યુગો પછી પહેલી વાર પ્રજાસત્તાકનો મોભો પ્રાપ્ત કરનાર આપણા આ મહાન દેશમાં લોકશાહીને મજબૂત બનાવવામાં આપણા તરફથી ન જેવો ફાળો અપાયો છે. લોકશાહી તો એક વટવૃક્ષ જેવી છે. જેમ વડ ઊંચો જાય છે તેમ તેને નીચે પાછા વળવાનું સાંભરે છે અને જમીન તરફ શાખાઓ ફેલાવી માટીમાં એ મૂળિયાં નાખે છે. લોકશાહી તો જ જીવી શકે, જો શાખાઓ મૂળિયાં જમાવે. પછી એ ગમે તેવા ઝંઝાવાતની સામે અડીખમ ઊભી શકે. વાવાઝોડાની સામે લોકશાહીને પગભર રાખી શકે એવી ઘણી ઘણી સંસ્થાઓ હોવી જોઈએ. પણ આપણે તો પહેલી ફૂંકે લગભગ કડડભૂસ થઈ ગયા. આપણે ઉઘાડા પડી ગયા.
ઉમાશંકર જોશી
[‘નિરીક્ષક’ અઠવાડિક : 1976]