એક સંગીતકાર મિત્ર કરાંચીમાં મુબારકઅલી ખાં પાસે સંગીત શીખવા જતા. સવારના ચાર વાગ્યે ઉસ્તાદ શીખવવાનું શરૂ કરે. કલાકનો તો તેમના ઘરનો રસ્તો, એટલે સવારે ત્રણ વાગ્યે ઊઠીને નીકળવું પડે. ઉસ્તાદ ગાવાનું કહે, એકાદ કલાક આલાપ-ગાયન ચાલે, ત્યાં ઉસ્તાદ અચાનક કહે : “જા, જઈને મારે માટે પાન લઈ આવ.” અને શિષ્ય એ વહેલી સવારે કોઈ એકલદોકલ દુકાન ઊઘડી હોય તે શોધી કાઢી, પાન લઈને આવે, ત્યારે ગુરુ કહે : “હં, હવે જે સૂર પરથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી ફરી શરૂ કર.” તે વખતે, સંગીતમાં જેનાં મનપ્રાણહૃદય સંપૂર્ણપણે તલ્લીન થઈ ગયાં હોય, જેના અંતરમાં એ સૂરનું જ રટણ ચાલતું હોય, તે શિષ્ય એ સૂરને અધૂરો મૂક્યો હતો ત્યાંથી બરોબર અનુસંધાન શોધી લઈ શકે.
ઈશા-કુન્દનિકા
[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક : 1978]