અરધી સદીની વાચનયાત્રા ભાગ – 2

પાપીનો પણ પ્રતિનિધિ

ગાંધીજીનું સત્યાગ્રહનું એક વ્યાકરણ હતું. આ વ્યાકરણનો નિયમ ન પાળતાં જે સત્યાગ્રહ કરવામાં આવે છે તે દુરાગ્રહ બને છે, જબરદસ્તીનો એક પ્રકાર બને છે. છેલ્લાં વીસ વરસોમાં [1950 પછીનાં] કોઈએ પણ શુદ્ધ સત્યાગ્રહના દાખલા લોકો આગળ મૂક્યા નથી. પરિણામે સત્યાગ્રહની જગ્યા હત્યાગ્રહે લીધી છે. હત્યાગ્રહ કાં તો કાયદેસર સરકારને ખાઈ જશે, અથવા સર્વત્રા ગુંડાનું રાજ્ય શરૂ કરશે.
જ્યારે ચૌરીચૌરા હત્યાકાંડ થયો, ત્યારે ગાંધીજીએ એને રાષ્ટ્રીય પાપ માન્યું અને પોતે પ્રાયશ્ચિત્તરૂપે અપવાસ કર્યા. ત્યારે કેટલાક લોકો ગાંધીજી પાસે જઈ કહેવા લાગ્યા કે, “આપ અહિંસાના પૂજારી છો એ આખી દુનિયા જાણે છે. ત્યાં જે લોકોએ હિંસા કરી, તેમની સાથે આપનો દૂરનો પણ સંબંધ જોડવાની હિંમત કોઈ કરવાનું નથી. પછી આપ એ પાપ માટે પોતાને જવાબદાર શા માટે માનો છો ?”
ગાંધીજીએ જવાબ આપ્યો : “હું પોતાને મનથી ભારતનો પ્રતિનિધિ માનું છું. આખાય ભારતનો હું સેવક પ્રતિનિધિ છું. ભારતના પુણ્યવાન તેમ જ પાપી, બધાનો હું પ્રતિનિધિ છું. આ દેશની કોઈ પણ વ્યક્તિએ આ રીતે હિંસા કરી, તો તેની જવાબદારી મારે માથે આવી પડે છે. સમગ્ર ભારત વતી હું પશ્ચાત્તાપ ન કરું, તો મારું પ્રતિનિધિત્વ લજવાશે.”
તેથી જ રાષ્ટ્રે એમને રાષ્ટ્રપિતા કહ્યા.
કાકા કાલેલકર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.