‘ફૂલછાબ’માં પોતાનું લખાણ છાપવાનો વારંવાર દુરાગ્રહ કરીને હિંસક ધમકીઓ આપનાર એક નામચીન માથાભારે શખ્સે એક બપોરે બોટાદ સ્ટેશને ઝવેરચંદ મેઘાણીના અંગત મદદનીશ હાથીભાઈ ખાચર પર હુમલો કરી મારામારી કરી ત્યારે મેઘાણી કોઈની સાથે વાતો કરતા હતા. કોઈએ દોડી આવીને ખબર આપતાંવેંત મેઘાણી દોડયા. ગુંડાએ એમની પર ધસારો કર્યો. પોતાની પાઘડી ઉતારીને દૂર ફંગોળીને સ્વરક્ષણાર્થે લડીને મેઘાણીએ એને ધૂળ ચાટતો કર્યો. એ દૃશ્ય જંક્શન પર સામસામી ઊભી હતી તે બંને ટ્રેનના સેંકડો મુસાફરોએ કૂંડાળું વળીને જોયું.