રમણે ચડેલ આજ ભાળી
મધરાત મેં તો રમણે ચડેલ આજ ભાળી;
ભીલડી જુવાનજોધ કાળી,
મધરાત જાણે ભીલડી જુવાનજોધ કાળી !
દશે દિશા તે જાણે ઘાઘરાનો ઘેર એનો,
ઠેકી ઠેકી લે તાળી;
આકાશી અતલસને તસતસતે કાપડે
સંતાડી રૂપની થાળી !
મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.
સુખિયાં સંજોગિયાં તો હૂંફાળી નીંદમાં
શાનાં જુએ તને કાળી ?
બળતી આંખલડીએ બેસી વિખૂટાં બે
ચકવા ને ચકવીએ ભાળી !
મધરાત આજ રમણે ચડેલ મેંય ભાળી !
બાલમુકુન્દ દવે