એક શાળામાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા એક પુસ્તક-મેળો યોજાઈ ગયો. પુસ્તકો બાળકો-કિશોરો માટેનાં હતાં. ભૂલકાંઓને પ્રદર્શનમાં ઊભાં ઊભાં કે બેઠાં બેઠાં પુસ્તકો વાંચતાં જોવાં એ એક લહાવો હતો. બાળકોને રમતાં જોઈને જેટલો આનંદ થાય છે તેટલો જ આનંદ એમને રંગબેરંગી પુસ્તકોમાં ખોવાઈ ગયેલાં જોઈને થાય છે.
વિખ્યાત લેખક સમરસેટ મોમે કહ્યું છે કે આપણે પેન્ટની સિલાઈ માટે ગમે તેટલી કિંમત આપતાં અચકાતાં નથી, પણ એક પુસ્તક ખરીદતાં અચકાઈએ છીએ. આનું કારણ કદાચ એ હોય કે આપણાં મનમાં ઊંડે ઊંડે એવું પડેલું છે કે પુસ્તક તો ગમે ત્યાંથી માગીને પણ વાંચી લઈશું અથવા એના વિના ચલાવી લઈશું; ન વાંચીએ તો શું બગડી જાય ? પણ જેમ શરીરને ખોરાકની જરૂર છે તેમ મનને પણ ખોરાકની જરૂર છે. રોજબરોજના જિવાતા જીવનથી થાકીને મન ક્યાંય બીજે ખોવાઈ જવા ઇચ્છે છે. પણ આપણે તો એને, મદારી સાપને ટપલી મારીને કરંડિયામાં પૂરી દે તેમ, શાંત પાડી દઈએ છીએ. મનને મારીને જીવતાં આપણને આવડી ગયું છે. પણ આપણું મન જાતજાતના અનુભવો ઝંખે છે. આપણી રોજિંદી જિંદગી એકધારી હોય છે; એ મનને કેટલા અનુભવો આપી શકે ? પુસ્તકોમાં વિવિધ અનુભવોની એક જુદી જ દુનિયા હોય છે. એમાંથી પસાર થયેલું મન પછીથી સંસારને જુદી રીતે જોતું-મૂલવતું થાય છે. ‘મહાભારત’ વાંચ્યા પહેલાંનો હું અને એ વાંચ્યા પછીનો હું, એ બે જુદી જ વ્યક્તિઓ છીએ. સારું પુસ્તક જીવનને જોવાની એક નવી દૃષ્ટિ આપે છે, આપણને આંતરિક રીતે ઘડે છે.
મહત્ત્વ છે સારાં પુસ્તકનું. પુસ્તક-પસંદગીમાં ધોરણો ઊંચાં રાખવાં જોઈએ. પ્રશ્ન છે અભિરુચિની કેળવણીનો. ઊગતી પેઢી માટે જો આટલું થઈ શકે તો પછી એ પેઢી મોટી થશે ત્યારે આપોઆપ હલકાં પુસ્તકોને દૂર ખસેડતી થશે. આનાથી નીચું તો મને કશું જ ન ખપે – એવો આગ્રહ માનવીમાં જન્મવો જોઈશે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
[‘મુંબઈ સમાચાર’ દૈનિક : 1978]
**
સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું
અદમ ટંકારવી
**
જે ઉત્તમ છે, તે નિત્યનૂતન છે.
**