અધૂરી ચોપડી
બાપુએ એક દા’ડો યરવડામાં વિચાર કર્યો કે, હું ભારતીય સંસ્કૃતિ વિશે લખું કંઈક. તો બાપુએ લખવાની શરૂઆત કરી. એમાં પહેલું વાક્ય લખ્યું કે, “જગતની સંસ્કૃતિઓમાં ભારતની તોલે આવે એવી એકેય સંસ્કૃતિ નથી.” લખ્યા પછી કલમ અટકી ગઈ અને એમ ને એમ સૂનમૂન થોડી વાર બેસી રહ્યા. પછી આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. એમણે કહ્યું, “વાક્ય લખ્યું તો ખરું, પણ પછી મારા અંતરે પૂછયું કે, અલ્યા, તું સત્યાગ્રહી – ને આવું વાક્ય શું જોઈને લખ્યું ? મારી નજર સામે અસ્પૃશ્યો તરવરવા માંડયા, ભંગીઓ તરવરવા માંડયા. મને એમ થયું કે આ લોકો જે સંસ્કૃતિમાં આ દશામાં હોય, એની તોલે કોઈ આવે એમ નથી એવું હું કેમ લખી શક્યો ?”
પછી બીજું વાક્ય એમણે લખ્યું નહીં.. અને એ ચોપડી અધૂરી રહી.
મનુભાઈ પંચોળી
**
ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ,
સાધુતા નહિ વાર્ધક્યે, વ્યર્થ તો જિંદગીક્રમ.
‘ઉશનસ’