અંતરના આંગણામાં અજવાળું

                    માણસે એકાંતની ક્ષણોમાં વાંચવા જેવું અને વિચારવા જેવું ઈશા-કુન્દનિકાનું પુસ્તક ‘ઝરૂખે દીવા’. પોતે જે કંઈ માણ્યું, અનુભવ્યું એ બધું ઈશા-કુન્દનિકાએ એકત્રિત કરીને વ્યવસ્થિત રીતે ‘ઝરૂખે દીવા’માં મૂક્યું છે. પ્રત્યેક પાને કંઈક ને કંઈક એવું મળી રહે, જાણે માણસને વૃક્ષનો વિસામો મળ્યો, નદીનું જળ મળ્યું. આંખ સામે શાંત સરોવરનું દૃશ્ય દેખાય અને આ દૃશ્યની પાછળ જે અદૃશ્ય છે તેનો પણ શાતાદાયક અનુભવ થાય.

                     ઈશા-કુન્દનિકાએ અહીં અનેક પુષ્પોને એકઠાં કર્યાં છે અને દરેક પુષ્પની એક વિશિષ્ટ સુગંધ છે. સંપાદનને અંગ્રેજીમાં ‘એન્થોલોજી’ કહે છે. ‘એન્થો’નો મૂળ અર્થ ફૂલો અને ‘લોજી’નો અર્થ એકત્રિત કરવાનો છે. આ ‘બુક’ નથી પણ ‘બુકે’ છે, પુષ્પગુચ્છ છે.
‘ઝરૂખે દીવા’નું અજવાળું આપણા અંતરના આંગણામાં પ્રસરે, એવી પ્રાર્થના.

સુરેશ દલાલ
[‘ઝલક તેરા’ પુસ્તક : 2004]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.