અહીંથી ચાલ્યા જાઓ !

આપ સૌની બેઠકો સમાપ્ત કરવાનો આ યોગ્ય અવસર છે. કારણ કે, આ પવિત્ર સ્થળનું આપ ભારે અપમાન કરી રહ્યા છો. આપનામાં બધા જ દુર્ગુણો મોજૂદ છે. આપ સૌ સમસ્ત પ્રજાના દુશ્મન છો. નાનકડી રકમ માટે આપ ઈશ્વરને પણ વેચી દેશો અને સાધારણ સ્વાર્થ માટે જનતાને વેચી દેશો. આપમાંથી કોણે પોતાના આત્માનો સોદો લાંચથી નથી કર્યો ?

આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરનાર વેશ્યાઓ જેવા છો આપ. ભગવાનના આ પવિત્ર મંદિરને આપે ચોરોના આશ્રયસ્થાનમાં પલટાવી નાખ્યું છે. જનતાએ પોતાના કષ્ટના નિવારણ માટે આપણને અહીં મોકલ્યા હતા. પરંતુ આપ તો એ જનતાને જ સૌથી વધુ કષ્ટ આપનારા થઈ ગયા છો.એટલે જલદી કરો, ભગવાનને ખાતર અહીંથી ચાલ્યા જાઓ અને પાર્લમેન્ટના દરવાજા બંધ કરો !

ઓલિવર ક્રોમવેલ

**

ઓલિવર ક્રોમવેલ (1599-1658) : ઇંગ્લેંડના રાજકારણી અને સૈનિક. ચાર વરસમાં ત્રણત્રણ સંસદને વિખેરી નાખનાર અને પછી અગિયાર વરસ સુધી સંસદ વિના જ શાસન ચલાવનાર જુલમી રાજા ચાર્લ્સની સામે સંસદીય સેનાએ યુદ્ધ ચલાવ્યું તેમાં અશ્વદળના અફસર તરીકે ક્રોમવેલે આકરી શિસ્ત અને ધાર્મિક ઝનૂનનો સમન્વય કરતા પોતાના અવિજેય લોખંડી લડવૈયાઓ (‘આયર્નસાઇડ્ઝ’)ની રેજિમેંટ બનાવી. 1642માં શરૂ થયેલા આંતરવિગ્રહ દરમ્યાન અવિરત લડાઈઓ ચલાવી, શાહી દળોનો ખાત્મો બોલાવ્યો. અંતે રાજા સંસદીય સેનાને શરણે આવ્યો, આમ સભાએ રચેલી 67 ન્યાયમૂ„તઓની અદાલતમાં તેની સામે કામ ચાલ્યું અને સિતમગર તથા રાષ્ટ્રના શત્રુ તરીકે તેને મોતની સજા થઈ અને રાજાશાહી જ નાબૂદ કરવામાં આવી. પછી 1649માં સ્થપાયેલ પ્રજાસત્તાક (‘કોમનવેલ્થ’)ના મંત્રીમંડળના વડા તરીકે ક્રોમવેલની વરણી થઈ. પણ સંસદમાં હજી ઘણાં અમીરશાહી તત્ત્વો હતાં તે પોતાનું સ્થાન “યાવચ્ચંદ્ર દિવાકરૌ” ટકાવી રાખવા માગતાં હતાં. 1655માં એ સંસદને બરખાસ્ત કરતી વેળાના ક્રોમવેલના ભાષણમાંનો એક ભાગ ઉપર આપેલો છે.

**
આપણે તો આપણા મનના માલિક
આપણી તે મસ્તીમાં રહીએ…
વાયરા તો આવે ને વાયરા તો જાય
આપણે શું કામ ઊઠી જઈએ ?
દલપત પઢિયાર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.