંડોના આ સંચયનું નામકરણ મેઘાણીના એક પત્રની સહી પરથી કરવામાં આવ્યું છે. જીવણલાલ ઍન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતી ફૅક્ટરીમાં નોકરી કરવા મેઘાણી 1918થી 1921નાં વર્ષોમાં કલકત્તા ગયા હતા. ત્યાંથી તેમણે તેમના પ્રાણનો નાભિપોકાર કરતો પત્ર એક મિત્રાને લખ્યો. તેનો છેલ્લો ફકરો છે : “અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે – એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે – હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું – વધુ શું ?
લિ. હું આવું છું.”
મેઘાણીના પત્રો અનેક પ્રકારના સંબંધો અને સંપર્કોને લગતા છે. તેમાં બંને પત્નીઓ અને તેમનાં સંતાનો ઉપરાંત અનેક પરિવારજનો અને મિત્રો છે. સંશોધકો, સાહિત્યકારો, સમાજસેવકો ને દેશભક્તો છે. પત્રકારો, સંપાદકો ને પ્રકાશકો છે. ગઢવીઓ, ચારણો, બહારવટિયા, વિદ્યાર્થીઓ, વાચકો, ચાહકો છે. લગભગ બધાના પત્રોમાં માણસ અને સાહિત્યકાર મેઘાણી માટે ખૂબ ઉમળકો છે.
પત્રોમાં વ્યક્ત થતી લાગણીઓનો પટ ઘણો વૈવિધ્યપૂર્ણ છે. સંતાનો માટે અખૂટ પ્રેમ અને ચિંતા છે. આસપાસના લગભગ દરેક માણસની કાળજી અને કદર છે. સહુથી મોટા ચિરંજીવી મહેન્દ્ર સાથેના પોણા બસો જેટલા પત્રોમાં લાગણીસભર છતાંય વાસ્તવદર્શી અને પ્રબુદ્ધ પિતૃત્વ દેખાય છે. પુત્રવધૂ નિર્મળા પરના પત્રો તો ભારતીય સમાજના સંદર્ભમાં અને વ્યક્તિગત લાગણી એમ બંને રીતે વિરલ છે. પુસ્તકમાં એવા મેઘાણી મળે છે કે જેમણે ઘરઝુરાપો, દામ્પત્યજીવનના આઘાત, પુનર્લગ્ન પછી અનુકૂલન માટેની મથામણ, કટુતા અને એકંદરે કરુણતા સતત અનુભવી છે. વ્યાધિ અને વ્યાકુળતા, વ્યવહાર અને વ્યસ્તતા, આવેશ અને આક્રોશને મૂલ્યો તેમજ આદર્શોની ભવ્યતામાં સમાવી લેતા મેઘાણી અહીં છે.
આ મૂલ્યનિષ્ઠા અનેક રીતે જોવા મળે છે. એટલે જ કોમી સંવાદિતા, અભિવ્યક્તિ સ્વાતંત્રય, સંશોધનની ચીવટ, લેખકના ગૌરવ અને અધિકાર, ઉપેક્ષિતોના પ્રશ્નોની સમજ જેવા આપણા સાંપ્રત સાહિત્યમાંથી એકંદરે ઓછાં થઈ રહેલાં મૂલ્યો સાથેનો મેઘાણીનો અનુબંધ વત્તેઓછે અંશે અનેક પત્રોમાં જોવા મળે છે.
આ સંચયના પાને પાને સંપાદક દંપતીની સમજ અને મહેનત દેખાશે. વિનોદભાઈએ પંદર વર્ષ પહેલાં આ શીર્ષકથી મેઘાણીના પત્રો પ્રસિદ્ધ કર્યા હતા. આ નવા સંચયમાં તેનું બમણી પત્રસંખ્યા સાથે નવસંસ્કરણ થયું છે. પત્રો ઉપરાંત બહુ મોટા પ્રમાણમાં પૂરક વાચન-સામગ્રી અહીં મળે છે, જેમાં છબીઓ, ચિત્રો, રેખાંકનો, નકશા, સ્થળસંકેતો, અવતરણો, પરિચયનોંધો, પ્રસંગનોંધો, પત્રના સંદર્ભ મુજબ મેઘાણીના તેમ જ અન્યોનાં લખાણોના અંશો, હસ્તાક્ષરોનાં પુનર્મુદ્રણો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તેનો વ્યાપ, ગ્રંથની શાસ્ત્રીયતા અને સંપાદકોની દૃષ્ટિ સ્વતંત્ર લેખના વિષયો છે.
આ પત્રસંચય પૂર્વે સંપાદકયુગલે ‘અંતર-છબી’ નામે મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત પ્રસિદ્ધ કર્યું છે. વિનોદભાઈએ મેઘાણીની 32 વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ ત્રણ ખંડોમાં કર્યો છે. તેમણે ‘માણસાઈના દીવા’નો ‘અર્ધન લૅમ્પ્સ’ નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે. વિનોદભાઈનો ખૂબ જાણીતો બનેલો અનુવાદ એટલે ‘સળગતાં સૂરજમુખી’. અમેરિકન લેખન અરવિંગ સ્ટોને ડચ ચિત્રકાર વાન ગૉગના જીવન પર લખેલી નવલકથા ‘લસ્ટ ફોર લાઇફ’નું આ ગુજરાતી અવતરણ છે.
‘લિ. હું આવું છું’ પત્રસંચય સાહિત્યકાર તેમ જ માણસ મેઘાણીની એક તત્ત્વપૂર્ણ પ્રતિમા આપણી સામે મૂકે છે. તેમાંનો સાહિત્યકાર કહેવાતી સાહિત્યિક પ્રતિષ્ઠાથી દૂર રહેવા કોશિશ કરે છે. તેના વિચારોમાં સાતત્ય અને અભિવ્યક્તિમાં પારદર્શકતા છે. કશું મેળવી લેવાનાં વલખાં વિનાની તપસ્યા છે. વિરલ સચ્ચાઈ અને ઈમાનદારી છે. જીવનકાર્ય, સર્જન અને સમાજ માટે તીવ્ર ને ગહન નિસ્બત છે. તેનાથી પ્રેરાઈને, જાતને નિચોવીને થાય એટલું કરવાની આ સાહિત્યકારની નેમ છે. સંપાદક દંપતીનું પણ કંઈક એવું જ છે. એટલે જ તે મેઘાણીની દેદીપ્યમાન માનવીય પ્રતિમા રજૂ કરવામાં સફળ રહ્યાં છે.
આ પ્રતિમાની વિશિષ્ટ રંગરેખાઓ બતાવતા કેટલાક પત્રો છે. કેટલીક છટાઓ સંપાદકોએ મૂકેલી પૂરક માહિતીમાંથી ઊપસી આવે છે. આ બંનેમાંથી થોડીક વિશિષ્ટ રંગરેખાઓ અહીં મૂકી છે.
મેઘાણી અમરેલી હાઈસ્કૂલમાં હતા ત્યારે છોકરાઓને “ગીતો ગવડાવતા, નાટકોમાં પાઠ લેતા અને સ્ટેજ ગજવતા.” તે દિવસોમાં તેઓ “એક સોળ વર્ષની શરમાળ છોકરી જેવા દેખાતા”, તેવું તેમના વર્ગમિત્રા જગજીવન મોહનદાસ ગાંધીએ પત્રમાં નોંધ્યું છે.
‘ડોશીમાની વાતો’ નામનું પુસ્તક મેઘાણીએ 1946માં સાતમી આવૃત્તિ પછી બંધ કર્યું. કારણ કે મહેન્દ્રભાઈએ તે પુસ્તક બાળકો માટેના વાચન તરીકે યોગ્ય નથી એ વાત તેમને સમજાવી અને લોકશાહીવાદી લેખક પિતાએ તે સ્વીકારી.
પાંચાળ પ્રદેશમાં 1927ના જુલાઈમાં પૂર આવ્યું ત્યારે મેઘાણી રાહતકામમાં જોડાયા હતા. ચાર જણની ટુકડી સાથે મેઘાણી નેવું ગામમાં ગયા અને સહાય પહોંચાડી.
જર્મન ઓરિએન્ટ સોસાયટીના પુસ્તકમંત્રી ડૉ. વિલ્હેમ પ્રિન્ટઝ 1928ના ઑગસ્ટમાં લખે છે : “અહીંના ‘ક્રિટિકલ જર્નલ ઓફ ઓરિએન્ટલ લિટરેચર’ નામના સામયિકમાં તમારી પ્રશંસાત્મક સમાલોચના લીધેલી છે તે વાંચીને તમારી શ્રેણીનાં તમામ પુસ્તકો મોકલવા વિનંતી કરું છું. અમારા સંગ્રહમાં એ બધા સંઘરવા હું ઉત્સુક બન્યો છું.”
ધોલેરા સત્યાગ્રહમાં ગિરફતાર થયેલા ભાઈઓને અભિનંદન આપવા માટે મેઘાણી 27 એપ્રિલ 1930ના દિવસે બરવાળા ગયા અને ત્યાં પોલીસે તેમને અટકાયતમાં લીધા.
‘કોઈનો લાડકવાયો’ કાવ્યની પહેલવહેલી પ્રશંસા નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિત વિવેચકની રોજનીશીમાં મળે છે.
મેઘાણીએ બાળપણમાં લખેલી એક પ્રાર્થના અમરેલીની જૈન બોઋડગમાં ગવાતી હતી.
મેઘાણીને આકાશદર્શનમાં રસ હતો. ઉમાશંકર જોશી પરના એક પત્રમાં તેમણે લખ્યું છે : “હમણાં તો આકાશના તારા, ગ્રહો, નક્ષત્રો વગેરે નિહાળવાની ખૂબ ધૂન લાગી છે. પણ ઓળખું ફક્ત બે-પાંચને જ, એટલે બાકીના જ્યોતિર્ધરોની સામે તો બાઘાની પેઠે જોઈ રહું છું…. ચાલીસ વર્ષો જીવનનાં ગયાં, આખું જગત ડૉળવાનો દાવો કરનાર લેખક બન્યો, ને રોજના આવા વિરાટ સોબતી આકાશને જ ઓળખ્યા વિના રહ્યો ! અને એ ન જોયું તેને પરિણામે કેટલી બધી કંગાલિયત મારા સાહિત્યમાં પણ રહી ગઈ હોવી જોઈએ.”
ડૉ. આર્નોલ્ડ બાકે નામના ડચ સંશોધક ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ભારતનાં ભજનો પર સંશોધન કરવા માટે સજોડે ભારત આવ્યા હતા. ત્યારે મેઘાણી પરિવારે તેમને ઘણાં મદદ અને માર્ગદર્શન આપ્યાં હતાં. ડૉ. બાકેએ વડોદરા, રાણપુર, લાઠી અને વડિયાની મુલાકાત લઈને વાયર રેકોર્ડર તેમજ 35 એમએમ ફિલ્મ પર કરેલા રેકોર્ડિંગની કેસેટ પર કરેલી નકલ કેલિફોર્નિયા યુનિવર્સિટી (લોસ એન્જેલસ)ના સંગીત વિભાગમાં એથનો મ્યુઝિયોલોજી (એટલે કે સંગીતશાસ્ત્રા, લોકસંગીત, પ્રાચીન સંગીત તથા તેના વિવિધ માનવજાતિઓ સાથેના સંબંધોના શાસ્ત્રા) વિભાગમાં સચવાઈ છે. આ રેકોઋડગની આખી નકલ અને ડૉ. બાકેએ લીધેલી ફિલ્મો, એમના અહેવાલો વગેરે સામગ્રી દિલ્હીની અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડિઝ સંચાલિત ધ આર્કાઇવ ઍન્ડ રિસર્ચ સેન્ટર ફોર એટનોમ્યુઝિકોલોજીમાં જતનપૂર્વક જળવાઈ છે. ડૉ. બાકેના રેકોર્ડિંગમાં આઠ રચનાઓ મેઘાણીએ ગાયેલી છે.
‘ફૂલછાબ’માં પોતાનાં લખાણો સાથેના કાર્ટૂન મેઘાણી પોતે જ દોરતા.
મેઘાણીને એક વ્યક્તિએ લખેલા પત્રમાં તેમનાં નવાં પ્રકાશનો તેમ જ પુનર્મુદ્રણો પોતાના પરિચિત એક પ્રકાશકને આપવાની ભલામણ કરી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે ‘આપ જે આંકડો મૂકો એ ઉપાડી લેવા’ પ્રકાશક તૈયાર છે. પત્રની નીચે મેઘાણીએ જવાબનોંધ કરી છે : “જૂના પ્રકાશકોને હું ન છોડી શકું. તેઓએ કરેલ ઉદ્યમ પરસ્પરના ઇતબાર પર ઊભેલ છે. અર્થલાભની લાલચે હું એ ઇતબાર ન લોપું.”
‘ફૂલછાબ’માં પોતાનું લખાણ છાપવાનો વારંવાર દુરાગ્રહ કરીને હિંસક ધમકીઓ આપનારા એક નામચીન માથાભારે શખસે એક બપોરે બોટાદ સ્ટેશને મેઘાણી પર હુમલો કર્યો. મેઘાણીએ સ્વરક્ષણાર્થે પૂરા જોર સાથે લડીને એને ધૂળ ચાટતો કર્યો. એ દૃશ્ય સેંકડો મુસાફરોએ જોયું. 5-4-1940ના ‘ફૂલછાબ’માં મેઘાણીએ ‘ગુંડાઓનો ડર ત્યજો’ નામે અગ્રલેખ લખ્યો. હુમલાને વખોડતા અને તેમના શૌર્યની પ્રશંસા કરતા અનેક પત્રો મેઘાણી પર આવ્યા.
મનોરંજક કાર્યક્રમો વિશે સ્પષ્ટતા કરતા એક પત્રમાં મેઘાણી લખે છે : “આજ સુધી પુરસ્કાર માગ્યો નથી તેમ જ સાહિત્યેતર સમારંભમાં મનોરંજક કાર્યક્રમ તરીકે મારાં ગીતો-કથાઓનો ઉપયોગ કર્યો નથી. જ્યાં જાઉ છું ત્યાં આ ગીતો-કથાઓને શુદ્ધ સાહિત્યની સામગ્રી તરીકે જ લઈ જાઉં છું. યજમાનો ધરે છે તેમાંથી પ્રવાસ ખર્ચ જ સ્વીકારું છું.”
સંકટગ્રસ્ત ખેડૂતોને સહાય કરવા અને ખેડૂતોના પ્રશ્ને જનતાનું ધ્યાન દોરવા ખેડૂત સમિતિના ઉપક્રમે મેઘાણીએ 23 માર્ચ, 1936ના દિવસે મુંબઈના બ્લેટવેટસ્કી લોજમાં ગીતોનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. હૉલ ભરાઈ જતાં ટિકિટો બંધ કરી દેવી પડી હતી.
મેઘાણી રવીન્દ્રનાથ ટાગોરને મુંબઈમાં 1933માં મળ્યા. મુલાકાતનો સમય અડધો કલાક નક્કી થયો હતો. પણ ગુરુદેવ મેઘાણીની લોકસાહિત્ય વિશેની વાતો બે કલાક સાંભળતા રહ્યા ને તે પછી નંદલાલ બોઝને મેઘાણીના ઘરે મોકલી શાંતિનિકેતનમાં વ્યાખ્યાનો આપવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
મેઘાણીએ 1941ના માર્ચ મહિનામાં શાંતિનિકેતનમાં લોકસાહિત્ય પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ત્યાંના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કલાકારો પર મેઘાણીની ભૂરકી છવાઈ ગઈ હતી. તેમાંથી કેટલાકે મેઘાણીને ભાવભીના પત્રો લખ્યા હતા. મેના નામની વિદ્યાર્થિનીએ લખ્યું : “આઠ દિવસ રહ્યા, પણ રહ્યા ન હો તેવું લાગે છે.” વિશ્વનાથ ખન્ના લખે છે : “અલ્પ સમયમેં હી ન જાને કૈસી માદક સુધા હમ લોગોં કો પિલાઈ જિસકા નશા ચિરકાલ તક નહીં ઉતરેગા.” મેઘાણી શાંતિનિકેતનથી ગયા પછી પણ ઠેરઠેર તેમનું નામ ઘણી વખત કેવા આદરથી લેવાતું હતું, તેમણે આખાય વાતાવરણને કેવી રીતે મંત્રામુગ્ધ કર્યું હતું તેની વાત વ્રજલાલ ત્રિવેદીના પત્રમાં વાંચવા મળે છે.
શાંતિનિકેતનમાં અંગ્રેજીમાં આપેલાં વ્યાખ્યાનોએ મેઘાણી માટે વિશાળ ભારતનાં દ્વાર ખોલ્યાં હતાં. શાંતિનિકેતનનાં ત્રૌમાસિક ‘ધ વિશ્વભારતી ક્વાર્ટર્લી’માં મેઘાણીએ લખેલો લેખ ‘ફોક સોંગ્સ ઑફ ગુજરાત’ 1943માં પ્રગટ થયો. તે પછીના વર્ષે ગુજરાત રિસર્ચ સોસાયટીના મુખપત્રમાં ‘મેરેજ સોંગ્સ ઑફ કાઠિયાવાડ’ નામનો લેખ પ્રકટ થયેલો. ઓક્સફર્ડના અંગ્રેજ નૃવંશશાસ્ત્રી અને જગવિખ્યાત આદિવાસી સંશોધક વેરિયર એલ્વિને તેમના એક પુસ્તકમાં મેઘાણીએ લખેલા બધા જ અંગ્રેજી લેખોની સૂચિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મેઘાણીએ 1943ના ઑગસ્ટમાં મુંબઈમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં. આ ખૂબ મોભાદાર વ્યાખ્યાનમાળા માટેની તૈયારી, વિદ્વાનો સાથે ચર્ચા, ભરચક સભાગૃહમાં વ્યાખ્યાનો આપવામાં પડતા શ્રમ, અને લોકસંપર્કની વચ્ચે પણ મેઘાણી તેમનાં બીજાં પત્ની ચિત્રદેવીને મદદ કરવાનું ચૂકતા ન હતા. ચિત્રદેવી કાઠિયાવાડી ભરતકામ બનાવડાવીને તેનું વેચાણ કરવાનો વ્યવસાય કરતાં. આ વસ્તુઓ ગ્રાહકોને બતાવવાનું, સમજાવવાનું, મંગાવવાનું અને ગ્રાહકોને પહોંચાડવાનું કામ મેઘાણીએ વ્યાખ્યાનો ઉપરાંતના સમયમાં કર્યું હતું. ચિત્રાદેવીને આ કામમાં તેમણે વર્ષો સુધી, જુદી જુદી જગ્યાએ અનેક રીતે મદદ કરી હતી.
મેઘાણીએ ‘ફૂલછાબ’ના વાચકો માટે ઘણાં ભેટપુસ્તકો લખ્યાં હતાં. તેમાંથી કેટલાંક તો માત્ર અઢીસો-ત્રણસો રૂપિયા પુરસ્કાર લઈને લખ્યાં હતાં અને તેની આવૃત્તિઓ 5-6 હજાર નકલોની થઈ હતી.
પોલીસખાતામાં કામ કરતા મેઘાણીના પિતાએ 30 વર્ષ સુધી રાખેલો તમંચો તેમના મૃત્યુ પછી રાણપુર પોલીસના તાબામાં હતો. તે પાછો મેળવવા મેઘાણીએ ઘણી લખાપટ્ટી કરી. અને અંતે 26-8-1928ના દિવસે અમદાવાદના જિલ્લા મેજિસ્ટ્રેટને અંગ્રેજીમાં લખ્યું : “મારો તમંચો મને અહીં અથવા ભાવનગરમાં સલામત પાછો સોંપાવો જોઈએ એવી મારી સાદર રજૂઆત છે. રાણપુર પોલીસ તમંચો મને સોંપવામાં નિષ્ફળ જશે તો મારા વાંક વગર મારો તમંચો જિલ્લા પોલીસ પડાવી લેવા માગે છે એવું દુઃખદ અનુમાન કરીશ. પણ મને શ્રદ્ધા છે કે આપ આ બાબત ન્યાય કરશો અને આપની પોલીસને આપખુદ પગલું લેતા અટકાવશો.”
પોતાની કૃતિઓ પરથી ફિલ્મો બને તે વાત સાથે મેઘાણી સંમત ન હતા, એ વાત અનેક પત્રોમાં તેમણે લખી છે. એકમાં તેઓ લખે છે : “….સિનેમાની સૃષ્ટિ પ્રત્યે હું ઉદાસીન બન્યો છું ને મને ભારોભાર બીક પેસી ગઈ છે કે આપણા ગુજરાતી લેખકોની વાર્તાઓ પડદા પર નિષ્ફળ જ જાય છે. એ નિષ્ફળતાનો આઘાત મારા જેવા નબળા હૃદયના માણસને ઘણો મોટો લાગે.”
અમદાવાદમાં 1946ના જૂન-જુલાઈમાં કોમી હુલ્લડો થયાં અને તેમાં વસંત- રજબ શહીદ થયા. આ તોફાનોમાં ગાંધીજી અને તેમના અનુયાયીઓની ભૂમિકા વિશે મેઘાણીએ 6-7-1946ના પત્રમાં લખ્યું : “મહાત્માજી બીજાઓને આ વાઘદીપડાની બોડમાં અહિંસા પ્રબોધવા જવાની હાકલ દેવા કરતાં પોતે જો પાંચસોકને લઈ જમાલપુર જેવા એકાદ સ્થળમાં પહોંચી પદાર્થપાઠ આપે તો વધુ શ્રેયસ્કર બને. આટલાં હુલ્લડો થયાં; મહાત્માજીને કે એમના પટ્ટશિષ્યોમાંથી કોઈને એ બૂઝવવા જતા જોયા નથી.” આ સંદર્ભમાં ગાંધીજીએ 28 જુલાઈ અને 4 ઑગસ્ટના ‘હરિજનબંધુ’માં દિલગીરીના સૂરે લખ્યું હતું : “હું ઘરમાં બેસીને બીજાઓને મરવા મોકલું એ મારે માટે શરમની વાત કહેવાય ને એ અહિંસાના દાખલારૂપ ન થાય.”
‘ફૂલછાબ’ કાર્ટૂન કેસમાં મેઘાણીને સરકારે કોમી વૈમનસ્ય ફેલાવવાના હળાહળ ખોટા આરોપસર 1941ના મે મહિનામાં ગિરફતાર કર્યા હતા. (અલબત્ત અદાલતે મેઘાણીને નિર્દોષ જાહેર કર્યા હતા.) ધરપકડ પછી જામીન મળતાં પહેલાં મેઘાણી કાચા કામના કેદીઓ માટેની કોટડીમાં રહ્યા હતા. તે વખતે તેમને બરાકમાં “ઝાડુ મળે તો વાળી નાખવાની” અને “બાગમાં પાણી ભરી ભરીને ઝાડને પાવાની” ઇચ્છા થઈ, કેમ કે “ઝાડવાં પાયાં હોત તો તો એકાદ-બે નવી ટીશીઓ, કૂંપળો, કળીઓ એક દિવસ ઈશ્વરની અદાલતમાં હાજર થાત ને ગવાહી પૂરત તો ખરી કે આ માણસને વિનાશના મોંમાંય સર્જન પ્યારું હતું.”
મેઘાણીએ ઉમાશંકરને લખેલા અનેક પત્રોમાંથી એકમાં લખ્યું હતું : “નવરાતરના દિવસોમાં બહાર પડતું લોકજીવન એકેય વાર ગુજરાતમાં જોયું નથી તે જોવું છે.” તેમને બીજા એક પત્રમાં લખ્યું હતું : “ઝંખના ફક્ત એક રહી જાય છે ગુજરાતનાં પૂરાં દર્શન કરવાની, તમારા જેવા ભોમિયાના સાથમાં.”
મેઘાણીએ તેમના અવસાનના આગળના દિવસે દિલીપ કોઠારી પરના પત્રમાં લખ્યું : “પીપલ્સ થિયેટરનાં ત્રણ બૅલે પર મુંબઈ સરકારે મૂકેલો પ્રતિબંધ વખોડી કાઢવા અને સખત વિરોધ ઉઠાવવા આપણે સૌએ સંયુક્ત બનવું જોઈએ. આ તો ઘણું અનુચિત કહેવાય. મેં એ જોયાં છે અને મને એમાં કશું જ વાંધાભર્યું લાગ્યું નથી. મુંબઈ સરકારે તો માઝા મૂકવા માંડી છે. મોરારજી દેસાઈ જેવો કલા-સાહિત્યનો મૂળાક્ષર પણ ન સમજનાર મિથ્યાભિમાની માણસ પગલે પગલે લોકશ્વાસને જ રૂંધી રહેલ છે. બહુ ઉકળાટ થાય છે.”
મેઘાણીએ અવસાનના બે દિવસ પહેલાં ‘સંસ્કૃતિ’ સામયિક માટે ઉમાશંકરને લેખ મોકલ્યો હતો ને તેની સાથેના પત્રમાં લખ્યું હતું : “શરીર કામ કરી શકતું હશે ત્યાં સુધી તો મારો લેખ દર અંકે હાજર હશે…”
‘લિ. હું આવું છું’માં અનેક પત્રો એવા પણ છે કે જે મેઘાણીની કૃતિની શ્રેષ્ઠતા ઉપસાવતા હોય, તેમના સંશોધનની મહત્તા બતાવતા હોય કે માણસ તરીકેની તેમની મોટાઈની વાત કરતા હોય. વેરિયર એલ્વિન લખે છે કે : “તમે સાચા લોકજીવનનું અર્થઘટન કરી રહ્યા છો તે અમારે સહુને માટે પ્રેરણારૂપ છે.” ઇરાવતી કર્વે તેમના સંશોધનમાં મેઘાણીએ કરેલી મદદ માટે તેમનો એકથી વધુ વખત આભાર માને છે. પ્રખર વિદ્વાન જહાંગીર એદલજી સંજાણા લખે છે : “હવે હું વિદ્યાર્થી તરીકે માહિતી શોધવા તમારી પાસે આવું છું.” ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ અધિવેશનના વ્યાખ્યાનમાં મેઘાણીએ સંઘોર્મિની વિભાવનાનાં દર્શન કરાવ્યાં હતાં. તેનો ઉલ્લેખ કરીને બ. ક. ઠાકોર લખે છે : “સંઘોર્મિના ઝીલનાર અને તેને ઝિલાવનાર થોડી જ વ્યક્તિઓ હોય તેમાંના તમે અદ્યતન ગુજરાતે છો…” ચારણી સાહિત્ય પરના મેઘાણીના અભ્યાસની વાત કરતાં ઠારણભાઈ ગઢવી લખે છે : “આપ એટલા ઊંડા ઊતર્યા છો કે તેટલું જ્ઞાન અમારી જ્ઞાતિમાં કોઈકને હોય તો. આપે અમારી જ્ઞાતિ પર મહાન ઉપકાર કર્યો છે. આખી જ્ઞાતિ આપની ણી છે.” ઇન્દ્ર વસાવડા લખે છે : “મારી નાની દીકરીને ટાઢીબોળ કબરમાં સુવાડતાં સુવાડતાં તમારી ‘સોરઠ તારાં વહેતાં પાણી’ અને ‘વસુંધરાનાં વહાલાદવલાં’ ચોપડીઓમાંથી મને કેટલું આશ્વાસન મળ્યું !” કાકાસાહેબ કાલેલકર લખે છે : “મરાઠીમાં જેમ ‘જ્ઞાનેશ્વરી’ એ આદ્યગ્રંથનું સ્વતંત્ર વ્યાકરણ રચાયું છે, તેમ તમારે હાથે સંગ્રહિત લોકસાહિત્યનું વ્યાકરણ, ભાષાશાસ્ત્રા અને વ્યુત્પત્તિશાસ્ત્રા તૈયાર કરવા માટે કોઈ વિદ્વાન પાકવો જોઈએ. એવા વિદ્વાનનું આહ્વાન કરવાનો અધિકાર તમારો છે.” શાંતિનિકેતનના ગુરુદયાલ મલ્લિકે લખ્યું છે : “હું હિંદનો સમ્રાટ હોત તો તમને મારા વડાપ્રધાન નીમત. પહેલું કારણ તો એ કે તમે કવિ છો, દ્રષ્ટા છો; બીજું એ કે તમારી નજર દરેકમાંનું શ્રેષ્ઠ પારખી શકે છે… તમારી સ્મૃતિઓનાં મઘમઘતાં ઉપવનોમાં તમને વારંવાર મળું છું.”
મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન માટે સૌરાષ્ટ્ર ખૂંદ્યું હતું. તેમણે ગામડાંગામના ચારણો, ગઢવીઓ, આહિરો, મેરો, ખારવાઓ, ખેડૂતોની સાથે બેસીને મૌખિક લોકસાહિત્ય એકઠું કર્યું હતું. ટાંચણો ને નોંધો કર્યાં હતાં. પોરબંદરના બરડા મહાલના બગવદર ગામનાં મેરાણી બહેન ઢેલીએ એક વખત પોણી રાત જાગીને મેઘાણીને મેરાણીઓના રાસડા સંભળાવ્યા હતા. 1975માં 90 વર્ષનાં જાજરમાન ઢેલી આઇએ નરોત્તમ પલાણને મેઘાણીનું એક સંસ્મરણ કહ્યું હતું. તેમાં મેઘાણીના સહવાસ અને રીતભાતનું સોંસરી ભાષામાં વર્ણન કરીને છેલ્લે ઢેલી આઈ કહે છે : “આવો માણસ મેં કોઈ દિ’ જોયો નથી. એની હાજરીનો કોઈ કહેતાં કોઈને ભાર જ નો લાગે !”
સંજય શ્રી. ભાવે
[‘આરપાર’ અઠવાડિક : 2004]