મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે,
ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડયા તે આપણે….
સાત સાગર પાર જઈ સામે કિનારે ઊતર્યા,
ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે.
આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ,
ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડયા તે આપણે.
‘જટિલ’
[‘કુમાર’ માસિક : 1977]