રેશમના વસ્ત્રની ગડી જેવી
‘રઘુવંશ’નો અનુવાદ કરતાં, હું ઝાઝો રાજી થયો તે તો ગુજરાતી ભાષાના અકલ્પ્ય સામર્થ્યથી. ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ કોઈ અક્ષયપાત્રામાં ભરેલો હોય તેવો છે. વળી, ગુજરાતી ભાષા ઘણી નમનીય, વાળી વળે તેવી, કોઈ સારા માણસ જેવી છે. ઉત્તમ રેશમના વસ્ત્રની ગડી જેવી, કોઈ રીતે ન ભાંગી શકે તેવી છે એ. એને ગમે તેમ ચોળી નાખો તોય એ તો ઇસ્ત્રીબંધ જ રહે. સારા કુટુંબની દીકરી સાસરિયામાં સરખી ગોઠવાઈ જાય તેવી છે એ.
પ્રજારામ રાવળ