ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ઉમાએ અતિ ઘોર તપશ્ચર્યા શરૂ કરી. શિયાળામાં તે હિમ-ઝરણામાં ઊભાં રહ્યાં, ઉનાળામાં પંચાગ્નિ તપ કર્યું અને ચોમાસામાં બારે મેઘ માથે ઝીલ્યા. આઠે પહોર એક ભગવાન શંકરનું જ રટણ તેના ચિત્તમાં રમવા માંડયું. દેવતાઓ પણ આવી ઉગ્ર તપસ્યા જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. પણ ભગવાન શંકરનાં દર્શનની આછીપાતળી ઝાંખીયે ઉમાને ન થઈ.
ઉમાના પાતળા હોઠ કંપી ઊઠયા. અત્યાર સુધી તો કંદમૂળનો આહાર કરી તેણે દેહને ટકાવી રાખ્યો હતો. હવે મુઠ્ઠીભર સૂકાં પાંદડાં જ ખાવાં તેણે શરૂ કર્યાં. એકાગ્ર ચિત્તે ભગવાન શિવનું આરાધન કરતાંકરતાં એની નજર દૂર દૂર ક્ષિતિજ પર મંડાઈ રહેતી. ક્યાંય ચન્દ્રમૌલિની ગૌર કાન્તિનો ઉદય થાય છે ? ક્યાંયે નટરાજનો દિગંત ડોલાવતો ડમરુધ્વનિ સંભળાય છે ? પણ એ આશા ફોગટ નીવડી. ઉમાએ મુઠ્ઠીભર પાંદડાં પણ મુખમાં મૂકવાનું છોડી દીધું. દેવતાઓ હાહાકાર કરી ઊઠયા અને તેમણે પર્ણનો પણ ત્યાગ કરનારી ઉમાનું નામ રાખ્યું – અપર્ણા. સહુને થયું કે હવે તો વૃષભધ્વજને આ તરફ આવ્યા વિના છૂટકો નથી. પણ ભગવાન શંકરનું આસન ચલાયમાન ન થયું. આવા ભીષણ તપની જ્વાલાથી પણ ભગવાન શંકરની આનંદસમાધિને જાણે ઊની આંચ પણ ન લાગી. મહર્ષિઓ, દેવગણો, યક્ષ- કિન્નરો સહુના વિસ્મયનો પાર ન રહ્યો.
પણ ભગવાન શંકરની ઉપેક્ષા અનહદ હતી, તો ઉમાની સહનશક્તિનેયે સીમા નહોતી. તેણે આથી પણ વધુ આકરી તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. અત્યાર સુધી તો એ અંજલિ ભરી જળ પી લેતાં. રાતે થોડી વાર શયન કરતાં, થોડી નિદ્રા પણ આવી જતી. હવે એણે જળનો ત્યાગ કર્યો, નિદ્રા છોડી અને એક પગે ઊભાં રહી ખુલ્લાં નેત્રો ભગવાન શંકરની પ્રતીક્ષા શરૂ કરી. આંખનું મટકું પણ માર્યા વિના ઉમાએ ભગવાન શંકરના અખંડ ધ્યાનની લગની લગાવી. હવાના એક હિલોળાથી એનું તપઃકૃશ શરીર ક્યાંયે ઊડી પડે એમ હતું, પણ અંતરના વજ્રનિશ્ચયથી એણે પગને હિમાલયની જેમ અડગ કરી દીધો. દેવતાઓએ અંતરીક્ષમાંથી હિમાલયની પુત્રી પાર્વતી પર પ્રસન્નતાનાં ફૂલ વેર્યાં. પણ ભગવાન શંકરને પામવાની એની આશાલતાને કોઈ ફૂલ ન બેઠું.
ઉમાની તપસ્યા આગળ વધતી ચાલી. તેની એક પગે ઊભી રહેલી અચળ કાયાને ઊગતો સૂર્ય આશ્ચર્યથી જોઈ રહેતો ને એવું જ આશ્ચર્ય લઈ આથમી જતો. ત્યાં એક દિવસ સાવ સામાન્ય બનાવ બન્યો.
ઉમા અડગ ઊભાં હતાં. માથે આકરો ધોમ ધખતો હતો. બાજુના સુકાઈ જવા આવેલા સરોવરનું પાણી મરણાસન્ન વ્યક્તિની આંખ જેવું ચળકતું હતું. ત્યાં એક ડુક્કરનું બચ્ચું પાણી પીવા આવ્યું. સરોવરની ચારે તરફ કાદવકીચડ જામ્યો હતો. સહેલાઈથી ઊતરાય તેમ નહોતું, પણ પેલા બચ્ચાની છાતી તરસથી ફાટતી હશે. તે પાણી પીવા નીચે ઊતર્યું ને કાદવમાં ફસાઈ ગયું. બહાર નીકળવા એણે તરફડિયાં મારવાં શરૂ કર્યાં. ઉમાની એના તરફ નજર ગઈ. તપસ્યાભંગની બીકે તેણે તરત નજરને પાછી વાળી ને શંકરના ધ્યાનમાં પરોવી. પણ આજે કેમેય કર્યું એનું ચિત્ત ધ્યાનમાં ચોંટયું નહીં. ઉમાના અંતરમાં કાંઈનું કાંઈ થવા માંડયું. પેલા ડુક્કરના બચ્ચા ભણી એની આંખો ફરી ફરીને ભમતી હતી. ઉમાનું અંતર ચિત્કાર કરી ઊઠયું. પેલું બચ્ચું જેમ જેમ બચવા માટે તરફડિયાં મારતું હતું, તેમ તેમ કાદવમાં વધુ ખૂંચતું જતું હતું. હવે તો તેનું નાનકડું માથું જ દેખાતું હતું. અને એના પર કાદવ છવાતાં કેટલી વાર ?
ઉમાથી ન રહેવાયું. એ તો જગન્માતા ખરાં ને ! આવી અડગ તપસ્યા છોડીને અંતે એ દોડયાં. ઊંચે શ્વાસે, પડતાંઆખડતાં, પેલા બચ્ચાને જલદી વહાલસોયા ખોળામાં ઊંચકી લેવા, પણ કદાચ પોતે ત્યાં પહોંચે એ પહેલાં બચ્ચું કાદવમાં ગરક થઈ જાય તો ? ઉમાએ એક ડુક્કરના બચ્ચા માટે આવડી મોટી તપસ્યાનું પુણ્યફળ હોમી દેતાં કહ્યું : “દેવાધિદેવ, એ બચ્ચાને બચાવી લો ! બચાવી લો ! મારી તમામ તપસ્યાનું ફળ હું એના જીવન માટે સમર્પી દઉં છું.”
એક ડુક્કરને ખાતર ઉમા ડગી ગયાં તેથી દેવતાઓએ નિરાશ વદને માથું ધુણાવ્યું. પણ ત્યાં તો ડુક્કરના ડૂબતા બચ્ચાની જગ્યાએ ત્રાભુવનને ભરી દેતું પ્રભામંડળ રચાયું. ભગવાન શંકર પોતે પ્રગટ થયા અને ઉમાની પાસે આવી અત્યંત મધુર સ્વરે કહ્યું : “શુભે, આ એક જ કૃત્યથી આજે તેં મને સદાને માટે ખરીદી લીધો છે. હું તારો ક્રીતદાસ છું. મારા એકાદ અતિ ક્ષુદ્ર પ્રાણી તરફની જીવતી અનુકંપા કરોડો વર્ષોની તપશ્ચર્યાથી પણ ચડી જાય છે.”
ભગવતી ઉમાની આંખો લજ્જા, ગૌરવ અને આનંદથી ધરતી ખોતરવા માંડી.
મકરન્દ દવે
[‘પીડ પરાઈ’ પુસ્તક]