ધૂળિયે મારગ – મકરન્દ દવે

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખેપડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

મકરન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.